રજનીગંધા, છોટી સી બાત, એક રૂકા હુઆ ફૈસલા, ચિત્તચોર, ચમેલી કી શાદી અને બાતોં બાતોં મેં જેવી અને હળવી ફિલ્મોના સર્જક બાસુ ચેટર્જીનું આજે 93 વર્ષની ઉંમરે નિધન થયું છે. વૃદ્ધાવસ્થા સંબંધિત બીમારીઓને કારણે અવસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

બાસુ ચેટરજીએ તેમની કરિયરની શરૂઆત મુંબઈથી પ્રકાશિત થતાં બ્લિટ્ઝમાં ઇલસ્ટ્રેટર અને કાર્ટૂનિસ્ટ તરીકે કરી હતી. 18 વર્ષ ત્યાં કામ કર્યા બાદ તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ વળ્યા અને રાજ કપૂર-વહિદા રહેમાન સ્ટારર ફિલ્મ તીસરી કસમમાં દિગ્દર્શક બાસુ ભટ્ટાચાર્યના સહાયક બન્યા. તેમણે સ્વતંત્ર ફિલ્મ દિગ્દર્શકની શરૂઆત 1969માં આવેલી સારા આકાશથી કરી હતી. આ ફિલ્મને બેસ્ટ સ્ક્રીનપ્લેનો ફિલ્મ ફેર અવૉર્ડ મળ્યો હતો.

તેમની જાણીતી ફિલ્મોમાં સારા આકાશ (1969), પિયા કા ઘર (1972), ઉસ પાર (1974), રજનીગંધા (1974), છોટી સી બાત (1975), ચિતચોર (1976), સ્વામિ (1977), ખટ્ટામીઠા (1979), અપને પરાયે (1980), શૌકીન અને એક રૂકા હુઆ ફૈસલાનો સમાવેશ થાય છે.

ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટીવી ડિરેક્ટર્સ અસોસિયેશનના પ્રમુખ અશોક પંડિતે તેમના ટ્વીટર પર આની જાહેરાત કરી હતી. તેમણે લખ્યું હતું કે, મને જણાવતા અત્યંત દુખ થાય છે કે લેજન્ડરી ફિલ્મ સર્જક બાસુ ચેટરજીનું અવસાન થયું છે. તેમની અંતિમ વિધિ ગુરૂવારે બપોરે 2 વાગ્યે સાંતાક્રુઝ સ્મશાન ગૃહમાં કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here