તમને નવાઈ લાગશે કે આશા ભોસલે સાથે ગીત ગાનાર આ નટુ કાકા છે કોણ? માત્ર ગુજરાતમાં જ નહીં દેશ-વિદેશમાં ખ્યાતિપ્રાપ્ત તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નટુ કાકા ઉર્ફે ઘનશ્યામ નાયક અનેક કલામાં પારંગત છે. ગુજરાતની દેશી ભવાઈ, નાટકોથી લઈ આધુનિક ફિલ્મ ઇન્ડસ્ટ્રી સુધી તેમણે કલાની સુગંધ પ્રસરાવી છે.

બાળકલાકાર તરીકે ૧૯૬૦માં આવેલી માસુમ ફિલ્મથી કરિયરની શરૂઆત કરનાર ઘનશ્યામ નાયક ત્યારથી આજ લગી અભિનયક્ષેત્રે કાર્યરત છે. ૬૦ વરસની કરિયરમાં તેઓ અનેક ગુજરાતી-હિન્દી ફિલ્મ ટીવી-સિરયિલમાં કામ કરી ચુક્યા છે. હમ દિલ દે ચુકે સનમનો ઘનશ્યામ નાયકનો તોડી નાખું ફોડી નાખું ડાયલોગ ઘણો ફૅમસ થયો હતો. ઘનશ્યામ નાયકે અત્યાર સુધીમાં ૩૫૦થી વધુ હિન્દી સિરિયલોમાં કામ કર્યું છે તો ૧૦૦ જેટલા ગુજરાતી નાટકોમાં પણ તેમની અભિનયપ્રતિભા દાખવી ચુક્યા છે. ખાસ કરીને તેમની ભવાઈ રેડિયો પર ઘણી લોકપ્રિય બની હતી.

ઘનશ્યામ નાયકની અભિનય ક્ષમતાથી લોકો પરિચીત છે પણ તેમણે ગીતો પણ ગાયા છે એની ભાગ્યે જ કોઈને જાણ હશે. તેમણે આશા ભોસલે અને મહેન્દ્ર કપૂર સાથે ગીત ગાયા છે એ સાંભળી તમને કદાચ નવાઈ લાગશે પણ એ હકીકત છે. ઘનશ્યામ નાયક ૧૨ જેટલી ગુજરાતી ફિલ્મમાં આશા ભોસલે અને મહેન્દ્ર કપૂર સાથે ગીત ગાઈ ચુક્યા છે. એટલું જ નહીં, તેમણે સાડા ત્રણસો કરતા વધુ ફિલ્મમાં ડબિંગ પણ કર્યું છે.

તાજેતરમાં તેઓ પાછા શૂટિંગ પર આવ્યા ત્યારે તેમના ચહેરા પર આનંદ છલકાઈ રહ્યો હતો. તેમણે જણાવ્યું કે તેઓ છેલ્લા શ્વાસ સુધી અભિનય કરવા માંગે છે અને મેકઅપ સાથે જ આખરી શ્વાસ લેવા માંગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here