કદાચ પહેલીવાર એવું બની રહ્યું છે કે એક પુસ્તકનું વિમોચન થાય એ અગાઉ જ એના પરથી ફિલ્મ બનાવવાના હક વેચાઈ ગયા હોય. આ પુસ્તકનું નામ છે ધ હન્ડ્રેડ બક્સ. દુષ્યંત પ્રતાપ સિંહ દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત ધ હન્ડ્રેડ બક્સ ડબલ ધમાકો કરવા તૈયાર છે. 21 ફેબ્રુઆરીએ ફિલ્મ તો રિલીઝ થઈ રહી છે તો એના એક અઠવાડિયા અગાઉ આજ નામનું પુસ્તક રિલીઝ કરાશે.

પુસ્તકનાં લેખિકા અંગે દુષ્યંત પ્રતાપ સિંહ કહે છે કે, મારી દીકરી વિષ્ણુપ્રિયા સિંહ બહેતરીન લેખિકા છે. પણ મને આશ્ચર્ય એ વાતનું છે કે આટલી નાની ઉંમરમાં એ એક એવા વિષય પર પણ લખી શકે છે જે હૃદયસ્પર્શી, યથાર્થાવાદી અને મજેદાર હોય. મેં જ્યારે પહેલીવાર વાર્તા સાંભળી ત્યારે જ મને થયું કે આના પરથી ફિલ્મ બનાવી શકાય.

ધ હન્ડ્રડ બક્સની વાર્તા મુંબઈમાં એક રાતની છે જેમાં એક રૂપજીવિની અને ઑટોરિક્શા ડ્રાઇવર વાર્તાના કેન્દ્રમાં છે. તેઓ ગ્રાહકને શોધવા માટે આખી રાત સંઘર્ષ કરે છે. પોલીસ, રાજકારણીઓ વગેરે સાથે માત્ર સો રૂપિયા માટે સોદો કરે છે. આ એવી મહિલાઓની વાત છે જેઓ પૈસા કમાવા માટે આવા સાધનોને અપનાવે તો છે પણ તેમના સંઘર્ષનો કોઈ અંત આવતો નથી. ફિલ્મને અનેક ફેસ્ટિવલમાં પ્રદર્ષિત કરાઈ છે જ્યાં જબરજસ્ત આવકાર મળ્યો છે. ખાસ કરીને મૉડેલથી અભિનેત્રી બનેલી કવિતા ત્રિપાઠીના પુષ્કળ વખાણ થયા.