રસિકા દુગ્ગલ… ઓટીટી પર પોતાની અભિનય પ્રતિભાથી રાજ કરતી અભિનેત્રી હિમાચલ પ્રદેશના પાલમપુરમાં એની આગામી વેબ સિરીઝ સ્પાઇકના બીજા શેડ્યુલનું શૂટિંગ શરૂ કર્યુ છે. હકીકતમાં શૂટિંગ રસિકાના જન્મદિવસ 17 જાન્યુઆરીથી થવાનું હતું પરંતુ કોરોનાની ત્રીજી લહેરના કારણે મુલતવી રાખવામાં આવ્યું હતું. સિરીઝમાં રસિકા વૉલિબૉલ કૉચની ભૂમિકા ભજવી રહી છે.
ભૂમિકાને ન્યાય આપવા રસિકાએ શૂટિંગ શરૂ કરવા પહેલાં મુંબઈમાં ત્રણ મહિના સુધી વૉલીબૉલનું પ્રશિક્ષણ લીધું હતું. એના માટે સૌથી રોમાંચક બાબત એ છે કે હિમાચલ પ્રદેશની બરફ આચ્છાદિત પહાડો વચ્ચે સિરીઝનું શૂટિંગ થઈ રહ્યુ છે.
બીજા શિડ્યુલનું શૂટિંગ શરૂ થયા બાદ રસિકાએ કહ્યું કે, શૂટિંગ માટેની તારીખોમાં અનેકવાર ફેરફાર કરવા પડ્યા, અનેક મુશ્કેલીઓ બાદ બધાની તારીખો એડજસ્ટ થઈ શકી. હવે અમે પૂરા જોમજુસ્સા સાથે સ્પાઇકના બીજા શિડ્યુલને આગળ ધપાવી રહ્યા છીએ. શૂટિંગ દરમિયાન હું જ્યારે બ્રેક બાદ મારા પાત્રમાં પાછી ફરું છું ત્યારે થોડી નર્વસ થતીં હોઉં છું. જોકે એ આછેરા ડર બાદ ભૂમિકામાં ઓતપ્રોત બની જાઉં છું. જોકે આ વખતે હિમાલયની ગોદમાં શૂટિંગ કરવાનો અનુભવ કમાલનો રહ્યો.
રસિકા દુગ્ગલના આગામી પ્રોજેક્ટમાં દિલ્હી ક્રાઇમ સીઝન-2, લૉર્ડ કર્ઝન કી હવેલી ઉપરાંત અન્ય પ્રોજેક્ટ છે જેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.