સુશાંત સિંહ રાજપુત કેસની તપાસ કોણ કરે એ અંગે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસનો ચુકાદો આજે આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કેસની તપાસનો અધિકાર સીબીઆઈને સોંપ્યો છે. સુશાંતનો પરિવાર લાંબા અરસાથી સીબીઆઈ તપાસની માંગણી કરી રહ્યો હતો. સુપ્રીમ કોર્ટે આજે ચુકાદો આપતા જણાવ્યું હતું કે બિહારમાં નોંધવામાં આવેલી એફઆઈઆર યોગ્ય છે અને મુંબઈ પોલીસને સીબીઆઈની તપાસમાં સહકાર આપવાનો આદેશ આપ્યો છે.

એ સાથે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે મુંબઈ પોલીસે અત્યાર સુધી માત્ર પૂછપરછ કરી છે તપાસ નહીં. એ સાથે સુપ્રીમ કોર્ટે તમામ દસ્તાવેજો સીબીઆઈને સોંપવાનું મુંબઈ પોલીસને જણાવ્યું છે. સર્વોચ્ચ અદાલતના નિર્ણયને કારણે મહારાષ્ટ્ર સરકારની સાથે મુંબઈ પોલીસને ભારે આંચકો લાગ્યો છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મહારાષ્ટ્ર સરકારના વકીલે કહ્યું કે અમે નિર્ણયને પડકારશું. ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે પહેલાં તમે આદેશને વાંચો પછી રિવ્યુ પિટિશન દાખલ કરવા અંગે વિચારો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ ૩૫ પાનાનો ચુકાદો છે, અમે તમામ પાસાંઓ પર બારીકાઈથી અભ્યાસ કર્યા બાદ નિર્ણય આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે એના નિર્ણયમાં જણાવ્યું કે નિતિશ સરકારે સીબીઆઈ તપાસની કરેલી ભલામણ યોગ્ય છે. મહારાષ્ટ્ર સરકારે હવે તપાસમાં સહયોગ આપવો પડશે. મુંબઈ પોલીસે આ કેસના તમામ પુરાવા સીબીઆઈને સોંપવા પડશે.

સુશાંત સિંહના પિતા કે.કે. સિંહના વકીલ વિકાસ સિંહે કહ્યું કે સુશાંતના પરિવાર માટે આ મોટી જીત છે. કોર્ટે પણ માન્યું કે મુંબઈ પોલીસે આ કેસમાં કોઈ તપાસ કરી નથી. આ ઐતિહાસિક નિર્ણય છે. ન્યાય તરફનું આ પહેલું પગલું છે.

સુશાંત સિંહ કેસની તપાસ સીબીઆઈને સોંપાયા બાદ અભિનેતા પરિવાર ઘણો ખુશ છે. સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ ટ્વીટ કરી લખ્યું કે, આખરે કેસની તપાસ સીબીઆઈ કરશે.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સોશિયલ મીડિયા યુઝર્સની સાથે બૉલિવુડ સ્ટાર્સે પણ પ્રતિક્રિયા આપવાની શરૂઆત કરી છે.

સુશાંત સિંહ રાજપુતની ગર્લફ્રેન્ડ રહી ચુકેલી અંકિતા લોખંડેએ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ટ્વીટ કર્યું હતું કે, સચ્ચાઈની જીત થઈ છે. એ સાથે અંકિતાએ હૅશટૅગમાં એનો ઉલ્લેખ કર્યો છે કે સુશાંતના ન્યાય માટે આ પહેલું ડગલું છે.

કંગના રનૌતની ટીમે સોશિયલ મીડિયા પર લખ્યું, ઇન્સાનિયતની જીત થઈ છે. સુશાંત માટે લડી રહેલા તમામ વૉરિયરને શુભેચ્છાઓ. સુપ્રીમ કોર્ટે આ નિર્ણયના વખાણ કરતા કંગનાએ તાળી વગાડતા ઇમોજીનો ઉપયોગ કર્યો હતો.

અનુપમ ખેરે પણ ટ્વીટમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો હતો. અનુપમ ખેરે ટ્વીટ કરતા લખ્યું, જય હો…જય હો…જય હો… એ સાથે તેમણે અમુક ઇમોજીસનો પણ ઉપયોગ કર્યો હતો.

રિયા ચક્રવર્તીએ કેસ મુંબઈ ટ્રાન્સફર કરવાની માંગણી કરી હતી

સુશાંત સિંહ મામલે રિયા ચક્રવર્તીએ બિહારમાં નોંધાયેલી ફરિયાદ મુંબઈ ટ્રાન્સફર કરવાની માંગણી કરી હતી. એના વકીલ દ્વારા કરાયેલી લેખિત દલીલમાં જણાવાયું હતું કે સુશાંતના મૃત્યુ મામલે એને કોઈ લેવાદેવા નથી. ઉપરાંત બિહારમાં કરાયેલી ફરિયાદ ખોટી છે. આ કેસ બિહાર પોલીસના જ્યુરિડિક્શનમાં આવતો નથી અને આ રીતે સીબીઆઈને કેસ ટ્રાન્સફર કરવો પણ યોગ્ય નથી. લેખિત દલીલમાં રિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બિહાર પોલીસે નોંધેલી એફઆઈઆર અને કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવો એ જ્યુરિડિક્શન વગર થયો હોવાથી કેસ મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here