મરાઠીની સો કરોડની ક્લબમાં પહોંચેલી પહેલવહેલી ફિલ્મ સૈરાટ પરથી બનેલી હિન્દી ફિલ્મ ધડકથી બૉલિવુડમાં એન્ટ્રી કરનાર ઇશાન ખટ્ટર આજકાલ ચર્ચામાં છે. અને એનું કારણ છે એનું નવું પ્રેમ પ્રકરણ. તમને નવાઈ લાગશે, પણ ઇશાન એના કરતા ૨૪ વરસ મોટી મહિલાના પ્રેમમાં પડ્યો છે. તમને થશે કે નવા નવા બૉલિવુડમાં આવેલા આ અભિનેતાના મગજમાં રાઈ ભરાઈ ગઈ હશે. પણ ના એવું નથી, ઇશાન એકદમ પ્રોફેશનલ છે. હકીકતમાં  બૉલિવુડના અન્ય સ્ટાર્સની જેમ એ પણ વેબ સિરીઝ તરફ વળ્યો છે. એ ટૂંક સમયમાં અ સ્યૂટેબલ બૉય વેબ સિરીઝમાં જોવા મળશે. આગામી વેબ સિરીઝનો ફર્સ્ટ લૂક લૉન્ચ કરવામાં આવ્યો છે. પોસ્ટરમાં ઇશાન એના કરતા ૨૪ વરસ મોટી અભિનેત્રીના પ્રેમમાં પડ્યો હોય એવું દેખાય છે. આ અભિનેત્રી એટલે બીજું કોઈ નહીં પણ તબુ છે. અ સ્યૂટેબલ બૉયમાં એ મુખ્ય અભિનેત્રી છે. તબુએ જ સિરીઝનું પોસ્ટર શેર કર્યું હતું.

આ વેબ સિરીઝમાં ઇશાન ખટ્ટર કૉલેજના વિદ્યાર્થીનું પાત્ર ભજવી રહ્યો છે. જ્યારે તબુ ગણિકાની ભૂમિકામાં છે. અમિર પરિવારનો પુત્ર એના કરતા ચોવીસ વરસ મોટી દેહવ્યવસાય કરનારી મહિલાના પ્રેમમાં પડે તો શું થાય? એ આ વેબ સિરીઝમાં દર્શાવવામાં આવ્યું છે. જૂન ૨૦૨૦માં આ વેબ સિરીઝ ઓટીટી પ્લેટફોર્મ પર દર્શાવવામાં આવશે.