જંગલી પિક્ચર્સ અને રૉય કપૂર ફિલ્મ્સે અનેક વૈવિધ્યસભર વિષયો પર આધારિત ફિલ્મો આપી છે. હવે તેઓ એક સશક્ત કલાકારની જોડીને પહેલીવાર પરદા પર સાથે લાવી રહ્યા છે. અરશદ સૈયદ દ્વારા લિખિત અને દિગ્દર્શિત ફિલ્મ માટે બંને પાવર હાઉસ સ્ટુડિયોએ હાથ મેળવ્યા છે. વો લડકી હૈ કહાં?માં પહેલીવાર તાપસી પન્નુ અને પ્રતિક ગાંધીની જોડી જોવા મળશે.
પોતાની અભિનય પ્રતિભાથી આગવી ઓળખ બનાવનાર તાપસી પન્નું ફિલ્મમાં સશક્ત પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી રહી છે. એટલું જ નહીં, આ ફિલ્મમાં એ પહેલીવાર કૉમેડી કરતી જોવા મળશે. જ્યારે સ્કૅમ 1992થી પોતાની આગવી ઓળખ બનાવનાર પ્રતિભાશાળી કલાકાર પ્રતિક ગાંધી એક મસાલા મેગ્નેટ ફૅમિલીના યુવાન નવ-વિવાહિત વંશજ તરીકેના અલગ અવતારમાં નજરે પડશે. જયપુર ખાતે ચાલી રહેલા ફિલ્મના શૂટિંગનો ફર્સ્ટ લૂક નિર્માતાઓએ શેર કર્યો છે.
જંગલી પિક્ચર્સ સાથેના જોડાણ અંગે વાત કરતા રૉય કપૂર ફિલ્મ્સના મેનેજિંગ ડિરેક્ટર સિદ્ધાર્થ રૉય કપૂરે જણાવ્યું કે, અમને જંગલી પિક્ચર્સ સાથે સહયોગ કર્યો એનો આનંદ છે. અરશદની શાનદાર સ્ક્રિપ્ટ દર્શકોનું ભરપુર મનોરંજન કરશે. આરકેએફની અપકમિંગ રિલીઝમાં અનેક ફિલ્મો અનો સિરીઝની સાથે હાલ બંગાળમાં જોનું શૂટિંગ થઈ રહ્યું છે એ મૉન્યુમેન્ટલ વૉર ઍક્શન ડ્રામા પિપ્પા પણ છે.
રૉય કપૂર ફિલ્મ્સ સાથેના સહયોગ અંગે જંગલી પિક્ચર્સનાં સીઇઓ અમૃતા પાંડેય કહે છે કે, દર્શકોને બહેતર ફિલ્મો આપવા આવા સહયોગ ઘણા મહત્ત્વપૂર્ણ પુરવાર થાય છે. તાપસી પન્નુ અને પ્રતિક ગાંધીએ તેમની અભિનય ક્ષમતા પુરવાર કરી છે અને બંનેને સાથે લાવવામાં અમે નિમિત્ત બન્યા એ વાત જ ઘણી રોમાંચક છે.
પહેલીવાર કૉમેડીની સાથે પોલીસ ઑફિસરનું પાત્ર ભજવનાર તાપસી કહે છે કે, મહિલા પોલીસની ભૂમિકા ભજવવી અને કૉમેડી કરવી એ હંમેશ મારાં ચેકલિસ્ટમાં રહ્યું છે. અને મને આનંદ એ વાતનો છે કે આ ફિલ્મમાં મારી એ બંને ઇચ્છાઓ પૂરી થઈ રહી છે. પ્રતિક ઘણો ટેલેન્ટેડ કલાકાર છે અને મેં એનું કામ જોયું છે. એની સાથે કામ કરવાનો અનુભવ મજેદાર રહ્યો છે. જે રીતે શૂટિંગ થઈ રહ્યું છે એ જોઈ લાગી રહ્યું છે કે આ સફર ઘણી મજેદાર અને યાદગાર રહેશે.
પહેલીવાર આ પ્રકારની હટકે ભૂમિકા ભજવી રહેલા પ્રતિક ગાંધીએ નવી ટીમ સાથેના અનુભવ શેર કરતા કહ્યું કે, મેં અત્યાર સુધીમાં જેટલા પણ પાત્રો ભજવ્યા છે એના કરતા વો લડકી હૈ કહાં?ની ભૂમિકા એકદમ અલગ હોવાની સાથે ઘણી રોમાંચક છે. તાપસી ઘણી ટેલેન્ટેડ છે અને એની સાથે કામ કરવાનો મોકો આપ્યો એ માટે નિર્માતાઓનો આભાર માનીશ. મને આશા છે કે દર્શકોને મારી ભૂમિકા પસંદ પડશે.
જંગલી પિક્ચર્સ અને રૉય કપૂર ફિલ્મ્સની વો લડકી હૈ કહાં?માં તાપસી પન્નુ અને પ્રતિક ગાંધી મુખ્ય ભૂમિકામાં છે અને એના લેખક-દિગ્દર્શક છે અરશદ સૈયદ. ફિલ્મ આવતા વરસે રિલીઝ થશે.