હીરોઇન, પછી એ બૉલિવુડ – ઢોલિવુડની હોય કે મરાઠી ફિલ્મોની, તેઓ જયંત ગિલાટરની ફિલ્મ કરવા આતુર હોય છે. એવું નથી કે જયંત ગિલાટર બીજા નિર્માતાઓ કરતા તેમની હીરોઇનને વધુ મહેનતાણુ ચુકવતા હોય. હકીકતમાં હીરોઇનો જ નહીં, ટેક્નિશિયન પણ જયંત ગિલાટર ફિલ્મ શરૂ કરવાના હોય તો સામે ચાલીને કામ માગવા જતા હોય છે, અને એનું કારણ છે એક માન્યતા.

બધાને ખબર છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટાભાગના કલાકાર-કસબીઓ કોઈ વ્યક્તિ કે ચીજ પોતાને માટે લકી છે એવું માનતી હોય છે. જયંત ગિલાટરે જેટલી પણ ફિલ્મો બનાવી એ તમામની હીરોઇનની સાથે ટેક્નશિયનને પણ પ્રતિષ્ઠિત અવોર્ડથી નવાજવામાં આવ્યા છે. અને એટલા માટે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જયંત ગિલાટરની ઓળખ એક લકી ડિરેક્ટર તરીકેની છે. જો તમને વિશ્વાસ ન આવતો હોય તો જયંત ગિલાટરની ફિલ્મો અને તેમની હીરોઇનને મળેલા અવોર્ડની યાદી પર એક નજર નાખીએ.

જયંત ગિલાટરે તેમની કરિયરની શરૂઆત ૧૯૯૮માં કરી હતી. તેમની પહેલી ફિલ્મ હતી મિથુન ચક્રવર્તી, આયેશા ઝુલ્કા અને શક્તિ કપૂર અભિનીત હિમ્મતવાલા. તો તાજેતરમાં તેમની ગુજરકાતી ફિલ્મ ગુજરાત ૧૧ રિલીઝ થઈ. ગુજરાતની પહેલવહેલી સ્પોર્ટ ફિલ્મમાં તેમની હીરોઇન હતી સલમાન ખાન સાથે કરિયરની શરૂઆત કરનાર ડેઝી શાહ. મજાની વાત એ છે કે ફેબ્રુઆરીમાં યોજાયેલા ટ્રાન્સમીડિયા સ્ક્રીન એન્ડ સ્ટેજ અવોર્ડ-૨૦૧૯નો શ્રેષ્ઠ અભિનેત્રીનો અવોર્ડ ડેઝી શાહને મળ્યો હતો.

આપણા ગુજરાતી સર્જક જયંત ગિલાટરની હિન્દી ફિલ્મ ચૉક એન્ડ ડસ્ટરની બે હીરોઇનો અવોર્ડ મેળવી ગઈ હતી. જેમાં જુહી ચાવલાને શ્રેષ્ઠ અભિનેત્રીનો દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ અવોર્ડ મળ્યો હતો. તો દિવ્યા દત્તાને બેસ્ટ નેગેટિવ રોલ માટે દાદાસાહેબ ફાળકે ફિલ્મ અવોર્ડ એનાયત થયો હતો. વાત આટલેથી અટકતી નથી. મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા મરાઠી ફિલ્મોને અપાતા અવોર્ડમાં તેમની મરાઠી ફિલ્મ સદરક્ષણાયને પાંચ કેટેગરીમાં અવોર્ડ મળ્યા હતા, જેમાંનો એક હતો શ્રેષ્ઠ અભિનેત્રીનો. ફિલ્મમાં પોલીસ અધિકારીની ભૂમિકા ભજવનાર માનસી સાળવીને બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ મળ્યો હતો. જ્યારે જયંત ગિલાટરની જ ગુજરાતી ફિલ્મ નટસમ્રાટમાં નકારાત્મક ભૂમિકા ભજવનાર તસ્નીમ શેખને બેસ્ટ નેગેટિવ આર્ટિસ્ટનો જિફા અવોર્ડ મળ્યો હતો.

હિન્દી-મરાઠી અને ગુજરાતી ફિલ્મોના સર્જકની લગભગ તમામ ફિલ્મોની હીરોઇનોને જો અવોર્ડ મળ્યો હોય તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેઓ લકી ડિરેક્ટરનું બિરૂદ મેળવે તો એમાં કોઈ નવાઈ નથી.

જયંત ગિલાટર હાલ ગુજરાતીના જાણીતા પત્રકાર આશુ પટેલની નોવેલ બાત એક રાત કી પરથી હિન્દી-ગુજરાતીમાં એ જ નામે ફિલ્મ બનાવી રહ્યા છે. મજાની વાત એ છે કે આશુ પટેલ જયંત ગિલાટર સાથે કથા-પટકથા લખવા ઉપરાંત દિગ્દર્શન પર પણ હાથ અજમાવી રહ્યા છે.