આંતરરાષ્ટ્રિય ફિલ્મ ફેસ્ટિવલમાં ડંકો વગાડનાર ૨૧મું ટિફિન ૧૦ ડિસેમ્બર, ૨૦૨૧ના ગુજરાતભરમાં રિલીઝ થઇ રહી છે.
વિજયગીરી બાવાની ગુજરાતી ફિલ્મ ૨૧મું ટિફિનને હાલ ગોવા ખાતે ચાલી રહેલા બાવનમાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં ઇન્ડિયન પેનોરમામાં દર્શાવવામાં આવી હતી. ફિલ્મના સ્ક્રીનીંગમાં ઉપસ્થિત દેશ-વિદેશના ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ધુરંધરોએ હટકે ફિલ્મનું નિર્માણ કરવા બદલ અભિનંદન આપ્યા હતા.
૨૦ નવેમ્બરથી ગોવા ખાતે શરૂ થયેલા બાવનમાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં વિશ્વભરની શ્રેષ્ઠ ફિલ્મો દર્શાવવામાં આવે છે. તો ઇન્ડિયન પેનોરમા માટે ભારતની વિવિધ ભાષામાં બનેલી શ્રેષ્ઠ પચીસ ફિલ્મોની પસંદગી કરવામાં આવે છે. ગુજરાતીઓ માટે ગર્વની વાત એ છે કે આ વરસે વિજયગીરી બાવાની ફિલ્મ ઇન્ડિયન પનોરમા માટે પસંદ કરવામાં આવી હતી.
ફિલ્મના સ્ક્રીનીંગ સમયે દિગ્દર્શક વિજયગીરી બાવા, નિર્માત્રી ટ્વિંકલ બાવા, લેખક રામ મોરી અને ફિલ્મની અભિનેત્રી નીલમ પંચાલ અને નેત્રી ત્રિવેદી ઉપસ્થિત રહ્યાં હતાં.
મજાની વાત એ છે કે ફિલ્મની ટીમ જ્યારે પારંપરિક ગુજરાતી પહેરવેશમાં ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર આવી ત્યારે ઉપસ્થિત પત્રકારો અને ફોટોગ્રાફરોના આકર્ષણનું કેન્દ્ર બની હતી.
ફેસ્ટિવલના જ્યુરી અને દર્શકોનો ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો. આ પ્રસંગે વિજયગીરી બાવાએ જણાવ્યું કે ૨૧મું ટિફિન ICFT – UNESCO ગાંધી મેડલ કોમ્પિટિશન માટે પણ પસંદ કરવામાં આવી છે.
આંતરરાષ્ટ્રિય ફિલ્મ ફેસ્ટિવલમાં ડંકો વગાડનાર ૨૧મું ટિફિન ૧૦ ડિસેમ્બર, ૨૦૨૧ના ગુજરાતભરમાં રિલીઝ થઇ રહી છે.