ગુરુવારે રિલીઝ થયું ફિલ્મનું ટીઝર
દેસી સુપર હીરો શક્તિમાનને મોટા પરદે જોવાનું દર્શકોનું વરસો જૂનું સપનું હવે સાકાર થશે. આ અંગે અવાર નવાર સમાચાર ઝળકાતા રહ્યા પણ નક્કરપણે કોઈ જાહેરાત થઈ નહોતી.
પણ શક્તિમાનના ચાહકોને સોની પિક્ચર્સ ઈન્ટરનેશનલ પ્રોડક્શન્સે એક મજેદાર ગિફ્ટ આપવાની જાહેરાત કરી છે. તેઓ શક્તિમાનને ફિલ્મ સ્વરૂપે લાવી રહ્યા છે. ગુરુવારે એનું એક ટીઝર સોનીએ એના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રિલીઝ કર્યું હતું.
ટીઝર જોઈને ખ્યાલ આવે છે કે મુકેશ ખન્ના સ્ટારર ટીવી શો શક્તિમાનની જેમ ફિલ્મમાં પણ શક્તિમાન એક પત્રકારના પાત્રમાં જોવા મળશે. એક અહેવાલ મુજબ ફિલ્મમાં ભારતનો કોઈ સુપરસ્ટાર નજરે પડશે.
ટીઝરની વાત કરીએ તો વીડિયોમાં એક ઉલ્કા પિંડ ધરતી તરફ ધસમસતો આવી રહ્યો છે. એ સમયે હવામાં ઉડતા કાળા રંગના ડ્રેસમાં એક વ્યક્તિ દેખાય છે. ત્યાર બાદ શક્તિમાનની એક ઝલક જોવા મળે છે, જેમાં એના ડ્રેસની સાથે ચશ્મા અને કેમેરા દેખાય છે.
એ સાથે સોનીએ ટ્વીટમાં લખ્યું કે, અનેક સુપર હિરોઝની ભારત અને સમગ્ર દુનિયામાં સફળતા મેળવ્યા બાદ હવે સમય છે આપણા દેશી સુપર હીરોનો.
અત્રે ઉલ્લેખનીય છે કે દૂરદર્શન પર ૧૯૯૭થી ૨૦૦૦ સુધી પ્રસારિત થયેલા શક્તિમાન શોએ દર્શકોમાં ધૂમ મચાવી હતી. શક્તિમાનમાં સુપરહીરોની ભૂમિકા મુકેશ ખન્નાએ ભજવી હતી. તો પત્રકાર પંડિત વિદ્યાધર માયાધર ઓમકારનાથ શાસ્ત્રી જે પત્રકાર છે એ પાત્ર પણ મુકેશે જ ભજવ્યું હતું. એની સાથે હતાં વૈષ્ણવી, સુરેન્દ્ર પાલે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.