દસ-બાર વરસ પહેલાં ભણવામાં મધ્યમ પણ ડ્રોઇંગમાં અવ્વલ એવા એક જોશિલા તરૂણે સ્કૂલની પરીક્ષા પાસ કર્યા બાદ એનિમશન અને વિઝ્યુઅલ ઇફેક્ટમાં કરિયર બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે માતા-પિતાએ એવી રીતે જોયું કે એનું દિમાગ ચસકી ગયું હોય. સ્વાભાવિક છે કે એ સમયે ઘણા ઓછા લોકો વીએફએક્સ વિશે જાણકારી ધરાવતા હતા. મોટાભાગના વિદ્યાર્થીઓને એનિમેશન-વિઝ્યુઅલ ઇફેક્ટમાં પણ કરિયર બની શકે છે એની જાણકારી પણ નહોતી. વિદ્યાર્થીઓની વાત જવા દો, એ સમયે ફિલ્મ સર્જકોને વીએફએક્સની ક્ષમતાનો પૂરો અંદાજ નહોતો. જોકે આ યુવાન પોતાની પસંદગીની લાઇનમાં આગળ વધવા મક્કમ હોવાથી માતા-પિતાએ પણ ખુશીથી મંજૂરી આપી. આજે એ યુવાન – દેબદૂત ઘોષ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અગ્રણી વીએફએક્સ એક્સપર્ટ તરીકે જાણીતો છે.

આજે તો બાહુબલી ફિલ્મને કારણે વિઝ્યુઅલ ઇફેક્ટ શબ્દ દરેક ઘરમાં જાણીતો બની ગયો છે. નિર્માતાઓ પણ વીએફએક્સનું મહત્ત્વ સુપેરે સમજ્યા છે. અનેક ફિલ્મોમાં વીએફએક્સનો જાદુ જોવા મળે છે. એમાંય બાહુબલી ફિલ્મે તો વીએફએક્સ ફિલ્મને હિટ કરવા માટેનું સબળ માઘ્યમ હોવાનું પુરવાર કરી દીધું. બાહુબલીની વાત કરીએ તો ફિલ્મમાં રૂંવાટાં ખડાં કરી દેતી બુલ ફાઇટ દેબદૂતની કમાલ છે.

ફિલ્મી ઍક્શન સાથે વાત કરતા દેબદૂતે જણાવ્યું કે, તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતીની સુપરહિટ ટીવી સિરિયલ છૂટાછેડાએ મને ઇન્ડસ્ટ્રીમાં આગવી ઓળખ આપી. શોની નિર્માત્રી મીના ઘીવાલા શોના ટાઇટલને ખાસ ઇફેક્ટ આપવા માંગતા હતા. તેમનું વિઝન એકદમ સ્પષ્ટ હતું અને મને ઝીણામાં ઝીણી વિગતો જણાવી. ગુજરાતી સિરિયલની નિર્માત્રી પાસે હું પાયાની વાત શીખ્યો કે, પર્ફેક્શન માટે ઝીણામાં ઝીણી વિગતોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. આ શોનું એનિમેટેડ ટાઇટલ ઘણું યુનિક હોવાની સાથે દર્શકોને પણ ઘણું પસંદ પડ્યું.

છૂટાછેડા બાદ બીજી ગુજરાતી સિરિયલોની ઑફરો પણ આવી હશે પ્રશ્નના જવાબમાં દેબદૂતે જણાવ્યું કે, મારી બીજી જાણીતી ગુજરાતી સિરિયલ છે સંજય ગોરડિયાની કલર્સ ચૅનલ પર પ્રસારિત થયેલી કુમકુમનાં પગલાં પડ્યાં. ગુજરાતી ટીવી ઇન્ડસ્ટ્રીમાં પહેલીવાર આટલું વીએફએક્સ જોવા મળ્યું. જાણીને નવાઈ લાગશે કે શો માટે અમે થ્રી-ડી પ્રાણીઓ જ નહીં, વીએફએક્સ દ્વારા પૂરૂં થ્રી-ડી ગામ તૈયાર કર્યું હતું. શો જાઈને દર્શકો પારખી શક્યા નહોતા કે ગામ અસલી છે કે આભાસી. આ છે વીએફએક્સની તાકાત.

ગુજરાતી સિરિયલની સાથે ગુજરાતી ફિલ્મો પણ કરી છે ખરી?

ઢોલિવુડની મારી પહેલી ફિલ્મ હતી સુપ્રિયા પાઠક અને દર્શન જરીવાલા અભિનીત કેરી ઑન કેસર. ફિલ્મમાં થોડી વીએફએક્સ સિક્વંસ હતી.

હિન્દીમાં કોઈ સિરિયલ કે ફિલ્મ કરી છે?

૨૦૧૬માં અમારા એક કૉમન ફ્રેન્ડે મારી ઓળખાણ હોમી વાડિયા સાથે કરાવી. ગુજરાતીઓ માટે હોમી વાડિયાનું નામ અજાણ્યું નથી. તેમણે હિન્દી ટીવી શો ચીખ ઑફર કરી. બિગ મેજિક પર પ્રસારિત થતી આ હૉરર-સસ્પેન્સ શો માટે કામ કર્યું. મારો આ પહેલો હૉરર શો હતો. હોમી વાડિયા જેવા જિનિયસ સર્જક પાસેથી મને ઘણું શીખવા મળ્યું.

આટલા કામ કર્યા બાદ ઇન્ડસ્ટ્રીમાં મારી એક આગવી ઓળખ બની હોવાથી લોકો સામેથી મારો સંપર્ક કરવા લાગ્યા. આ સમયગાળા દરમ્યાન બાજી નામનો સુપરહિટ  મરાઠી  શો કર્યો. એમાં મારે જૂના જમાનાના કિલ્લાઓ અને અન્ય સ્થળો બનાવવાના હતા. ઉપરાંત, વિન્ટેજ શહેરો અને રજવાડા પણ ક્રિએટ કરવાના હતા. તો બાહુબલીની જેમ પ્રાણી સાથે માનવીની ફાઇટ પણ ક્રિએટ કરવાની હતી.

ફિલ્મ હોય કે સિરિયલ, વીએફએક્સમાં સૌથી જટિલ કામ તમને કયું લાગ્યું?

ટીવી શો સાથે કૉમર્શિયલ ઍડ અને હિન્દી ફીચર ફિલ્મ કરનાર દેબદૂતે જણાવ્યું કે, હું ઘણા વરસથી આ કામ કરી રહ્યો છું. પણ ગયા વરસે રિલીઝ થયેલી અમરિશ પુરીના પૌત્રની પહેલી ફિલ્મ યે સાલી આશિકીમાં વર્ધનની દાઢી ક્રિએટ કરવામાં ઘણી જહેમત ઉઠાવવી પડી. વર્ધનના દાદા અમરિશ પુરીએ અનેક ફિલ્મોમાં નકલી દાઢી-વાળનો બખૂબી ઉપયોગ કર્યો હતો. પરંતુ વર્ધન માટે ઉપયોગમાં લેવાયેલી દાઢી કુદરતી લાગતી નહોતી. એટલે નિર્માતાએ દાઢી થ્રી-ડીમાં બનાવવાનું નક્કી કર્યું. અમારે એક એક ફ્રેમ માટે દાઢી ક્રિએટ કરવી પડી. એટલું જ નહીં, દરેક ફ્રેમમાં એના ચહેરાના હાવભાવ સાથે દાઢી મેચ થાય છે કે નહીં એનું પણ ધ્યાન રાખવું પડતું. ફિલ્મ રિલીઝ થયા બાદ કોઈને જાણ પણ ન થઈ કે વર્ધનની દાઢી વીએફએક્સ દ્વારા બનાવવામાં આવી છે. હકીકતમાં આ અમારા માટે ઘણું પડકારજનક કામ હતું.

તમારા આગામી પ્રોજેક્ટ?

હાલ બે ટીવી શો ઉપરાંત ત્રણ હિન્દી ફીચર ફિલ્મના પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યા છે. ત્રણમાંથી બે ફિલ્મ હૉરર જૉનરની છે. ત્રણેય ફિલ્મો ૨૦૨૧માં રિલીઝ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here