થોડા દિવસ અગાઉ ગુજરાતી ફિલ્મ ચીલઝડપનું ટ્રેલર રિલીઝ થયું. ફિલ્મમાં બેન્ક લૂટ થાય છે અને એની તપાસ કરી રહેલા ડીસીપી ગોહિલની એન્ટ્રી થાય છે. પોલીસ અધિકારી ડીસીપી ગોહિલ ગળે સ્પોન્ડિલાઇટિસનો પટ્ટો પહેરી આવે ત્યારે લાગે કે આ અધિકારી પૂરી ફિલ્મ દરમ્યાન કૉમેડી કરતા નજરે પડશે. પરંતુ દર્શકો એમાં થાપ ખાઈ જાય છે. કારણ, ટ્રેલરના એ પછીના સીનમાં ગળે પટ્ટો હોવા છતાં ગોહિલના ધારદાર લૂકને જોઇ થાય કે આ અધિકારી વિચક્ષણ ભેજાવાળો છે. પોલીસ અધિકારીનું પાત્ર ભજવતો આ કલાકાર છે ગાંધી માય ફાધર માટે શ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ ઍવોર્ડ જીતનાર દર્શન જરિવાલા. ચીલઝડપ આવતા અઠવાડિયે રિલીઝ થઈ રહી છે ત્યારે દર્શન જરિવાલાએ ફિલ્મ ઉપરાંત ગુજરાતી ફિલ્મો વિશે મજેદાર વાતો ફિલ્મી ઍક્શનને જણાવી હતી.
ચીલઝડપના કેરેક્ટર ડીસીપી ગોહિલ અંગે જણાવતા દર્શન જરિવાલા કહે છે કે, એનો બાહ્ય દેખાવ અતરંગી જેવો છે પણ વિચક્ષણ ભેજાવાળો પોલીસ અધિકારી છે. બેન્કમાં થયેલી લૂંટના કેસની તપાસ દરમ્યાન એવા અનેક પ્રસંગો બને છે જેની કલ્પના પણ કરી ન હોય. પરંતુ અનેક કાવાદાવા અને આટાપાટા બાદ પોલીસ અસલી ગુનેગાર પાસે પહોંચે છે ત્યારે દર્શકોને જબરો આંચકો લાગશે.
ડીસીપી ગોહિલની એક અલગ ઇમેજ આપવા ગળે પટ્ટો પહેરાવાયો હતો? પ્રશ્નના જવાબમાં અભિનેતાએ જણાવ્યું કે અમારે ડીસીપી ગોહિલની એક અલગ ઓળખ બનાવવી હતી એટલે ગળામાં બેલ્ટ પહેરાવ્યો. શૂટિંગ દરમ્યાન પટ્ટો પહેરી રાખવાનો હોવાથી અગવડ પડતી પણ મેં એ અગવડને સગવડમાં બદલી નાખી. પાત્રને અલગ પોશ્ચર મળવાની સાથે બૉડી લેન્ગવેજ પણ પ્રભાવશાળી બની.
અગાઉ નિર્માતાઓ એવું માનતા કે ગુજરાતીમાં સામાજિક ફિલ્મો જ ચાલે, પરંતુ નવી પેઢીના સર્જકોએ સામાજિકને બદલે કૉમેડીનો ટ્રેન્ડ શરૂ કર્યો અને હવે ચીલઝડપ કૉમેડી થ્રિલર છે તો શું એ ટ્રેન્ડસેટર બની શકશે?
જુઓ ભાઈ, આપણે ફિલ્મ જોવા એટલા માટે જઇએ છીએ કે થોડા કલાકો માટે બધા ટેન્શન દૂર થાય અને મન હળવું ફૂલ જેવું થાય. ચીલઝડપ પણ મનોરંજનનો બધો મસાલો ધરાવતી ફિલ્મ છે અને દર્શકોને વિચારવાનો સમય પણ નહીં મળે. હું તો ત્યાં સુધી કહીશ કે ઇન્ટરવલમાં પોપકોર્ન-સમોસા લીધા હશે તો ખરચો માથે પડશે કારણ, તમારૂં ધ્યાન પરદા પર એવું ચોંટેલું રહેશે કે ખાવાની ચીજ મોં સુધી પહોંચશે જ નહીં. ગુજરાતીમાં પહેલીવાર થ્રિલર કૉમેડી બનાવવાની હિંમત નિર્માતા-દિગ્દર્શકોએ બતાવી છે એ એળે નહીં જાય.
આજની નવી પેઢીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સિકલ બદલી નાખી છે. તમે ગુજરાતી ફિલ્મની ઇનિંગ બે યાર સાથે કરી તો નવા સર્જકો અંગે તમે શું કહેશો?
નવા સર્જકો વૈવિધ્યસભર વિષયો સાથે ચીલો ચાતરનારી ફિલ્મ બનાવવાની હિંમત દાખવી રહ્યા છે. અને ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે આ શુભ સંકેત છે. અગાઉ જેટલી પણ ફિલ્મોને નેશનલ ઍવોર્ડ મળ્યા એ ગુજરાતી ફિલ્મની કેટેગરીમાં મળ્યા હતા. પરંતુ આ વરસે દેશની તમામ ભાષાની ફિલ્મમોને પાછળ રાખી એક ગુજરાતી ફિલ્મ નેશનલ ઍવોર્ડ મેળવ્યો. આ નવી પેઢીના સર્જકોની કમાલ છે.
અત્યાર સુધી ગુજરાતી નાટકો પરથી અનેક સફળ હિન્દી ફિલ્મો બની છે અને ચીલઝડપથી ઢોલિવુડમાં આ ટ્રેન્ડ શરૂ થઈ રહ્યો છે…
છેલ્લા ઘણા વરસોથી ગુજરાતી નાટક પરથી ગુજરાતી ફિલ્મ બની નથી એ વાત સાચી, અગાઉ લીલુડી ધરતી, મળેલા જીવ, ઝેર તો પીધા જાણી જાણી જેવા નાટકો પરથી ગુજરાતીમાં ફિલ્મો બની છે .પણ હા, નવા પ્રવાહમાં આ પહેલી ફિલ્મ કહી શકાય. ટ્રેન્ડ સારો છે પણ નાટક પરથી ફિલ્મને અનુરૂપ સ્ક્રિપ્ટ લખાય એ પણ મહત્ત્વનું છે.
છેલ્લે, દર્શકોને કોઈ અપીલ…
ના હું અપીલ કરવામાં માનતો નથી, હું યાચક નથી. હા, દર્શકોને હું ભાવભર્યું આમંત્રણ આપીશ કે આવો અને પૂરા પરિવાર સાથે ફિલ્મ જુઓ. ચીલઝડપ મનોરંજનનું પેકેજ છે જે તમામ પ્રકારના દર્શકોને મનોરંજન પૂરૂં પાડશે.