1970માં રેહાના સુલ્તાન અભિનીત દસ્તક રિલીઝ થઈ હતી. બૉલ્ડ કન્ટેન્ટને કારણે ફિલ્મે સિત્તેરના દાયકામાં હલચલ મચાવી દીધી હતી. ત્યાર બાદ મહેશ ભટ્ટની ફિલ્મ દસ્તક આવી. મિસ યુનિવર્સનો ખિતાબ જીતનાર સુસ્મિતા સેને આ ફિલ્મથી બૉલિવુડમાં એન્ટ્રી કરી હતી.

હવે ઓર એક દસ્તક દર્શકોના દરવાજે દસ્તક દેવા આવી રહી છે. સંજય મિશ્રા અને એકાવલી ખન્ના ટૂંક સમયમાં શોર્ટ ફિલ્મ દસ્તક – અ સોલ વ્હીસ્પર્સમાં જોવા મળશે. આ બંને કલાકાર અંગ્રેજી મેં કહતે હૈમાં સાથે દેખાયા હતા જેમાં તેમની કેમિસ્ટ્રી જબરજસ્ત હતી અને હવે આ શોર્ટ ફિલ્મમાં પણ આવી જ કેમિસ્ટ્રી જોવા મળશે એવી અપેક્ષા છે.

સંજય મિશ્રા નેચરલ એક્ટિંગ માટે જાણીતા છે અને તાજેતરમાં તેમણે કામયાબમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તો આ વરસે રિલીઝ થયેલી તાનાજીમાં પણ તેમની અભિનય પ્રતિભા જોવા મળી. હવે શોર્ટ ફિલ્મ દસ્તક – અ સોલ વ્હીસ્પર્સમાં તેમનો સહજ અભિનય જોવા મળશે.

ફિલ્મને અનેક ભારતીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવી છે. એ સાથે ફિલ્મને વર્ચ્યુઅલ ફિલ્મ ફેસ્ટિવલમાં સર્વશ્રેષ્ઠ અભિનેતા, સર્વશ્રેષ્ઠ અભિનેત્રી અને સર્વશ્રેષ્ઠ લેખકના પુરસ્કાર મળ્યા હતા.

બ્રાવો એન્ટરટેઇન્મેન્ટના નિર્માતા જયેશ પટેલ આ ફિલ્મને તેમના બ્રાવો એન્ટરટેઇન્મેન્ટ બેનર હેઠળ રિલીઝ કરી રહ્યા છે. તેમણે સહ-નિર્માતા ઉત્તમ નાયકના સહયોગમાં શોર્ટ ફિલ્મ દસ્તકનું નિર્માણ કર્યું છે. અંશુમાન ચતુર્વેદી દિગ્દર્શિત શોર્ટ ફિલ્મ ટૂંક સમયમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

બ્રાવો એન્ટરટેઇન્મેન્ટ ભવિષ્યમાં ડિજિટલ ફિલ્મ, વેબ સિરીઝ અને ફીચર ફિલ્મ બનાવવાની યોજના ધરાવે છે. દસ્તક બાદ જયેશ પટેલ ફીચર ફિલ્મની જાહેરાત કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here