કુદરતે મહિલાઓની સુંદરતા માટે આપેલા ઘરેણાઓમાં એક છે લાંબા રેશમી વાળ. બૉલિવુડમાં તો વાળ-ઝુલ્ફોને કેન્દ્રમાં રાખી અનેક રોમાન્ટિક સૉંગ બન્યા છે અને આજે પણ એ ગીતોની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી. હીરોઇનના વાળ-ઝુલ્ફોંના યાદગાર ગીતોની લાંબી યાદી બની શકે. આટલું વાચીને તમને પણ ઝુલ્ફો લહેરાવતી હીરોઇન યાદ આવવાની સાથે તમારૂં માનીતું ગીત ગણગણી લેશો. જો તમને એકાદુ ગીત પણ યા ન આવતું હોય તો અત્રે બે-ચાર મુખડા આપ્યા છે. ના ઝટકો ઝુલ્ફ સે પાની… (શહેનાઈ), ઓ હસીના ઝુલ્ફોંવાલી… (તીસરી મંઝિલ), તેરી ઝુલ્ફોં સે જુદાઈ નહીં માગી થી… (જબ પ્યાર કિસી સે હોતા હૈ) વગેર વગેરે.

આવા પ્રિયતમના પ્રિય ગણાતા વાળનું યુવતીઓ કેટલું જતન કરતી હશે એની તો કલ્પના જ કરવી રહી. જોકે આજના ફાસ્ટ જમાનામાં કરિયર બનાવવામાં પડેલી યુવતીઓ સમયના અભાવે મને-કમને પોતાના વાળ કપાવી નાખે છે. તો કોઈ ફૅશન માટે પણ વાળ ટૂંકા કરાવતું હોય છે.

હવે તમને થશે કે વાળનું પુરાણ કેમ શરૂ કર્યું છે? તો તમને જાણ કરી દઉં કે આપણી વચ્ચે એવી પણ મહિલાઓ છે જે બીજાનું દુખ જોઈ પૂરા એક વરસ સુધી પોતાના વાળને વધારવા ભારે જહેમત કરે છે અને ખુશી ખુશી કપાવી એનું દાન કરે છે. આવી જ એક મહિલા છે ઢોલિવુડની જાણીતી બ્યૂટિશિયન-મેકઅપ આર્ટિસ્ટ ધનલક્ષ્મી ત્રિવેદી. જેણે કેમોથેરેપીમાં પોતાના બધા વાળ ગુમાવી ચુકેલી એક મહિલાને ડોનેટ કર્યા.

આ અંગે ધનલક્ષ્મીએ ફિલ્મી ઍક્શનને જણાવ્યું કે દોઢેક વરસ અગાઉ મારી મુલાકાત કેન્સરના એક દરદી સાથે થઈ જેમની કેમોથેરેપી ચાલી રહી હતી. વાતચીત દરમ્યાન ગળગળા સાદે વાળ ગુમાવ્યાનું દુખ હોવાનું જણાવી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. મારાથી તેમનું દુખ સહન ન થયું. હું બીજું કશું કરી શકું એમ ન હોવાથી મેં મારા વાળ તેમને ડોનેટ કરવાનું નક્કી કર્યું. જોકે એક સંસ્થા દ્વારા જાણવા મળ્યું કે વાળ ડોનેટ કરવા હોય તો ઓછામાં ઓછા વીસ ઇંચની લંબાઈ તો હોવી જોઇએ. એ સમયે મારા વાળ એટલા લાંબા નહોતા એટલે વાળની લંબાઈ વધારવાના ભગીરથ પ્રયાસો શરૂ કર્યા. મને આનંદ એ વાતનો છે કે ઇશ્વરની પણ મારા પર કૃપા રહી કે મારા વાળ વીસ ઇંચ કરતા લાંબા કરવામાં સફળ રહી.  વાળની લંબાઈનો ટાર્ગેટ જેવો પૂરો થયો કે તુરંત મેં મારા વાળ એ કેન્સર પીડિત મહિલાને ડોનેટ કર્યા. મને એ વાતનો સંતોષ છે કે મારા વાળને કારણે એક વ્યક્તિના ચહેરા પર હંમેશ માટે સ્મિત જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here