એક હસમુખી કિંડરગાર્ટનની શિક્ષિકા અચાનક બંદૂક બહાર કાઢી બાળકોને બંધક બનાવે તો શું થાય? આ વાત એક ઘાતક વળાંક લે છે અને જ્યારે અપરાધી નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકી દે છે. આ વાત છે ડિઝની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થનારી સસ્પેન્સ થ્રિલર ફિલ્મ અ થર્સડેની. બેહજાદ ખંબાટા દ્વારા દિગ્દર્શિત ફિલ્મમાં યામી ગૌતમ ધરની સાથે નેહા ધુપિયા, અતુલ કુલકર્ણી ઉપરાંત ડિમ્પલ કાપડિયા પણ જોવા મળશે.
અ થર્સેડે ફિલ્મની શરૂઆત કિંડર ગાર્ટનના બાળકોના કિલકિલાટથી શરૂ થાય છે. ત્યાં અચાનક શિક્ષિકા નયના જયસ્વાલ (યામી ગૌતમ ધર) એના વિદ્યાર્થીઓને બંધક બનાવી દે છે. નયનાએ આવું કઠોર પગલું કેમ ભર્યું અને એનો ઉદ્દેશ શું છે? આવા અનેક સવાલોના જવાબ એક પછી એક ઉકેલાતા જાય છે. એક એવી વાર્તા જે મનુષ્યના સ્વભાવની કાળી બાજુ રજૂ કરવાની સાથે અણધાર્યા વળાંકો અને સિક્રેટિવ સ્કીમને ઉજાગર કરશે. બેહજાદ ખંભાટા દિગ્દર્શિત, ડિઝની પ્લસ હૉટસ્ટાર ફીચર આરએસવીપી મૂવીઝ અને બ્લુ મંકી ફિલ્મ્સ દ્વાર નિર્મિત ધ સડે 17 ફેબ્રુઆરી 2022ના રિલીઝ થશે. ફિલ્મ હુલુ પર પણ ઉપલબ્ધ હશે.
ફિલ્મમાં યામી ગૌતમ ધર અલગ-અલગ ઇમોશન્સ સાથે એક અલગ અંદાજમાં જોવા મળશે. ફિલ્મના ટ્રેલરમાં એની ઝાંખી જોવા મળી રહી છે. નેહા ધુપિયાએ પોલીસ અધિકારીનો તો ડિમ્પલ કાપડિયાએ વડા પ્રધાનની ભૂમિકા ભજવી છે.
ફિલ્મ અંગે જણાવતા દિગ્દર્શક બેહજાદ ખંભાતા કહે છે કે, અ થર્સડે યુનિક ફિલ્મ છે અને અમને ખાતરી છે કે ફિલ્મ દર્શકોને જકડી રાખશે. આ હોસ્ટેજ ડ્રામા માત્ર ગુનેગારોના જ નહીં, મધ્યસ્થી કરનારાની સાથે અધિકારીઓનું પણ ટેન્શન વધારી દે છે. ખંભાતા કહે છે કે અમે કાસ્ટિંગથી લઈ સ્ક્રિપ્ટ સુધી, દર્શકોને વાસ્તવિક દુનિયાનો અનુભવ કરાવવા માટે ફિલ્માંકન દરમિયાન પણ ઘણું વિચારમંથન કર્યું હતું.
ફિલ્મમાં નયનાનું પાત્ર ભજવનાર યામી ગૌતમ ધરે કહ્યુ કે, મેં નયના જેવું પાત્ર ક્યારેય ભજવ્યું નથી જેમાં અનેક પ્રકારની ભાવના-લાગણીઓ વ્યક્ત કરવાની હોય. મેં એને અલગ-અલગ શેડ્સમાં રજૂ કરવા માટે ઘણી મહેનત કરી છે. એક શિક્ષિકા જે હંમેશ બાળકોનું ધ્યાન રાખતી હોય, એ રક્ષકમાંથી ભક્ષક બની તેમને બંધક બનાવી દે છે. અ થર્સડે એક રોલર કૉસ્ટરમાં બેસવા જેવું છે અને એનો હિસ્સો બની એનો મને આનંદ છે.
તો એસીપી કેથરિન અલ્વરેઝની ભૂમિકા ભજવી રહેલી નેહા ધુપિયા કહે છે કે, મેં જ્યારે પહેલીવાર સ્ક્રિપ્ટ વાચી ત્યારે એકઅનોખી થ્રિલ અનુભવી. મેં તુરંત કામ કરવાની હા પાડી. એક ગર્ભવતિ પોલીસ અધિકારીની મારી ભૂમિકા ઘણી અનોખી છે કારણ એક હોસ્ટેજ સિચ્યુએશનને હલ કરવાનો પ્રયાસ કરી રહી છું જેમાં બાળકોને બંધક બનાવાયા છે.
તો પીઢ અભિનેત્રી ડિમ્પલ કાપડિયા કહે છે કે, અ થર્સડેનો અનુભવ અદભુત રહ્યો. સસ્પેન્સ સ્ક્રિપ્ટની વાર્તા અને નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખી તૈયાર કરાયેલા કેરેક્ટર ફિલ્મનું જમા પાસુ છે. મારું ઑન સ્ક્રીન વ્યક્તિત્વ હોસ્ટેજ સિચ્યુએશનને કેવી રીતે હલ કરવામાં આવે એ અંગે થોડું અવઢવમાં છે. ફિલ્મની વાર્તામાં શૉકિંગ અને સ્તબ્ધ કરી દેનારી ક્ષણો છે જે નક્કી દર્શકોને પસંદ પડશે.
હિન્દી, મરાઠી અને સાઉથની ફિલ્મોના પ્રતિભાશાળી કલાકાર અતુલ કુલકર્ણીએ જણાવ્યું કે, ફિલ્મમાં એક પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી રહ્યો છું જે નયના સાથે વાત કરવાના પ્રયાસો કરી રહ્યો છે. ફિલ્મમાં આવતા ટ્વિસ્ટથી દર્શકો ભારે રોમાંચ અનુભવશે.