ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પરિવર્તનનો એવો પવન ફૂંકાઈ રહ્યો છે. અગાઉ બજેટના અભાવે નિર્માતા-દિગ્દર્શકે ચાલી જશે… ચલાવી લેશું…નો આશરો લેવો પડતો. જોકે નવી પેઢીના સર્જકોની સાથે હવે પીઢ સર્જકો પણ પર્ફેક્શનનો આગ્રહ રાખવા માંડ્યા છે. તાજેતરમાં આવેલી અનેક ફિલ્મોએ આ વાત પુરવાર કરી છે. ફિલ્મ સર્જકોના આ નવા ટ્રેન્ડને દર્શકો પણ વધાવી રહ્યા છે.
તાજેતરમાં એક ગુજરાતી ફિલ્મના શૂટિંગ કવરેજ માટેનું આમંત્રણ મળ્યું. શૂટિંગ પર પહોંચ્યા તો આશ્ચર્યચકિત થઈ ગયા. કારણ, ફિલ્મનું શૂટિંગ એક ક્રુઝ પર થઈ રહ્યું હતું અને બીજી નવાઈ પમાડતી વાત એ હતી કે ક્રુઝના ડાન્સ ફ્લૉર પર મુંબઈથી ખાસ બોલાવાયેલી બેલે ડાન્સર ધમાકેદાર નૃત્ય કરતી જોવા મળી.
સ્મિત વંદન ફિલ્મ પ્રોડક્શન બેનર હેઠળ બની રહેલી નિર્માતા સ્મિતા બારોટ, મુકેશ પટેલ, શૈલેષ પટેલ, વંદના બી. રાવલની ફિલ્મ ગુજરાતથી ગોવાનું શૂટિંગ ક્રુઝ પર ચાલી રહ્યું હતું. બેલે ડાન્સર સાથે ફિલ્મના બંને હીરો દિલની સાથે ખીસા ખોલીને ડાન્સ કરી રહ્યા હતા. ફિલ્મના બંને હીરો અક્ષત ઇરાની અને યશ શાહ બેલે ડાન્સર પર રૂપિયાની નોટો ઉડાવી રહ્યા હતા.
કેમેરા અને લાઇટનું પ્લેસિંગ થઈ રહ્યું હતું એ દરમિયાન બેલે ડાન્સર સાથે વાત થઈ. મુંબઈથી આવેલી બેલે ડાન્સર માધવીએ ફિલ્મી ઍક્શનને જણાવ્યું કે, નાનપણથી એને ડાન્સનો ઘણો શોખ હતો. સ્કૂલમાં હતી ત્યારથી જ એ મહારાષ્ટ્રની વિખ્યાત લાવણીના શો કરતી. એ સાથે અન્ય ડાન્સ પણ શીખવાનું શરૂ કર્યું. આજે દેશ-વિદેશમાં ડાન્સના અનેક શો તેમના ડાન્સ ટ્રુપ સાથે કરી રહી છે.
ફિલ્મ અંગે જાણકારી આપતા રાજદીપે જણાવ્યું કે, અમે લખલૂટ ખર્ચે ફિલ્મના અતિ મહત્ત્વના દૃશ્યો ક્રુઝ પર ફિલ્માવી રહ્યા છીએ. અત્યારે અમીર બાપના બે નબીરા જુગારમાં જીતેલા પૈસા એક ડાન્સર પર ઉડાવી રહ્યા હોવાનો સીન ફિલ્માવી રહ્યા છીએ. ક્રુઝ પર થઈ રહેલા શૂટિંગમાં બૉલિવુડના વિખ્યાત વિલન શક્તિ કપૂર ઉપરાંત ફિલ્મના બે હીરો અક્ષત ઇરાની અને યશ શાહ સહિત અન્ય કલાકારો ભાગ લઈ રહ્યા છે. ક્યા અને કેવા સીન છે એની વિગત તો વધારે નહીં આપું પણ ક્રુઝ પર ફિલ્માવાઈ રહેલા દૃશ્યો ફિલ્મની વાર્તાના ટર્નિંગ પોઇન્ટ છે.
ફિલ્મની વાર્તા વિશે પૂછતા રાજદીપ કહે છે કે ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં બે અમીર બાપના બે યુવાનોની વાત છે જેઓ ખોટી સોબતને કારણે કેવી મુસીબતમાં મુકાય છે અને એમાંથી બહાર આવવાની તેમની મથામણ દર્શાવવામાં આવી છે. એ સાથે આજની પેઢીના યુવાનો માટે એક સંદેશ પણ છે. ફિલ્મમાં અલગ અલગ મૂડનાં ચાર ગીતો છે.
સ્મિત વંદન ફિલ્મ પ્રોડક્શન બેનર હેઠળ બની રહેલી ફિલ્મના નિર્માતાઓ છે સ્મિતા બારોટ, મુકેશ પટેલ, શૈલેષ પટેલ, વંદના બી. રાવલ. રાજદીપના દિગ્દર્શનમાં બની રહેલી ફિલ્મનું સંગીત શિવમ બાક્ષીનું છે તો ગીતો હેમંત કારિયા, કેશવ રાઠોડ અને માહિલ પલ્લવીનાં છે. ઍક્શન કૉરિયોગ્રાફી દિલીપ યાદવની છે. કથા-પટકથા-સંવાદ રાજદીપના છે. તો કલાકારો છે અક્ષત ઇરાની, યશ શાહ, તનુ રાઠોડ, હૃદયા સિંગ, સાહિલ ખાન, શેખર શુક્લા, મીનાક્ષી, આત્મારામ ત્રિપાઠી, શાહરૂખ સાદરી, ભરત બ્રહ્મભટ્ટ, સ્મિતા બારોટ, વંદના રાવલ, એમિ, ડિમ્પલ, આસ્મી, રાજુ પંચાલ, દિવિંગ રાવલ, પંકજ પાઠક, જાગૃતિબહેન, પ્રવીણ, રોશની રાઠોડ, આશિષ સુખડવાલા, શક્તિ કપૂર અને રાજદીપ.