ગુજરાતી ફિલ્મોનું જાણીતી અભિનેત્રી કેયુરી શાહ હાલ સાતમા આસમાનમાં વિહરી રહી છે. કારણ, ગોવા ખાતે ચાલી રહેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાના આયોજકો દ્વારા ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ફેસ્ટિવલમાં ખાસ આમંત્રિત તરીકે ગયેલી અભિનેત્રીએ મુંબઇ આવ્યા બાદ પત્રકારોને જણાવ્યું કે આ પ્રકારના સમારંભના આયોજનને કારણે દેશ – દુનિયાથી આવેલી ફિલ્મી હસ્તીઓ સાથે મુલાકાત થવાની સાથે અનેક મહત્વની જાણકારીઓનું આદાન પ્રદાન પણ થતું હોય છે.
ફિલ્મ મહોત્સવ જેવી વૈશ્વિક ઇવેન્ટનું મેનેજમેન્ટ કરતી કંપનીના વરિષ્ઠ અધિકારી અલ્તાફ જહાંગીરના આમંત્રણને માન આપી ગોવા ગયેલી કેયુરી શાહની મુલાકાત અમિત શાહના ભાઈ અક્ષય શાહ, તેમનાં પત્ની ગાયત્રીબેન અને પુત્ર રાધેશ સાથે પણ થઈ હતી.
કરિયર વિશે જણાવતાં કેયુરીએ કહ્યું કે એની બે ફિલ્મો જગુ આણી જુલિયટ (મરાઠી) અને પરિવાર (રાજસ્થાની અને હિન્દી) ટૂંક સમયમાં રજૂ થશે. નવા ચાર – પાંચ પ્રોજેક્ટ અંગે વાતચીત ચાલી રહી છે. જો બધું સમુસુતરું પાર પડ્યું તો ડિસેમ્બર મહિનામાં ફાઇનલ થાય એવી અપેક્ષા છે.
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અંગે જણાવતાં કેયુરીએ કહ્યું કે હાલ વિવિધ વિષયો પર સુંદર ફિલ્મો બની રહી છે. ગુજરાતી નિર્માતાઓ નવતર કરવામાં પણ પાછી પાની કરતા નથી. છેલ્લા ચાર – પાંચ વરસમાં રજૂ થયેલી ફિલ્મ પર નજર કરશો તો ખ્યાલ આવશે કે કેટલી વૈવિધ્યસભર ફિલ્મો આવી છે. આજના નિર્માતા – દિગ્દર્શક દુનિયા સાથે તાલ મેળવી ફિલ્મોનું સર્જન કરી રહ્યા છે.