આપણી આસપાસ એવા ઘણા સ્થળ હશે જે આજુબાજુમાં હોવા છતાં એના વિશેની તલસ્પર્શી જાણકારી આપણને નહીં હોય. ટીવી પર આવી જાણકારી આપતા અમુક શો પ્રસારિત થાય છે જેમાં એ સ્થળના ઇતિહાસની સાથે અન્ય બાબતોની પણ ઝીણામાં ઝીણી વિગતોની જાણકારી અપાતી હોય છે. આ પ્રકાનો શો તમને એપિક ચૅનલ પર જોવા મળશે. આવા કાર્યક્રમોનો પણ વિશાળ દર્શક વર્ગ છે. આપણા ગુજરાતમાં પણ એવા ઘણા સ્થળો છે જેની વાતો સાંભળી આપણે અચંબામાં મુકાઈ જઇએ. આવો મનોરંજન સાથે જ્ઞાન પણ આપતો કાર્યક્રમ રેવાના સર્જક રાહુલ ભોલે ગુજરાત ટુરિઝમના સહયોગમાં લાવી રહ્યા છે.
ફિલ્મી ઍક્શન સાથેની વાતચીત દરમ્યાન રાહુલ ભોલેએ જણાવ્યું કે અમારી નિર્માણ સંસ્થા બરોડા ટૉકીઝ દસ એપિસોડની આ સિરીઝ ખાસ ગુજરાત ટુરિઝમ માટે બનાવી રહી છે. સિરીઝના પહેલા એપિસોડમાં બાલાસિનોરના ડાયનાસોર ફોસિલ પાર્ક અને ત્યાંના મ્યુઝિયમ અંગેની હેરતજનક વાતો દર્શકોને જોવા-માણવા મળશે. પહેલાં એપિસોડના શૂટિંગ દરમિયાન બાલાસિનોરનાં પ્રિન્સેસ આલિયા બાબીનો અમને ખાસ સહકાર મળ્યો હતો.
રાહુલ ભોલેએ જણાવ્યું કે દસ એપિસોડની સિરીઝમાં ગુજરાતના એવા દસ સ્થળોની જાણકારી અપાશે જે કદાચ સ્થાનિક રહેવાસીઓ માટે પણ અજાણી હોઈ શકે. શોનો કન્સેપ્ટ અમુક અંશે એપિક ચૅનલ પર આવતી સફરનામાને મળતો હોય એવું લાગશે. પણ અમારી રોડ ટ્રિપમાં તમને ઘણી અલગ બાબતો જોવા મળશે. જે સ્થળની મુલાકાત લેવામાં આવી હશે ત્યાંની જાણકારી, સાયન્સ ટેક્નોલૉજી, ઇન્ટરવ્યુ, ઇતિહાસ, માયથોલૉજી સહિત અને પાસાંઓ દર્શાવવામાં આવશે.
અમારી રોડ ટ્રિપના દરેક એપિસોડમાં નવો કલાકાર જોવા મળશે જે બાઇક કે કારમાં રોડ ટ્રિપ પર નીકળશે. જેમ કે અ રોડ ટ્રિપ ટુ બાલાસિનોરમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મલ્હાર ઠાકર બાઇક પર રોડ ટ્રિપ પર નીકળે છે. બાલાસિનોર પહોંચેલા મલ્હાર ત્યાંના ફૉસિલ પાર્ક અને મ્યુઝિયમમાં રખાયેલી વસ્તુઓ વિશેની વાતો જાણી આભો બની જાય છે.
ટ્રિપ દરમિયાન કલાકાર જે-તે સ્થળની વાતો દર્શકોને જણાવતો રહેશે. રોડ ટ્રિપ દરમ્યાન કલાકારોના વૉઇસ રેકૉર્ડિંગ માટે ખાસ મુંબઈના સાઉન્ડ ફોરેસ્ટ સ્ટુડિયોની સહાય લેવામાં આવી છે જેથી દર્શકો સંવાદો સ્પષ્ટપણે સાંભળી શકે.
ગુજરાત ટુરિઝમ ટુરિસ્ટ સ્પૉટ તરીકે એવા સ્થળોને પ્રમોટ કરવા માગે છે જ્યાં લોકોનું ધ્યાન હજુ ખેંચાયું નથી. દસ એપિસોડની સિરીઝમાં માત્ર ગુજરાતના જ નહીં, મરાઠીના સ્વપ્નિલ ઉપરાંત સાઉથ સહિત અન્ય ભાષી ફિલ્મોના દસ જાણીતા કલાકારો જોવા મળશે. સિરીઝ ગુજરાત ટુરિઝમના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પર જોવા મળશે.
ગુજરાત ટુરિઝમ પ્રસ્તુત બરોડા ટૉકીઝ દ્વારા નિર્મિત સિરીઝ અ રોડ ટ્રિપના ડીઓપી છે તપન પરીખ, લેખક-એડિટર-ડીઆઈ અને દિગ્દર્શન વિનિત કનોજિયાનું છે.