વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મતવિસ્તાર બનારસમાં પહેલીવાર ઉત્તર પ્રદેશ સરકાર પ્રેરિત યુપી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન થઈ રહ્યું છે. 28 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી યોજાનારા ફિલ્મ ફેસ્ટિવલમાં દેશ-વિદેશની અનેક ફિલ્મ્સ, શોર્ટ ફિલ્મ્સ, ડૉક્યુમેન્ટર્રીઝ, મ્યુઝિક વિડિયોઝ અને એનિમેશન ફિલ્મ દર્શાવવામાં આવશે. ફિલ્મ ફેસ્ટિવલના એડવાઇઝર, ફિલ્મ સિટીના વાઇસ પ્રેસિડન્ટ અને ઉત્તર પ્રદેશના રાજ્યકક્ષાના સાંસ્કૃતિક પ્રધાન અમરજીત મિશ્રાએ ફિલ્મી ઍક્શન સાથેની વાતચીત દરમ્યાન ફિલ્મ ફેસ્ટિવલ ઉપરાંત યુપી સરકાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આકર્ષવા ક્યા પગલાં લઈ રહી છે એની નિખાલસપણે વાત કરી હતી.

અમરજીત મિશ્રાએ જણાવ્યું કે ફિલ્મ ફેસ્ટિવલના આયોજન પાછળ માત્ર મનોરંજન ઉદ્યોગને પ્રોત્સાહ આપવાનો નથી. પરંતુ એની સાથોસાથ ઉત્તર પ્રદેશની સંસ્કૃતિ, પર્યટન સ્થળોના પ્રચાર-પ્રસાર કરવાનો પણ ઉદ્દેશ છે. ફિલ્મ ફેસ્ટિવલ રાજ્યની રાજધાની લખનઉને બદલે બનારસમાં કરવાનું કોઈ ખાસ પ્રયોજન? પ્રશ્નના જવાબમાં મિશ્રાએ જણાવ્યું કે, બનારસ હિન્દુ ધર્મનું પવિત્ર સ્થળ હોવા ઉપરાંત એક ઐતિહાસિક શહેર છે. એ સાથે આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સંસદીય મત વિસ્તાર પણ છે.

અમરજીત મિશ્રાએ જણાવ્યું કે અત્યાર સુધી ઉત્તર પ્રદેશ અંગેની નકારાત્મક વાતો જ બધા જાણે છે. પરંતુ ઉત્તર પ્રદેશમાં અનેક ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો છે એની ચર્ચા ક્યારેય થઈ નથી. યોગી સરકાર ઉત્તર પ્રદેશની સકારાત્મક બાજુ દુનિયા સમક્ષ રજૂ કરી રહ્યા છે.

ફિલ્મોદ્યોગને પ્રોત્સાહન આપવા સબ્સિટીની જોગવાઈ તો ઘણા સમયથી છે. પરંતુ યુપી સરકારની રાજ્યમાં ત્રણ ફિલ્મસિટી બનાવવાની યોજના છે. જેમાં રામનગર પાસે એક અત્યાધુનિક ફિલ્મસિટીનું નિર્માણ કરી રહી છે. ઉત્તર પ્રદેશમાં ભરપુર લોકેશન્સ છે. કુદરતી સૌંદર્યથી લઈ આધુનિક શહેરોનો સમન્વય ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે. એટલે અમે નિર્માતાઓને આમંત્રણ આપીએ છીએ કે એકવાર ઉત્તર પ્રદેશ પધારો તમને યુપી બદલાઈ રહ્યું હોવાનો અહેસાસ થશે. ઉપરાંત ફિલ્મોદ્યોગને દરેક પરવાનગી તુરંત મળી રહે એ માટે વન વિન્ડો સિસ્ટમ પણ શરૂ કરાઈ છે.

ફિલ્મ ફેસ્ટિવલ અંગે વધુ જાણકારી આપતા ડિરેક્ટર કૃષ્ણા મિશ્રાએ જણાવ્યું કે, યુપી ફિલ્મ ફેસ્ટિવલમાં અનેક કેટેગરીની ફિલ્મોનો સમાવેશ કરાયો છે. એ સાથે વિવિધ કેટેગરીમાં 44 ઍવોર્ડની સાથે રોકડ ઇનામ પણ આપવામાં આવશે. ફિલ્મોનું રજિસ્ટ્રેશન 10 ફેબ્રુઆરી સુધી કરાવી શકાશે. ફિલ્મ ફેસ્ટિવલ અંગેની વિસ્તૃત જાણકારી વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here