લગભગ અઢી મહિનાથી તમામ શૂટિંગ પર પ્રતિબંધ મુકાયો હોવાથી તમામ સેલિબ્રિટીઝ પોતપોતાના ઘરમાં આરામ ફરમાવી રહ્યા છે તો ડેલી વર્કર્સ બે છેડા ભેગા કેમ કરવા એની ચિંતામાં છે. પરંતુ હવે આનંદના સમાચાર આવી રહ્યા છે. બુધવારે યોજાયેલી મહત્ત્વપૂર્ણ બેઠક બાદ જાણવા મળ્યું છે કે ટૂંક સમયમાં શૂટિંગ ફરી શરૂ કરાશે.

ઇન્ડિયન ફિલ્મ ઍન્ડ ટીવી પ્રોડ્યુસર કાઉન્સિલ (આઈએફટીપીસી) અને ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (એફડબલ્યુઆઈસીઈ)ની મીટિંગ મુંબઈ ખાતે યોજાઈ હતી. મીટિંગમાં નિર્ણય લેવાયો હતો કે વહેલામાં વહેલી તકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કામકાજની શરૂઆત કરવામાં ાવે. 17 માર્ચથી અમલમાં આવેલા લૉકડાઉનને કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઘણું નુકસાન થયું છે. માત્ર આવકનું જ નુકસાન નથી થયું પણ ઘણાની નોકરીનો પણ પ્રશ્ન ખડો થયો છે.

એફડબલ્યુઆઈસીએ સુરક્ષા અને આરોગ્યની દૃષ્ટી 25 સૂત્રી પ્રપોઝલ તૈયાર કરી છે. આ તમામ મુદ્દાઓ અંગે મીટિંગમાં ચર્ચા થઈ હતી. પ્રોડ્યુસરોની સંસ્થાએ પણ પ્રસ્તાવને મંજૂરી આપી છે. તમામ વર્કર્સના હેલ્થ ઇન્શ્યોરંસ આપવાનો પ્રસ્તાવ પણ મંજૂર થયો છે. ઉપરાંત આઈએફટીપીસી દ્વારા ટૂંક સમયમાં રિલીઝ કરવાની વાત થઈ હતી તો ડિફોલ્ટર પ્રોડ્યુસરની યાદી પણ આઈએફટીપીસીએ માગી છે.

મીટિંગમાં આઈએફટીપીસી તરફથી જે.ડી. મજિઠિયા, શ્યામ શ્રી ભટ્ટાચાર્ય, અભિમન્યુ સિંહ અને નિતિન વૈદ્ય ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે એફડબલ્યુઆઈસીઈ વતિ બી.એન. તિવારી, અશોક પંડિત, ગંગેશ્વર શ્રીવાસ્તવ અને અશોક દુબે ચર્ચામાં સહભાગી થયા હતા. મીટિંગ બાદ ચીફ એડવાઇઝર અશોક પંડિતે જણાવ્યું કે એફડબલ્યુઆઈસીઈ અને આઈએફટીપીસી વચ્ચે થયેલી આ મીટિંગ શૂટિંગ વહેલી તકે કેવી રીતે શરૂ કરી શકાય એ માટે હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here