દર્શકો પર ફિલ્મોની એટલી અસર થતી હોય છે કે કલાકારોની ફૅશનથી લઈ તેમની સ્ટાઇલ તો અપનાવતા હોય છે પણ સંતાનોના નામ પણ તેમના માનીતા કલાકારનું રાખતા હોય છે. પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો લોકપ્રિય કલાકાર, જે લીડ એક્ટર કરતા પણ વધુ ફી લેતો હતો એનું નામ રાખવાની હિંમત કોઈ માતા-પિતા દાખવી શક્યા નથી. બૉલિવુડના આ સોફિસ્ટિકેટેડ અભિનેતાનું નામ છે પ્રાણ. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રાણસાહબના નામે જાણીતા અભિનેતાનો આજે સોમો જન્મદિવસ છે. સાત વરસ અગાઉ ન્યુમોનિયા સહિતની અન્ય બિમારીને કારણે અવસાન પામેલા પ્રાણને હજુ કોઈ ભૂલ્યું નથી.

છ દાયકાની કરિયર દરમ્યાન પ્રાણે 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. મજાની વાત એ છે કે એમના જમાનામાં સૌથી વધુ ફી લેતા આ કલાકારનું નામ ફિલ્મોના ટાઇટલમાં પણ એન્ડ પ્રાણ કે ઓવરઓલ પ્રાણ તરીકે આવતું હતું. 

12 ફેબ્રુઆરી 1920ના લાહોરના સુખી સંપન્ન પરિવારમાં જન્મેલા પ્રાણના પિતા સિવિલ એન્જિનિયર હતા અને તેમની વારંવાર બદલીઓ થતી હોવાથી પ્રાણનો અભ્યાસ પણ દહેરાદૂન, કપુરથલા, મીરત, ઉન્નાવ અને રામપુર જેવા વિવિધ શહેરોમાં થયો. મેટ્રિક થયા બાદ પ્રોફેશલ ફોટોગ્રાફર બનવા દિલ્હીની એ. દાસ કંપનીમાં એપ્રેન્ટીસ તરીકે જોડાયા. તેઓ શિમલા ગયા ત્યાં રામલીલામાં અભિનય કર્યો. તમને નવાઈ લાગશે કે રામલીલામાં હિન્દી ફિલ્મોમાં ખલનાયક તરીકે ખ્યાતિ મેળવનાર પ્રાણ અને મદનપુરીએ રામલીલામાં અનુક્રમે સીતા અને રામની ભૂમિકા ભજવી હતી.

પ્રાણને સૌપ્રથમ દલસુખ એમ. પંચોલીએ પંજાબી ફિલ્મ યમલા જટ (1940)માં મોકો મળ્યો હતો. લેખક વલી મોહમ્મદ વલી સાથે લાહોરની એક દુકાનમાં આકસ્મિક મુલાકાત બાદ આ ફિલ્મ મળી હતી. મોતી બી. ગિડવાની દિગ્દર્શિત ફિલ્મમાં નૂર જહાં અને દુર્ગા ખોટે મુખ્ય ભૂમિકામાં હતાં. આ ફિલ્મ બાદ પ્રાણે ચૌધરી અને ખજાનચીમાં નાની ભૂમિકા ભજવ્યા બાદ દલસુખ પંચોલીએ ફર ખાનદાનમાં મોકો આપ્યો. આ પ્રાણની પહેલી હિન્દી ફિલ્મ હતી. 1947માં ભારતના ભાગલા થયા એ અગાઉ પ્રાણે 18 ફિલ્મોમાં કામ કર્યું. તમને જાણીને નવાઈ લાગશે કે ભાગલા અગાઉ પ્રાણે કરેલી બે ફિલ્મો જેમાં મનોરમા પ્રાણ સાથે હતી એ તરાશ (1951) અને ખાનાબદોશ (1952) માત્ર પાકિસ્તાનમાં જ રિલીઝ થઈ હતી. ભાગલા બાદ પ્રાણ મુંબઈ આવ્યા અને મરીન ડ્રાઇવ ખાતે આવેલી ડેલ્મર હોટેલમાં નોકરી કરવાની સાથે ફિલ્મોમાં કામ મેળવવાના પ્રયાસો પણ કરતા રહ્યા. મુંબઈમાં એમને પહેલો મોકો 1948માં મળ્યો.

પ્રાણે તેમની છ દાયકાની કરિયરમાં રાજ કપૂર, દિલીપ કુમાર, દેવ આનંદ સાથે કામ કર્યું. અશોક કુમાર અને પ્રાણની માત્ર પરદા પર જ નહીં, રિયલ લાઇફમાં પણ ગાઢ મિત્રો હતા. તેમણે એક-બે નહીં 27 ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. જેમાં મિસ્ટર એક્સ, અધિકાર, વિક્ટોરિયા નંબર 203, ચોરી મેરા કામ, રાજા ઔર રાના મુખ્ય છે.

તો 1948થી દેવ આનંદ સાથે કામની શરૂઆત કરનાર પ્રાણે સિત્તેર-એંસીના દાયકામાં પણ સાથે કામ કરતા રહ્યા. જેમાં જ્હોની મેરા નામ, યે ગુલિસ્તાં હમારા, જોશિલા, વૉરન્ટ અને દેશ પરદેશમાં પણ સાથે જોવા મળ્યા હતા.

પ્રાણ પર ફિલ્માવાયેલાં ગીતો પણ ઘણા લોકપ્રિય થયા હતા. જેમાં હમ બોલેગા તો બોલોગે કે બેલતા હૈ (કસૌટી), માઇકલ દારૂ પીતા હૈ મજબૂર, કસમે વાદે (ઉપકાર), યારી હૈ ઇમાન મેરા (જ્હોની મેરા નામ)નો સમાવેશ થાય છે.

પ્રાણ માટે કહેવાય છે કે તેઓ દિવસની સો-સવાસો જેટલી સિગરેટ પીતા હતા. જોકે ચેઇન સ્મોકર પ્રાણે રાતોરાત સિગરેટ છોડી દીધી. સિગરેટની વાત નીકળી છે તો તેમના નેગેટિવ રોલને પ્રભાવશાળી બનાવવામાં સિગરેટના ધુમાડા રિંગ બનાવવાની સ્ટાઇલે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

પ્રાણને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર તરીકે ઉપકાર, આંસૂ બન ગયે ફૂલ અને બે-ઇમાન માટે ફિલ્મફેર અવોર્ડ મળ્યા હતા. પરંતુ તેમણે બે-ઇમાન માટેનો અવોર્ડ લેવાનું નકારી દીધું હતું. તેમનું કહેવું હતું કે શ્રેષ્ઠ સંગીતકારનો અવોર્ડ ગુલામ મોહમ્મદને મળવો જોઇતો હતો, શંકર જયકિસનને નહીં. ફિલ્મફેર ઉપરાંત તેમને ફિલ્મફેર, સ્ટાર સ્ક્રીન અવોર્ડ અને ઝી સિને અવોર્ડ્સે લાઇફટાઇમ અચીવમેન્ટ અવોર્ડ એનાયત કર્યા હતા. તો 2001માં પ્રાણને ભારત સરકાર દ્વારા પદ્મ ભુષણથી નવાજવામાં આવ્યા હતા. જ્યારે 2013માં કેન્દ્ર સરકારે ફિલ્મ ઉદ્યોગના સર્વોચ્ચ અવોર્ડ ગણાતા દાદા સાહેબ પુરસ્કાર આપી તેમનું બહુમાન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here