બૉલિવુડના અભિનેતા સાહિલ ખાનને અફવા ફેલાવવા ભારે પડી છે. સાહિલે ફિલ્મી સ્ટાઇલમાં એના બિલ્ડિંગમાનાં બે કોરોના પોઝિટિવ દરદી હોવાનો દાવો કર્યો હતો. સાહિલે અફવા ફેલાવવા માટે બે પાનાનો માફી પત્ર લખી આપવો પડ્યો હતો. પૂરી દુનિયા કોરોના વાઇરસને માત આપવાનો પ્રયાસ કરી રહી છે. સરકારે પણ જનતાને પોતપોતાના ઘરે રહેવા જણાવ્યું છે. એવી પરિસ્થિતિમાં લોકોમાં ગભરાટ ફેલાય એવી કોઈ અફવા ન ફેલાવવાની પણ સરકાર અપીલ કરી રહી છે.

આમ છતાં સાહિલ ખાને એના સ્ટેટસમાં લખ્યું હતું કે, ગોરેગાવમાં એના ઘરની બાજુમાં બે કોરોના પોઝિટિવ દરદીઓ છે. સાહિલે આ વાતના જાહેરમાં મુકવા પહેલાં ચકાસણી કરવાની કોઈ તસ્દી લીધી નહોતી. સાહિલ ગોરેગાવમાં જે બિલ્ડિંગમાં રહે છે ત્યાં અનેક ટીવી કલાકારો પણ રહે છે. એણે શનિવારે ઇન્સ્ટાગ્રામ પરના સ્ટેટસમાં એક વિડિયો અપલોડ કર્યો હતો. જેમાં એણે બિલ્ડિંગમાં 72 વર્ષીય સિનિયર સિટીઝન અને એક 18 વર્ષીય છોકરો કોરોના પોઝિટિવ હોવાનું જણાવ્યું હતું.

સાહિલનો વિડિયો જોયા બાદ સોસાયટીમાં તાત્કાલિક મીટિંગ બોલાવવામાં આવી અને બધાએ તેને આડે હાથ લીધો હતો. ત્યાર બાદ સાહિલે એ વિડિયો તો ડિલીટ કર્યો પણ સાથે બીજો વિડિયો અપલોડ કરી એનાથી ભૂલ થઈ હોવાનું કબુલ્યું હતું.

સાહિલ ખાને એન. ચંદ્રાની ફિલ્મ સ્ટાઇલથી બૉલિવુડમાં પદાર્પણ કર્યા બાદ એસ્ક્યુઝ મી, રામા-ધ સેવિયર, ડબલ ક્રોસ જેવી થોડી ફિલ્મો કર્યા બાદ ફિટનેસ ગુરૂ તરીકે ખ્યાતિ મેળવી. મોંઘી કારના શોખીન સાહિલ પાસે મર્સિડીઝ 350-ડી (88.2 લાખ), મુસ્તાંગ (74.62 લાખ), મર્સિડીઝ ઇ220 ડી (58.8 લાખ) અને બીએમડબલ્યુ 740એલઆઈ (1.34 કરોડ) જેવી લક્ઝુરિયસ કારો છે.

સાહિલ ત્યારે વિવાદમાં આવ્યો હતો જ્યારે એનું નામ આયેશઆ શ્રોફ સાથે જોડાયું. હકીતમાં આયેશા અને સાહિલે સાથે બિઝનેસ શરૂ કર્યો અને માં વિવાદ થયો. બંને પક્ષે એકબીજા વિરૂદ્ધ કોર્ટમાં કેસ કર્યા. દરમ્યાન સાહિલે આયેશા સાથેના અંતરંગ ફોટા કોર્ટમાં રજૂ કરતા બંને પક્ષે કોર્ટની બહાર સમાધાન કરી લીધું હતું.