બૉલિવુડમાં એવા ઘણા કલાકાર-કસબીઓ મળી આવશે કે તેમણે વિચાર્યું હશે એના કરતા અલગ જ કરિયરમાં તેમણે નામ-દામ બનાવ્યા હોય. જેમકે અશોક કુમાર લૅબ ટેક્નિશિયનમાંથી બૉલિવુડના એવરગ્રીન હીરો બની ગયા. તો મુકેશ હીરો બનવા આવ્યા હતા અને બની ગયા સિંગર. આવા તો અનેક દાખલાઓ મળી આવશે. પણ અત્યારે આપણે ફિલ્મોના ડાન્સર અને કૉરિયોગ્રાફરની વાત કરીએ જેમણે ડાન્સર તરીકે શરૂઆત કર્યા બાદ ફિલ્મમાં હીરો બની ગયા હોય.

આમાં સૌથી આગળ પડતું નામ હોય તો શાહિદ કપૂરનું. શાહિદ કપૂરે શિયામક દાવર પાસે ડાન્સની તાલીમ લીધા બાદ તાલના કહીં આગ લગ જાયે, દિલ તો પાગલ હૈના મુઝકો હુઈ ના ખબર જેવાં અનેક ફિલ્મી ગીતોમાં એ ડાન્સર તરીકે દેખાયો હતો. તો સિંઘમ ગર્લ કાજલ અગરવાલ પણ હીરોઇન બનવા અગાઉ ડાન્સર તરીકે ઐશ્વર્યા રાયની ઉલઝનેમાં ક્યોં હો ગયા જેવાં અનેક ગીતોમાં એ જોવા મળી હતી. તો સલમાન ખાનની ફિલ્મ જય હોની હીરોઇન ડેઝી શાહ અગાઉ સલમાનની ફિલ્મ તેરે નામનાં ગીત લગન લગીમાં ડાન્સર તરીકે કામ કર્યા બાદ સલમાને જ એને લૉન્ચ કરી હતી.

બૉલિવુડના આજના ટોચના અભિનેતા સુશાંત સિંઘ રાજપુતે પણ બૉલિવુડની કરિયર બેકડ્રોપ ડાન્સર તરીકે કરી હતી. તો નીતુ ચંદ્રા, અર્શદ વારસી, સાજિદ ખાન અને અનુરાગ બસુ પણ ગ્રુપ ડાન્સર તરીકે પરદા પર જોવા મળ્યા હતા. બરફીના દિગ્દર્શક અનુરાગ બસુએ તો જાહેરમાં કહ્યું હતું કે એકસ્ટ્રા આર્ટિસ્ટ કરતા ડાન્સરને વધુ મહેનતાણુ મળતું હોવાથી તેઓ ડાન્સર બન્યા હતા. તો તેમના જમાનાના ટોચના કૉરિયોગ્રાફર પ્રભુ દેવા, સરોજ ખાન, ફરાહ ખાને પણ તેમની કરિયર ડાન્સર તરીકે શરૂ કરી હતી. તો તાજેતરમાં રિલીઝ થયેલી સ્ટ્રીટ ડાન્સર 3-ડીમાં રેમો ડીસોઝાએ પણ કરિયર ડાન્સર તરીકે શરૂ કર્યા બાદ કૉરિયોગ્રાફર અને ફિલ્મ દિગ્દર્શક તરીકે નામના મેળવી.

હવે રેમો ડીસોઝા સાથે જ કામ કરતા ધર્મેશ યેલાંડેએ પણ કૉરિયોગ્રાફી સિવાયના ફિલ્ડમાં એન્ટ્રી કરી છે. ધર્મેશે પિનલ પટેલ નિર્મિત ફિલ્મ ‘સફળતા 0 કિમી’થી અભિનય ક્ષેત્રે જંપલાવ્યું છે.

ધર્મેશ એની નવી કરિયર અંગે જણાવે છે કે, હું ગુજરાતી ફિલ્મ કરવી કે નહીં એ અંગે અવઢવમાં હતો. ત્યારે રિતેશ દેશમુખે મને ગોલ્ડ વર્ડ કહ્યા જે હું કદી ભૂલી શકીશ નહીં. રિતેશે કહ્યું કે, તેં અત્યાર સુધીમાં બૉલિવુડની પાંચ ફિલ્મો કરી છે. તું ગુજરાતથી આવ્યો છે તો ત્યાં પણ કંઇક કેમ કરતો નથી? જેમ હું મરાઠી ફિલ્મોનો હિસ્સો છું તેમ તારે પણ ગુજરાતી ફિલ્મ કરવી જોઇએ. અને આપણી ફરજ છે કે આપણા મૂળ જ્યાંના છે એને માટે કંઇક કરવું જોઇએ.

બસ, આ વાત મારા હૈયામાં ઉતરી ગઈ અને મેં ‘સફળતા 0 કિમી’ કરવાની હા પાડી. એવું નથી કે મને ઑફર આવીને મેં સ્વીકારી લીધી. હકીકતમાં ‘સફળતા 0 કિમી’ની વાર્તા એટલી હૃદયસ્પર્શી છે કે કોઈ કલાકાર ફિલ્મ કરવાનું નકારે નહીં.

ફિલ્મની વાર્તા શૌર્ય નામના યુવાનની છે જેના રોમેરોમમાં નૃત્ય જ છે. નાનપણથી એની મહેચ્છા ડાન્સર તરીકે નામના મેળવવાની હતી. એના માર્ગ કાંટાળો હોવા છતાં જરાય ડગ્યા વિના એમાંથી માર્ગ કરતો આગળ વધે છે અને પોતાના લક્ષ્યને હાંસલ કરે છે.

ફિલ્મના નિર્માતા પિનલ પટેલ કહે છે કે ફિલ્મ માત્ર યુવાનોને તેમની મનપસંદ કરિયરમાં આગળ વધવાની પ્રેણા તો આપે જ છે પણ માતા-પિતાને પણ એક સંદેશ આપે છે કે કરિયર બનાવવા માત્ર ડૉક્ટર કે એન્જિનિયર બનવું જરૂરી નથી, આજે એવા ઘણા ફિલ્ડ છે જેમાં તેમના સંતાનો કરિયર બનાવી શકે છે.

14 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહેલી RZ એન્ટરટેઇન્મેન્ટ પ્રા. લિમિટેડ બેનર હેઠળ બનેલી અક્ષય યાજ્ઞિક દિગ્દર્શિત ‘સફળતા 0 કિમી’ના મુખ્ય કલાકારો છે ધર્મેશ યેલાંડે, નિકુંજ મોદી, મનીષા ઠક્કર, શિવાની જોશી, તરૂણ નિહિલાની, શિવાની પટેલ, ધર્મેશ વ્યાસ, કુરુષ દેબુ, ઉદય મોદી, પૌરવી જોશી અને શિવમ તિવારી. પંકજ કંસારા લિખિત ફિલ્મનું સંગીત વીરલ-લાવણનું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here