ક્રાઇમ થ્રિલર જેવો અનુભવ કદી કર્યો છે ખરો? પરિવારના જ સભ્યો દ્વારા લાલચ માટે એક સભ્યને પ્રતાડિત કરાય, છેતરપીંડીની ફરિયાદ કરવામાં આવે, કોર્ટમાં કેસ ચાલે અને યેનકેન પ્રકારેણ જેલમાં ધકેલી દેવાય. એક વ્યક્તિ જે રિયલ લાઇફમાં અને એ પણ પરાયા દેશમાં આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ હોય એના મન પર શું વીતી હશે? દગાખોરીનો ભોગ બન્યા બાદ 13 વરસ જેલમાં વીતાવનાર લાલ ભાટિયાએ કારાવાસ ભોગવતા એક પુસ્તક લખ્યું ઇન્ડિક્ટિંગ ગોલિયત. પુસ્તક અંગે એક લાઇનમાં જણાવવું હોય તો કહી શકાય કે, એક એવી વ્યક્તિના વાસ્તવિક જીવનનું નિરૂપણ છે જેને અમેરિકામાં જ્યારે એની ભૂતપૂર્વ પત્નીના કાકાએ છેતરપીંડીનો આક્ષેપ કર્યો અને એણે વકીલ વગર ન્યાય માટે સંઘર્ષ કરવો પડ્યો.

આ પુસ્તક યુએસએની લગભગ 21 કોર્ટમાં ચાલેલા વ્યાપક કેસના આધારે સિદ્ધ ન થયેલા તથ્યો, પુરાવાઓ અને સાક્ષી પર આધારિત છે. લેખક લાલ ભાટિયાને અનેક યાતનાઓમાંથી પસાર થવું પડ્યું, પ્રતાડિત કરાયા, ખોટી રીતે દોષી પુરવાર કરાયા અને જેલમાં ધકેલી દેવાયા. આખરે એમાંથી બહાર આવતા અને ભારત પાછા ફરવામાં 13 વરસ નીકળી ગયા.

લાલ ભાટિયા કહે છે કે, મેં મારી તેર વરસની જેલની સજા દરમ્યાન આ પુસ્તક લખ્યું છે. મેં એક એક મિનિટનો હિસાબ આપ્યો અને કોર્ટમાં ઝઝૂમવાની સાથે મારી વાત પુરવાર કરવા અનેક પુરાવાઓ ભેગા કર્યા અને પુસ્તકમાં સામેલ કર્યા. જોકે મોટાભાગની પ્રકાશન કંપનીઓએ પુસ્તક પ્રકાશિત કરવાનું નકારી દીધું. પરંતુ નોશન પ્રેસે મારા પુસ્તકને પ્રકાશિત કરવાની હિંમત દાખવી. પુસ્તકમાં સિસ્ટમની કાળી બાજુ પર પ્રકાશ ફેંકવાનો પ્રયાસ કરાયો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આ તેર વરસની સફરનો ચિતાર છે, જેણે મારી શારીરિક અને માનસિક શક્તિની સાથે સહનશક્તિની પરીક્ષા લીધી. આ પુસ્તકમાં અમેરિકી પ્રશાસનમાં ચાલતા ઘોર અન્યાય પરથી પરદો હટાવવાની કોશિશ કરવામાં આવી છે. પુસ્તક અંગ્રેજી, રશિયન અને બંગાળી એમ ત્રણ ભાષામાં પ્રગટ કરવામાં આવ્યુ છે.

***

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here