એક એવો કલાકાર જેણે બૉલિવુડમાં દિગ્ગજ કલાકારો અમિતાભ બચ્ચન, રિશી કપૂર, અક્ષયકુમાર સાથે કામ કર્યું હોવા છતાં પોતાની માતૃભાષાની ફિલ્મ કરવા તત્પર રહે છે. આ કલાકાર છે જિમિત ત્રિવેદી જેની ગુજરાતી ફિલ્મ ચીલઝડપ ૬ સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. ફિલ્મી ઍક્શનને આપેલા ઇન્ટરવ્યુમાં અભિનેતાએ ચીલઝડપ ઉપરાંત એની કરિયર વિશે પણ મોકળા મને વાત કરી હતી.

ચીલઝડપમાં તમારી ભૂમિકા કેવી છે?

ગુજરાતના એક નાનકડા શહેર સિદ્ધપુરમાં રહેતા રસિક રંજનનું પાત્ર ભજવી રહ્યો છું. જે મજેદાર વ્યક્તિ તો છે પણ ગ્લેમર વર્લ્ડથી અંજાયેલો છે. એ હંમેશ પોતાની દુનિયામાં ખોવાયેલો રહે છે અને ફિલ્મી દુનિયામાં પોતાનું નામ બનાવવા માગે છે. જોકે ફિલ્મી દુનિયાના ચક્કરમાં એક એવા ષડયંત્રમાં ફસાય છે જેમાંથી બહાર નીકળવા એણે રીતસરના હવાતિયા મારવા પડે છે. એ કેવા ષડયંત્રમાં ફસાય છે અને એમાંથી બહાર નીકળી શકે છે કે નહીં એ જાવા તમારે થિયેટરમાં જવું પડશે.

સુપરહિટ હિન્દી ફિલ્મો કર્યા બાદ ચીલઝડપ જેવી ગુજરાતી ફિલ્મ કરવાનું કોઈ ખાસ કારણ?

એની વાર્તા અને રસિક રંજનનું કેરેક્ટર. વિહંગ મહેતાએ જે સ્ટોરી લખી છે એ એટલી જબરજસ્ત છે કે દર્શકોને ધ એન્ડ સુધી ખુરસી પર જકડી રાખશે. હું ગેરન્ટી સાથે કહી શકું છું કે ફિલ્મ જોતી વખતે દર્શકોને વિચારવાનો સમય જ નહીં મળે એટલા ઝડપી ટ્વિસ્ટ અને ટર્ન આવતા રહે છે. અને જો એ કંઈ ધારતો હશે કે આવું બનશે તો એનાથી કંઇક અલગ જ વસ્તુ જોવા મળશે. અને સૌથી મોટી વાત કે મેં આ પ્રકારનું પાત્ર અગાઉ ક્યારેય ભજવ્યું નહોતુ. ઉપરાંત ફિલ્મની અવ્વલ દરજ્જાની ટીમ.

દિગ્દર્શક ધર્મેશ મહેતા સાથેનો અનુભવ કેવો રહ્યો?

ધર્મેશ મહેતા એકદમ ક્લેરિટીવાળા દિગ્દર્શક છે. તેમને કલાકાર પાસે શું જોઇએ છે એ અંગે એકદમ સ્પષ્ટ હોય છે. એટલું જ નહીં, કલાકારોમાં પૂર્ણપણે વિશ્વાસ રાખતા હોય છે. અને કલાકાર કોઈ સૂચન કરે અને યોગ્ય લાગે તો સ્વીકારે પણ ખરા. તેઓ જ્યારે સેટ પર હોય ત્યારે માહોલ એકદમ પોઝિટવ હોય છે, તમામ ક્રુ મેમ્બર ટેન્શન વગર કામ કરતા હોય છે. હકીકતમાં ધર્મેશ મહેતા જેવા દિગ્દર્શક સાથે કામ કરવો એક લ્હાવો છે.

ગુજરાતીમાં બિગ બજેટ ફિલ્મનું નિર્માણ કરનાર નિર્માતા રાજુ રાયસિંઘાનિયા વિશે તમારૂં શું કહેવું છે?

આટલી મોટી હસ્તી હોવા છતાં એકદમ ડાઉન ધ અર્થ વ્યક્તિ છે. એવું નથી કે તેમણે નિર્માતા તરીકે માત્ર બજેટ પર જ ધ્યાન આપ્યું છે. તેઓ વાર્તા, એની રજૂઆત કેવી રીતે થવી જોઇએ જેવી તમામ બાબતોની જાણકારી ધરાવે છે. ફિલ્મના હિત માટે જરૂર પડે લખલૂટ ખર્ચ કરવામાં પણ અચકાતા નહોતા. તેમણે પૂરી ટીમ પર વિશ્વાસ મુક્યો હતો. આવા નિર્માતા ભાગ્યે જ મળતા હોય છે.

બૉલિવુડમાં ફિલ્મ કર્યા બાદ ઘણા ગુજરાતી કલાકાર-કસબી ગુજરાતી ફિલ્મ કરવા તૈયાર થતા નથી, જ્યારે તમે અમિતાભ બચ્ચન, રિશી કપૂર, અક્ષયકુમાર સાથે ફિલ્મ કરી હોવા છતાં ગુજરાતી ફિલ્મ કરી રહ્યા છો…

જુઓ, ગુજરાતી મારી માતૃભાષા છે અને ગુજરાતી નાટકોને પગલે હું આ સ્થાને પહાંચ્યો હોઉં તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીને કેમ ભૂલી શકાય? હા, ફિલ્મના મેકર્સની સાથે મારૂં પાત્ર  અને ફિલ્મની વાર્તા કેવી છે એનું ખાસ ધ્યાન રાખું છું. બીજું, હું જે કઈ શીખ્યો એ માતૃભાષામાં શીખ્યો, પહેલો શબ્દ ગુજરાતીમાં સાંભળ્યો અને બોલ્યો તો ગુજરાતીમાં. એટલે હું જે કંઈ કરી રહ્યો છું એ ગુજરાતી ઇન્ડસ્ટ્રીને રીટર્ન ગિફ્ટ આપી રહ્યો છું. તમે ગુજરાતી સિવાયની મરાઠી ફિલ્મો કે સાઉથની ફિલ્મોના કલાકારો તેમની માતૃભાષાની ફિલ્મોને પ્રાધાન્ય આપતા હોય છે તો ગુજરાતીમાં કેમ નહીં?

તમે ઘણા મોટા કલાકારો સાથે સ્ક્રીન શેર કર્યો છે, અમિતાભ બચ્ચન અને રિશી કપૂર વિશે…

એક જ શબ્દમાં કહું તો અદભુત. તેમની સાથે કામ કર્યા બાદ તેમને લેજન્ડ શું કામ કહેવાય છે એની જાણ થઈ. આટલા મોટા કલાકાર હોવા છતાં કોઈ જાતનો ઘમંડ નહીં, પાત્રને જીવંત કરવા કોઈ કસર ન છોડે, ડિસિપ્લિનથી કામ કરે અને શીખવાની વૃત્તિ હજુ પણ અકબંધ.

ચીલઝડપમાં દર્શન જરિવાલા અને સુશાંત સિંહ જેવા તમારા સહકાલાકર સાથે કામ કરવાની મોજ પડી હશે નહીં?

ચોક્કસ. બંને જબરા કલાકાર છે. દર્શન જરીવાલા સાથે નાટકો સાથે સંકળાયેલા હોવાથી મનમેળ તુરંત થઈ ગયો. જ્યારે સુશાંત સિંહ પણ ઘમંડ વગરની વ્યક્તિ છે. મોજીલી વ્યક્તિ. અમારો રેપો પણ તુરંત થઈ ગયો. બિનગુજરાતી હોવા છતાં તેઓ ગુજરાતીમાં ડાયોલગ બોલતા. જો કોઈ શબ્દમાં સમજ ન પડે તો એનો અર્થ અને ઉચ્ચાર શરમાયા વગર પૂછી પણ લેતા. આવા ઉચ્ચ કોટિના કલાકાર સાથે રહી તમને ઘણું શીખવા મળતું હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here