૨૭ માર્ચે વર્લ્ડ થિયેટર ડેના પંદરેક દિવસ અગાઉ કોરોનાના ફે્લાઈ રહેલા વ્યાપને ધ્યાનમાં રાખી મહારાષ્ટ્ર સરકારે એપિડેમિક ઍક્ટ હેઠળ ૩૧ માર્ચ ૨૦૨૦ સુધી સિનેમા હૉલ, નાટ્યગૃહો ઉપરાં સ્વિમિંગ પૂલ, જિમ્નેશિયમ સહિત જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મુક્યો છે. આને કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સહિત નાટ્યજગતને પણ ભારે નુકસાન સહેવું પડશે. ફિલ્મી ઍક્શને મહારાષ્ટ્ર સરકારે મુકેલા પ્રતિબંધ અંગે મુંબઈના નાટકોના નિર્માતાઓ સાથે વાત કરવાની સાથે ફિલ્મ-ટીવીના ટ્રેડ એનાલિસ્ટ સાથે પણ વાત કરી હતી.

સૌપ્રથમ વાત કરીએ ગુજરાતી નાટ્યજગતની. મહારાષ્ટ્ર સરકારે ૧૩ માર્ચે પ્રતિબંધ જારી કર્યો એ પછીના પહેલા રવિવાર એટલે કે ૧૫ માર્ચના ગુજરાતી નાટકના ૧૨ જાહેર પ્રયોગ થવાના હતા એ બધા રદ કરવા પડ્યા. માત્ર મુંબઈમાં જ નહીં, અમેરિકાની ટુર પર ગયેલા સિદ્ધાર્થ રાંદેરિયાએ પણ તેમની ટુર ટૂંકાવી પાછા ફરવાનો નિર્ણય લીધો છે. અમેરિકામાં બ્લફમાસ્ટર ગુજ્જુભાઈના ૪૦થી વધુ શો વિવિધ શહેરોમાં થવાના હતા. બે-ત્રણ દિવસ અગાઉ સિદ્ધાર્થ રાંદેરિયાએ સોશિયલ મીડિયા પર એક વિડિયો અપલોડ કરી જણાવ્યું હતું કે તેઓ ૨૮ ફેબ્રુઆરીએ નાટકની પૂરી ટીમ સાથે અમેરિકા જવા નીકળ્યા હતા અને ૧૩ માર્ચ સુધીમાં ૧૨ પ્રયોગ કર્યા. પરંતુ કોરોના વાઇરસના વ્યાપને વધતા જોઈ બાકીના શો મુલતવી રાખ્યા છે. એ સાથે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમણે શો કેન્સલ નથી કર્યા પણ મુલતવી રાખ્યા છે. કોરોનાનું જાખમ ઘટ્યા બાદ તેઓ બાકીના શો પૂરા કરશે.

તો નિર્માતા ચિત્રક શાહ તેમનું નાટક ઑલ ધ બેસ્ટ લઈ વિદેશની ટુર પર જવાના હતા. પરંતુ કોરોનાને કારણે ટુર મલતવી રાખવી પડી. ચિત્રક શાહના જણાવ્યા મુજબ નાટ્યજગતને કોરોનાને કારણે ભારે નાણાકીય ખોટ સહન કરવી પડશે. પરંતુ કોરોનાનું જોખમ ટળતું હોય તો અમે બે નહીં, ત્રણ અઠવાડિયા પણ શો બંધ રાખવા તૈયાર છીએ.

રાજેન્દ્ર બુટાલા

નાટ્યજગતના અગ્રણી નિર્માતા-દિગ્દર્શક-અભિનેતા રાજેન્દ્ર બુટાલા સરકારી આદેશને વધાવતા કહે છે કે, પંદર દિવસ માટે થિયેટર, નાટ્યગૃહો વગેરે બંધ રાખવાનો નિર્ણય સરકારે કોઈ સ્વાર્થ કે પોલિટિકલ કારણોસર નથી લીધો પણ લોકહિતને ધ્યાનમાં રાખી લેવાયો છે. ઠીક છે, સરકારના આ નિર્ણયને કારણે ભલે નાટક-ફિલ્મ-ટીવી જેવા મનોરંજન ઉદ્યોગને ટૂંકા ગાળાનું નુકસાન થતું હોવા છતાં દરેક નિર્માતા સરકારની પડખે ઊભો છે. આવા કટોકટીના સમયમાં નફા-નુકસાન કરતા જનહિત મહત્ત્વનું છે.

પ્રતિબંધ હટ્યા બાદ નાટકના નિર્માતાઓને થિયેટર બુક કરાવવામાં તકલીફ પડશે? પ્રશ્નના જવાબમાં બુટાલાએ જણાવ્યું કે સામાન્યપણે નિર્માતાઓ ત્રણેક મહિના અગાઉથી થિયેટરનું બુકિંગ કરાવતા હોવાથી ખાસ મુશ્કેલી નહીં પડે. પ્રતિબંધ મુકાયા બાદ ત્રણ રવિવારના શો કેન્સલ થશે તો જે નિર્માતાએ થિયેટર બુક કરાવ્યું હશે તેમને ભાડાના પૈસા પાછા મળશે ખરા? ચોક્કસ. સરકારી આદેશને કારણે શો બંધ રાખવા પડે છે. જો કોઇ નિર્માતાએ તેમના અંગત કારણોસર શો રદ કરાવ્યો હોય તો રીફંડ ન મળે. પરંતુ સરકારે જ થિયેટર બંધ રાખવા જણાવ્યું હોય તો એમાં નિર્માતા શું કરી શકે.

૨૨ માર્ચે બે નવા નાટક શરૂ થવાના હતા. પ્રતિબંધને કારણે તેમના શુભારંભ પ્રયોગ લંબાઈ જતા બિઝનેસ પર કોઈ અસર પડી શકે ખરી? પ્રશ્નના જવાબમાં બુટાલા કહે છે કે સ્વાભાવિક છે કે એક વખત રિલીઝ મોકુફ રહે એટલે બિઝનેસ પર થોડી અસર તો થવાની જ.

ભરત ઠક્કર

૨૨ માર્ચે જેમના નવા નાટક ટાર્ગેટનો શુભારંભ થવાનો હતો એના નિર્માતા ભરત ઠક્કરે જણાવ્યું કે, સરકારના પ્રતિબંધને કારણે નિર્માતાઓને ભારે નુકસાન સહેવું પડશે. જોકે સરકારે જનહિતને ધ્યાનમાં રાખી નિર્ણય લેવા પડતા હોવાથી કોરોનાને નાથવા લીધેલા પગલાનું અમે સ્વાગત કરીએ છીએ.

ભરત ઠક્કરનું કહેવું છે કે, એક અઠવાડિયામાં સોલ્ડ આઉટ શો ઉપરાંત જાહેર શો મળી અઠવાડિયે ૮ થી ૧૦ શો થતાં હોય છે. એ બંધ થવાને કારણે નાટકના નિર્માતાઓને અંદાજે પચાસેક લાખ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. જોકે સૌથી વધુ તકલીફ તો બેક સ્ટેજમાં કામ કરનારાઓને થશે કારણ, પ્રતિબંધને કારણે આવકનો સ્રોત જ બંધ થઈ જશે. હકીકતમાં મારી પચીસ વરસની કરિયરમાં પહેલીવાર આવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે.

પ્રતિબંધને કારણે નિર્માતાની સાથે શોનું આયિજત કરનારી સંસ્થાને પણ નુકસાની સહન કરવી પડશે. તમને થશે કે સંસ્થાને કેવી રીતે નુકસાન થઈ શકે? પણ સંસ્થાના આયોજકોએ પણ થિયેટરના બુકિંગથી લઈ એની પબ્લિસિટી સુધીનો અનેક પ્રકારના ખર્ચ કરવા પડતા હોય છે.

શું માર્ચના ત્રણ અવાડિયાના શો રદ થતાં પ્રતિબંધ હટ્યા બાદ નિર્માતાઓને થિયેટરની તારીખો મેળવવામાં તકલીફ પડશે ખરી?

સ્વાભાવિક છે કે માર્ચની જે તારીખો છે એ એપ્રિલ-મેમાં શિફ્ટ કરવી પડશે. ઉપરાંત સંસ્થાના શોને એપ્રિલ-મેમાં શિફ્ટ કરવા પડશે એટલે તારીખો માટે થોડી તકલીફ તો પડશે જ. બીજું, મુંબઈમાં નાટ્યગૃહોની અછત છે એમાં ભાઇદાસ છેલ્લા બે વરસથી બંધ હોવાથી મર્યાદિત થિયેટરોમાં નાટકના પ્રયોગો કરવા પડે છે.

ગુજરાતી નાટકોના તમામ નિર્માતાઓ ભેગા મળી આ સમસ્યાનો નીવેડો લાવવાનો પ્રયાસ નથી કરતા? ગુજરાતી નાટ્ય નિર્માતાઓનો કોઈ સંઘ જ નથી. નિર્માતાઓ એક બીજાને મળી સમસ્યાઓનું નિરાકરણ લાવતા હોય છે. પણ, હવે નિર્માતાઓના સંઘ બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ છે અને આશા છે કે ટૂંક સમયમાં ગુજરાતી નાટ્ય સંઘની જાહેરાત થઈ શકે છે.

માર્ચની ૨૨ તારીખે તમારૂં નવું નાટક ટાર્ગેટ ઉપરાંત કૌસ્તુભ ત્રિવેદીનું ક્યારેક આવું પણ બને રજૂ થવાનું હતું, પ્રતિબંધને કારણે નવા નાટકને કેટલું નુકસાન થઈ શકે છે?

જુઓ, કોઈ પણ નવું નાટક આવવાનું હોય તો એના નિર્માતા તેમના બજેટ મુજબ દોઢથી અઢી લાખ રૂપિયાની પબ્લિસિટી કરતા હોય છે. ગુજરાતી નાટકોની જાહેરાત મુંબઈના તમામ ગુજરાતી અખબારો ઉપરાંત અંગ્રેજી ન્યુઝ પેપરમાં પણ થતી હોય છે. શો રદ થવાને કારણે જાહેરાતનો ખર્ચ એળે ગયો છે. હવે જ્યારે પણ નાટકને રિલીઝ કરાશે ત્યારે પ્રી-પબ્લિસિટી માટે નવેસરથી ખર્ચ કરવો પડશે.

સંજય ગોરડિયા

ગુજરાતી નાટ્યજગતના અગ્રણી નિર્માતા-દિગ્દર્શક-અભિનેતા સંજય ગોરડિયાએ જણાવ્યું કે કોરોના વાઇરસને કારણે નિર્માણ થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા સરકારે યોગ્ય સમયે પગલું લીધું છે અને અમે પૂરો સહયોગ આપશું. નાટક કે ફિલ્મ જાવા મોટી સંખ્યામાં લોકો જતા હોય છે અને જો એ સમયે માસ ઇન્ફેક્શન થાય તો પરિસ્થિતિ કેટલી વણસી શકે છે એની તો કલ્પના જ કરવી રહી.

શો રદ થવાથી નિર્માતાઓને મોટું નુકસાન ભોગવવું પડશે એમાં બેમત નથી. ત્રણ અઠવાડિયાના બંધ દરમ્યાન અનેક જાહેર પ્રયોગોની સાથે સંસ્થાઓના શો કેન્સલ થવાને કારણે એક અંદાજ મુજબ નિર્માતાઓને ૫૦-૬૦ લાખ રૂપિયાનું નુકસાન થઈ શકે છે.

જોકે ખરી તકલીફ તો પ્રતિબંધ હટાવ્યા બાદ થિયેટરના બુકિંગ માટે થશે. મોટાભાગના નિર્માતાઓ ત્રણ મહિના અગાઉ થિયેટરનું બુકિંગ કરતા હોવાથી જેમના શો રદ થયા છે તેમને નવેસરથી તારીખો મેળવવામાં પ્રોબ્લેમ થઈ શકે છે.

આસિફ પટેલ

અનેક ગુજરાતી નાટકોના નિર્માતા અને પ્રેઝન્ટર આસિફ પટેલના ગમે તેવા તોયે એવા, પપ્પાને પ્રેમ છે દીકરાને વહેમ છે અને કરસનદાસ કૉમેડીવાળા એમ ત્રણ નાટકો ભજવાઈ રહ્યા છે. સરકાર દ્વારા મુકાયેલા પ્રતિબંધ અંગે તેમનું કહેવું છે કે સરકારે લીધેલું પગલું નફા-નુકસાનના આધારે નહીં પણ જનતાના હિતમાં લેવાયું છે અને અમે પણ એનું સ્વાગત કરીએ છીએ.

હા, પ્રતિબંધને જો વધુ ન લંબાવાય તો પણ ત્રણ રવિવારના શો રદ થશે અને એને કારણે નાટક ઇન્ડસ્ટ્રીને ભારે નુકસાન થશે. એમાંય જેમના નવા નાટક આવી રહ્યા છે એવા નિર્માતાઓ છેલ્લા ત્રણેક અઠવાડિયાથી પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા હતા પણ પ્રતિબંધ આવતા તેમને ભારે નુકસાન વેઠવું પડશે. તો તમામ નિર્માતાઓ મળી કુલ ૪૦-૫૦ લાખ રૂપિયાનું નુકસાન થઈ શકે એવો એક અંદાજ છે.

પૂરક માહિતી : અશોક ઉપાધ્યાય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here