સફળતા અંગે બીજા વિશ્વ યુદ્ધ સમયે બ્રિટનના વડાપ્રધાન રહેલા વિન્સ્ટન ચર્ચિલે કહ્યું હતું કે, “Success is not final; failure is not fatal: It is the courage to continue that counts.”

જ્યારે બૉલિવુડના મહાનાયક એવા અમિતાભ બચ્ચને કારકિર્દીની શરૂઆતમાં ભારે સંઘર્ષ કર્યો હતો. પણ અમિતાભે મનમાં ગાંઠવાળી હતી કે એ એક દિવસ બૉલિવુડમાં નામ કમાશે. એમના સંઘર્ષ અને સફળતા અંગે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે બિગ બીએ જણાવ્યું હતું કે, જો તમારામાં લગન, ધૈર્ય, હિંમત હોય તો તમે કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં એનો સામનો કરી સફળતાપૂર્વક બહાર નીકળી આગળ વધી શકો છો. એ સાથે તેમણે ઉમેર્યું હતું કે  કદી મહાન બનવા કામ નથી કર્યું, મેં જે પણ કામ કર્યું એ બસ એમ વિચારીને કર્યું કે જે કરવું છે એ પૂરી યોગ્યતા સાથે કરવું છે. અને આપણા બધામાં એક એવી અલૌકિક શક્તિનો ભંડાર ભરેલો હોય છે જે ત્યારે જ બહાર આવે છે જ્યારે જિંદગી આપણી પરીક્ષા લેતી હોય.

તો બૉલિવુડના જ કિંગ ખાને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે નિર્ણય લેનાર બનો, પૂરી દુનિયા વિચારવંતો અને બોલનારાઓથી ભરેલી છે. એટલે સિસ્ટમને ભૂલી ચાર્જ લ્યો અને તમારી પોતાની સ્ટોરી લખો.

આ બધી વાતો આપણા ભણતરમાં શીખવા નથી મળતી પણ અનુભવ આપણને શીખવે છે. એટલે જો તમારે જિંદગીમાં કંઈ બનવું હોય તો દુનિયા શું કહેશે એ ભૂલી જાઓ અને મંડી પડો તમારા લક્ષ્યને પામવા.

આજ વાત નિર્માતા પિનલ પટેલ તેમની ફિલ્મ ‘સફળતા 0 કિમી’માં લઈને આવ્યા છે. જીવનમાં પોતાની પસંદગીની કરિયરમાં આગળ વધવા માંગતા આજના યુવાનોને મનોરંજન સાથે પ્રેરણાત્મક સંદેશ મળે એ હેતુથી પિનલ પટેલે બનાવેલી ગુજરાતી ફિલ્મ ‘સફળતા 0 કિમી’ વેલેન્ટાઇન ડે એટલે કે 14 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. મજાની વાત એ છે કે હીરો ધર્મેશ યેલાન્ડેને પોતાની કરિયર બનાવવા માટે ફિલ્મમાં જેટલો સંઘર્ષ કરતો દર્શાવવામાં આવ્યો છે એના કરતા ઘણો વધુ સંઘર્ષ એણે રિયલ લાઇફમાં કર્યો છે.

ફિલ્મનો નાયક શૌર્યની રગેરગમાં નૃત્ય વહી રહ્યું છે. દિવસ-રાત ડાન્સ સિવાય બીજી કોઈ વાત વિચારી પણ શકતો નથી. એને માટે ભણતર કહો કે જીવનનું ગણતર બધું નૃત્યમાં સમાયેલું છે. શૌર્યની ઘેલછા સમાજ માટે મજાકનું સાધન બન્યું હતું તો ઘરનાઓ માટે ચિંતાનો વિષય. પણ ડાન્સમાં જ કરિયર બનાવી નામ કમાવવા માગતો શૌર્ય એના જીવનમાં આવેલી તમામ અડચણોને પાર કરી પોતાની મંઝિલને હાંસલ કરે છે.

નિર્માતા પિનલ પટેલ કહે છે કે આજના યુવાનો માત્ર નોકરી માટે સ્કૂલ-કૉલેજનું શિક્ષણ લઈ યંત્રવત જીવન ગુજારવાને બદલે પોતાના ધ્યેયને હાંસલ કરે એ ઉદ્દેશથી આ ફિલ્મ બનાવી છે.

14 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહેલી RZ એન્ટરટેઇન્મેન્ટ પ્રા. લિમિટેડ બેનર હેઠળ બનેલી અક્ષય યાજ્ઞિક દિગ્દર્શિત ‘સફળતા 0 કિમી’ના મુખ્ય કલાકારો છે ધર્મેશ યેલાંડે, નિકુંજ મોદી, મનીષા ઠક્કર, શિવાની જોશી, તરૂણ નિહિલાની, શિવાની પટેલ, ધર્મેશ વ્યાસ, કુરુષ દેબુ, ઉદય મોદી, પૌરવી જોશી અને શિવમ તિવારી. પંકજ કંસારા લિખિત ફિલ્મનું સંગીત વીરલ-લાવણનું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here