કોરોનાની કકળાટ હાસ્યની હળવાશ – ૧૩

આખો દિવસ સમાચાર જોઈ જોઈને હવે તો સમાચારના એન્કર પણ ટીવીમાંથી બોલતા હોય એવું લાગે છે. “ અભી તો મેરેકો દેખા વાપસ સામને બૈઠ ગયા? ” અઢારમીએ પત્તું ખૂલવાનું હતું લૉકડાઉનનું પણ મુંબઈમાં ૩૧મી મે સુધી કોઈએ બેં બેં કરવાનું નહીં એવો સરકારનો હુકમ આવશે, અને આવ્યો લૉકડાઉન વધ્યું ૩૧મી મે સુધી. અમુક છૂટછાટ સાથે, અહિયાં લોકો રેડ સિગ્નલ હોય તોય એને ગ્રીન સમજીને નીકળી પડે છે, એમ ગ્રીન ઝોનમાં રહેતા લોકોય આંબાની સીઝનમાં ઓરેન્જ લેવા નીકળ્યા હોય એમ રેડ ઝોનમાં આંટા મારતા હોય છે, અને કોરોનાને કોળિયા મળી રહે છે. લગભગ દોઢ લાખ પેશન્ટ થઇ ગયા છે કોરોનાનાં. કંકોત્રીમાં માત્ર બે જણાને આમંત્રણ હોય અને સહપરિવાર જાનમાં આવી ગયા હોય એવું લાગે છે. રોજ રોજ નવા નંગ દેખાતા જ જાય છે, હવે તો હદ થાય છે.

બીજી બાજુ, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ઘર તરફ જતા મજૂર વર્ગની સમસ્યા, સમજાવ્યા સમજે નહીં,  અત્યારે ઉપરથી અખા ભગત જોતા હશે તો એ ય અર્બન ગુજરાતીમાં કહેતા હશે “સમજાવ્યા સમજે નહીં આ માણસની જાત, આ રોડ પર હાલી નીકળ્યા છે એની કઈ છે ન્યાત?” સરકાર કહે છે ઘરમાં બેસો અમે તમારા જવાની વ્યવસ્થા કરીશું, લોકો કહે છે અમે પગપાળા ગામ જઈશું તમારાથી થાય તે કરી લ્યો. આ બધા ગામ જશે તો તો મજૂરોનો તોટો થશે, સરકારે આત્મનિર્ભર બનોનું સૂત્ર આપ્યું અને બધા નાની નાની કંપનીઓ ખોલવા તૂટી પડશે પણ મજૂર ક્યાંથી લાવશે? બધા ગયા કહીને રામ રામ, આખરે “તુમ્હારા તુમ જાનો” કહીને અમારો ચોકીદાર પણ ગયો એના ગામ. હે રામ.   

શું પછી લેખક, આજે એકદમ આરામ?

કોરોનાનો કર્કશ અવાજ સંભળાયો. આજે એ ગોગલ્સ પહેરીને બારીએ ડોકાયો.

અલ્યા આ લેખક આજે નહીં કાયમના આરામમાં થઇ જવાના.

કેમ આવું બોલો છો?

અલ્યા તારા લીધે લૉકડાઉન વધ્યું, આ અમારી સિરિયલ, ફિલ્મ અને નાટકની લાઈન તો આવતા છ-સાત મહિના સુધી ખુલે એમ લાગતી નથી. સરકાર લોકોને ભેગા નહીં થવા દે અને પ્રેક્ષકો પણ લોકો ભેગા થાય એવી જગ્યાએ આવવા-જવાનું ટાળશે. આ સરકાર અનાઉન્સ કરેને કે “આ વખતે નવરાત્રિ ઘરે રહીને જ ઉજવવાની રહેશે.” તો કોક ડાંડિયા કિંગ કે ક્વીન રાતોરાત કોરોનાને ભગાડવાની રસી શોધી કાઢે અને તને ભગાડે.

અલ્યા હું તો કાયમનો અહિયાં જ રહેવાનો વિચાર કરું છું.

શું ?

હા, આ દેશમાં મારા માટે બહુ સ્કોપ છે.

બોલો કોરોનાને અહિયાં સ્કોપ દેખાય છે. ભાઈ તે કયા બાયોસ્કોપમાંથી સ્કોપ જોયો કહે જોઉં?

અરે સિમ્પલ છે યાર, અહિયાં મારો કોઈને ડર નથી, અને મને તો મઝા પડી ગઈ છે, મારા લીધે અહિયાં ધડાધડ વિકેટ પડતી જાય છે, લોકો પોતાના વતન ગામ ભેગા થતા જાય છે. એટલે બજારમાં મંદી શરૂ થઇ ગઈ છે, બધા પોતાના ઘરમાં આરામથી ટેન્શનમાં બેઠા છે, જગ્યાના ભાવ આમેય ઓછા થઇ જશે, ચેમ્બુર, બાન્દ્રા, ધારાવી કે ગોવંડી, ભિવંડીમાં એકાદ ડુપ્લેક્સ ઝૂંપડું લઇ લઈશ.

ડુપ્લેક્ષ ઝૂંપડું?

હા, મને તો મારા વ્હાલા બધા ઝૂંપડપટ્ટીમાંથી જ મળશેને. હમણાં પણ સરકાર ગળું ફાડી ફાડી બધાને ઘરમાં રહેવા કહે છે પણ સ્લમ એરિયાના લોકો બિન્દાસ એમ ફરે છે કે એમની રક્ષા ફેન્ટમ કરે છે.

તો એ લોકો બિચારા ક્યાં જાય? કેટલા દિવસ ઘરમાં રહે? કામકાજ કરે કે નહીં? તારા ડરથી પૈસાવાળાઓને કોઈ વાંધો નથી, બાકી રહ્યા મિડલ ક્લાસ અને નીચલા  વર્ગનાં લોકો. હવે તો મિડલ ક્લાસવાળાઓની પણ કમર ભાંગી છે, એ લોકો બોલતા નથી અને બોલી પણ શકતા નથી. લાફા મારીને ગાલ લાલ રાખીને બેઠા છે. જે કઈ ભેગું કર્યું છે એ વેચવાના વારા આવી ગયા છે, આ લૉકડાઉન ખુલશે કે સૌથી પહેલા લોકો સોનાના દાગીના વેચવા ભાગશે.

કેમ?

કેમ શું? અરે ભાડે રહેતા હોય એમણે ઘરના ભાડા ભરવાનાં કે નહીં? બાળકોની સ્કૂલ કૉલેજ ક્લાસની  ફી, ઘર, ગાડી, ક્રેડિટકાર્ડનાં હપ્તા… સરકારે ત્રણ મહિના આ બધાથી રાહત આપી છે માફ નથી કર્યા. અને મકાન માલિકો પણ ઓછા નથી. ઈમોશનલ મેસેજ કરી કરીને ભાડૂતને મરવા મજબૂર કરી દેશે. લાખો કરોડો રૂપિયાનો ટેક્સ ભરતો મિડલક્લાસ આજે બધું સમેટીને ગામ ભેગા થઇ જવાના વિચાર કરતો થઇ ગયો છે. અને રહ્યા નાના માણસો જે બિચારા રોજ કમાતા રોજ ખાતા એને તે નવરા કરી દીધા, ત્રણ લૉકડાઉન ઘરમાં રહ્યા પણ હવે ધીરજ ખૂટી છે. ગમે તે ભોગે લોકો બહાર નીકળશે જ.

અને મને જલસો પડી જશે. તમને ખબર નથી પડતી ગ્રીન અને ઓરેન્જ ઝોનમાંથી લોકોના ટોળેટોળા નીકળશે તો આખા શહેરની હાલત કલિંગર (વોટરમિલન) જેવી થઇ જશે બહારથી ગ્રીન અને અંદરથી આખું રેડ.

ત્યાં પત્નીનો અવાજ આવ્યો. અરે બેઠા છો શું? હું ફટાકથી ઊભો થઇ ગયો. ત્યાં એ સામે આવી હાથમાં કલિંગર લઈને.

લ્યો તમે અહિયાં ઊભા છો?

તું કહે તો બેસી જાઉં.

બેસો અને આ વોટરમિલન સુધારી આપો.

તડબૂચ જોઇને મને કોરોનાનાં શબ્દો યાદ આવ્યા. તમને ખબર નથી પડતી ગ્રીન અને ઓરેન્જ ઝોનમાંથી લોકોના ટોળેટોળા નીકળશે તો આખા શહેરની હાલત કલિંગર (વોટરમિલન) જેવી થઇ જશે બહારથી ગ્રીન અને અંદરથી આખું રેડ. બારીએ જોયું તો એ ગાયબ હતો. હું તડબૂચને જોતો જ રહ્યો.

છેલ્લે છેલ્લે.

ગઈકાલે એક બાવા જેવા ભાઈ એક્ટિવા પર આવ્યા. દાઢી માસ્કમાંથી બહાર નીકળતી હતી. મારી પાસે સ્કુટર રોકીને બોલ્યા.

અલ્યા ઓળખ્યો મને? આપણે રોજ ટપરી પર સાથે ચા પીતા હતા.

અને એ ચાલ્યો ગયો.

હજુ સુધી વિચારું છું એ કોણ હતો ?

સમજે તે સમજદાર

અશોક ઉપાધ્યાય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here