હિન્દી-ગુજરાતી ફિલ્મોના કલાકારો સાથે ગુજરાતી ફિલ્મ ચીલઝડપ બનાવ્યા બાદ રાજુ રાયસિંઘાનિયા એક સાથે અનેક પ્રોજેGટ પર કામ કરી રહ્યા છે. જેમાં હિન્દી વેબ સિરીઝ કમાઠીપુરા જુલાઈમાં અગ્રણી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. વેબ સિરીઝ ઉપરાંત ગુજરાતી ફિલ્મ પપ્પા તમને નહીં સમજાય પણ ટૂંક સમયમાં રિલીઝ થશે. એ સિવાય ત્રણ હિન્દી ફિલ્મના પ્રોજેક્ટ પાઇપલાઇનમાં હોવાનું રાજુ રાયસિંઘાનિયાએ ફિલ્મી ઍક્શનને જણાવ્યું હતું.

રાયસિંઘાનિયાએ વેબ સિરીઝ કમાઠીપુરા અંગે જણાવતા કહ્યું કે ૪૫ મિનિટના સાત એપિસોડ ધરાવતી સિરીઝના લેખક-દિગ્દર્શક છે શ્રવણકુમાર. જેઓ અગાઉ નેટિફ્લિક્સની હિટ સિરીઝ ૭૦૬ બનાવી ચુક્યા છે. રાજુ રાયસિંઘાનિયા કહે છે કે જો મારે વેબ સિરીઝને માત્ર ત્રણ શબ્દોમાં વર્ણવવી હોય તો કહીશ કે કમાઠીપુરા ડાર્ક, મિસ્ટેરિયસ અને સસ્પેન્સફુલ કથાનક ધરાવે છે.

સિરીઝના કેન્દ્રમાં છે એશિયાનો સૌથી મોટો રેડલાઇટ એરિયા, મુંબઈમાં આવેલો કમાઠીપુરા. સિરીઝનું મુખ્ય પાત્ર છે મહિલા પોલીસ ઑફિસર અદિતિ આચાર્ય અને યુવાન માફિયા પ્રહર પ્રતાપ. અદિતિનું પોસ્ટિંગ શહેરના સૌથી બદનામ વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર (ક્રાઇમ)ના હોદ્દા પર થાય છે. કમાઠીપુરામાં ચાલતા સેક્સ, ડ્રગ્સ સહિતના અંધારીઆલમના તમામ ધંધાઓ પર પ્રહર નિયંત્રણ ધરાવે છે. દરમ્યાન કમાઠીપુરામાં સેક્સવર્કરના સિરિયલ મર્ડરનો સિલસિલો શરૂ થાય છે. અદિતિ એકલી કેસનો ઉકેલ લાવી શકતી નથી એટલે ભેદી ખૂની સુધી પહોંચી શકાય એ માટે અંડરવર્લ્ડ ડૉન પ્રહરની સહાય માંગે છે. અને પછી શરૂ થાય છે મગજની નસો તંગ કરી નાખતી ચાલબાજી, રૂંવાટાં ખડાં કરી દે એવી ઍક્શન અને અંત સુધી વિચારતા કરી દે એવું સસ્પેન્સ.

રાયસિંઘાનિયા વધુમાં જણાવે છે કે, જેમણે નેટિફ્લિક્સની ડૉલી એન્ડ ગિમ્બલ, ફ્રેન્ચ સિરીઝ લા-માન્ત, બ્રિટિશ સિરીઝ લંડન સ્પાય જોઇ હશે તેમને એવી જ અનુભૂતિ કમાઠીપુરા જોઇને થશે. સિરીઝનું થોડા દિવસનું શૂટિંગ લૉકડાઉનને કારણે અટક્યું હતું, પરંતુ સરકારે શૂટિંગ કરવાની પરવાનગી આપી હોવાથી વહેલી તકે એ પૂરૂં કરાશે.

સિરીઝમાં અદિતિનું પાત્ર મીરા ચોપરા (પ્રિયંકા ચોપરાની કઝીન) ભજવી રહી છે. તો પ્રહરના દમદાર પાત્રમાં સશક્ત અભિનેતા તનુજ વિરવાની જોવા મળશે. ઉપરાંત કુલભૂષણ ખરબંદા, અનંગ દેસાઈ મહત્ત્વની ભૂમિકાઓ ભજવી રહ્યા છે. તો સિરીઝમાં અનુપમ શામ ઓઝા, ફાલ્ગુની રાજાણી, ચિરાગ ત્રિવેદી, વિમ્મી ભટ્ટ, વરૂણ જોશી, પ્રિયંકા ખત્રી, સંદીપગિરી ગોસ્વામી, અપર્ણા, મેહુલ દેસાઈ જેવા કસાયેલા કલાકારો પણ જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here