કોરોનાને કારણે દુનિયા જાણે થંભી ગઈ, લૉકડાઉનને કારણે લોકોનું ઘરની બહાર નીકળવાનું બંધ થયું. વિશ્વભરમાં ફેલાયેલી મહામારીને કારણે લોકોમાં એટલો ડર પેસી ગયો કે ઘરની બહાર નીકળવાનું પણ નામ લેતા નહોતા. જોકે ૭-૮ મહિના બાદ મહામારીનું જોર થોડું હળવું થતાં અનલૉક પ્રક્રિયા શરૂ થઈ. એમાં અન્ય ઉદ્યોગોની સાથે ફિલ્મોના શૂટિંગને પણ પરવાનગી અપાઈ. આને પગલે મનોરંજન જગતમાં ફરી જોમ આવ્યું અને શૂટિંગની સાથે પોસ્ટ પ્રોડક્શનના કામ શરૂ થયા.

આવી જ એક ગુજરાતી ફિલ્મ ધુંઆધાર જેનું મોટાભાગનું શૂટિંગ લૉકડાઉન પૂર્વે પૂરૂં થયું હતું, માત્ર એક મહત્ત્વનો સીન ફિલ્માવાનો બાકી હતો. બૉક્સિંગ સિક્વન્સના એ સીન માટે ખાસ રિંગ બનાવવામાં આવશે જેથી દર્શકો હકીકતમાં બૉક્સિંગની મેચ જોતા હોય એવી થ્રિલ અનુભવી શકે. સાથોસાથ ફિલ્મના  પોસ્ટ પ્રોડક્શનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક રેહાનના જણાવ્યા મુજબ ધુંઆધારને ૨૦૨૧માં વિશ્વભરમાં ધમાકેદાર રીતે રિલીઝ કરાશે.

તાજેતરમાં એટલે કે દિવાળીના સપરમા દિવસે ફિલ્મનું ટાઇટલ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર રિલીઝ કરાયેલા પોસ્ટરને જોઈ હવે દર્શકો ફિલ્મના ટ્રેલરની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

ફિલ્મના ખાસ આકર્ષણોની વાત કરીએ તો અત્યાર સુધી લવર બૉયની ભૂમિકા ભજવનાર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સ્ટાર મલ્હાર ઠાકર એક બૉક્સરની ભૂમિકામાં જોવા મળશે. ભૂમિકાને ન્યાય આપવા મલ્હારે એક બૉક્સર જેવી બૉડી બનાવવા જિમમાં પસીનો વહાવવાની સાથે બૉક્સિંગ રિંગમાં પણ સખત તાલીમ લીધી છે. મલ્હારને ટ્રેનિંગ આપવા પ્રોફેશનલ બૉક્સરની પણ મદદ લેવામાં આવી હતી.

દર્શકો માટે બીજી સરપ્રાઇઝ એ છે કે આ થ્રિલર ફિલ્મમાં એક સાથે બે સુપરસ્ટાર જોવા મળશે. મલ્હાર ઠાકરની સાથે ઢોલિવુડના રોમેન્ટિક-ઍક્શન સ્ટાર હિતેન કુમાર પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

ઉપરાંત ગુજરાતીની આ કદાચ પહેલી ફિલ્મ હશે જે બૉક્સિંગને કેન્દ્રમાં રાખી બની હોય.

મૂળ જયપુરના પણ હવે અમદાવાદમાં સ્થાયી થયેલા રેહાન ચૌધરી દિગ્દર્શક તરીકે અગાઉ તું છે ને નામક ગુજરાતી ફિલ્મ બનાવી ચુક્યા છે. હવે રેહાન ચૌધરી ફિલ્મ્સ પ્રા. લિમિટેડ બેનરના નેજા હેઠળ ધુંઆધાર નામની થ્રિલર લઈને આવી રહ્યા છે.

ધુંઆધારમાં મલ્હાર ઠાકર અને હિતેન કુમાર ઉપરાંત અલિશા પ્રજાપતિ,  નેત્રી ત્રિવેદી,  ડિમ્પલ બિસ્કિટવાલા,  નિગમ દેસાઈ, દીપ ધોળકિયા અને રક્ષિત ફળદુ જેવા કલાકારો મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here