કોરોના વાઇરસને કારણે જાહેર કરાયેલા લૉકડાઉનને કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ચક્કા ભલ જામ થયા હોય પણ રણબીર કપૂરના ચાહકો માટે હાલના ટેન્શનભર્યા વાતાવરણમાં ખુશાલીના સમાચાર છે. આમ કહેવાનું કારણ, રણબીર કપૂરની ઝોળીમાં એક ધમાકેદાર પ્રોજેક્ટ આવી પડ્યો છે. મળતા અહેવાલ મુજબ રણબીરને સાઉથની બ્લૉકબસ્ટર ફિલ્મ ભીષ્મની હિન્દી રીમેક માટે અપ્રેચ કરાયો છે. તેલુગુ ભાષામાં બનેલી આ ફિલ્મ 21 ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી ફિલ્મે છપ્પરફાડ કમાણી કરી છે.

ભીષ્મમાં સાઉથના સુપરસ્ટાર નિતિન અને રશ્મિકાની જોડીએ ધૂમ મચાવી હતી. આ બંને સ્ટાર્સની ધમાકેદાર કેમિસ્ટ્રીને કારણે ફિલ્મના રસિયાઓની સાથે ક્રિટિક્સે પણ વખાણી હતી. હવે તેલુગુ ફિલ્મ ભીષ્મનો જાદુ બૉલિવુડમાં પણ જોવા મળશે.

મળતા અહેવાલ મુજબ ભીષ્મના દિગ્દર્શક વિન્કી કુદ્દુમુલા હિન્દી રીમેક બનાવવા તૈયાર છે અને રણબીર કપૂરને મુખ્ય ભૂમિકામાં લેવા માગે છે. ફિલ્મ કરણ જોહરના બેનર હેઠળ બની શકે છે કારણ થોડા સમય અગાઉ કરણે ભીષ્મની રીમેક બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

અગાઉ પણ કરણ જોહર અનેક તેલુગુ ફિલ્મની હિન્દી રીમેક બનાવી ચુક્યા છે.તાજેતરમાં કરણ જોહરે વિજય દેવરકોંડાની ફિલ્મ ડિયર કૉમરેડની રીમેક બનાવવાનું જાહેર કર્યું હતું. ભીષ્મની વાત કરીએ તો કરણ જોહરે આ ફિલ્મ જોઈ છે અને એને ફિલ્મની વાર્તા ઘણી પસંદ પડી છે.

એવું મનાય છે કે કરણ જોહર ફિલ્મના રાઇટ્સ ખરીદવાનું વિચારી રહ્યા છે. જોકે કરણ જોહરે હજુ સુધી આ ફિલ્મની ઑફિશિયલ અનાઉન્સમેન્ટ કરી નથી.