8 સપ્ટેમ્બર 1925માં અવિભાજિત પંજાબ (હાલ પાકિસ્તાનમાં)ના મોન્ટગોમરી જિલ્લાના સિલાનવાલા ગામમાં જન્મેલા એસ. મોહિન્દરને તેમના પિતા સુજાન સિંહ બક્ષી પાસેથી સંગીતનો પ્રેમ વારસામાં મળ્યો હતો. પિતા પોલીસ ડિપાર્ટમેન્ટમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. જોકે તેમને સંગીતનો પણ શોખ હતો અને વાંસળી વગાડતા હતા. તેમના નોકરીને કારણે પિતાની અનેક બદલીઓ થતી. પિતાની બદલી નાનકાના થઈ અને ત્યાં તેઓ ચાર વર્ષ રહ્યા હતા. અહીં એસ. મોહિન્દરે 1942માં મેટ્રિક સુધીનું ભણતર પૂરું કર્યું. મોહિન્દરને ગીતો ગાવાનો શોખ. એક દિવસ તેઓ ગુરુદ્વારા પાસેથી શબદ ગાતા પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમના અવાજથી પ્રભાવિત ગુરુએ અંદર બોલાવ્યા અને તેને તેમના સાંનિધ્યમાં લીધા. પરિવાર લૈલપુર ગયો હતો જ્યાં તેમણે શીખ ગુરુ ભાઈ સુજાન સિંઘ પાસે તાલીમ લીધી હતી. ઉપરાંત તેઓ બનારસના બડે રામદાસજી પાસેથી શાસ્ત્રીય સંગીત પણ શીખ્યા.

તેમનો પહેલો પ્રેમ ગાયકી હતો. મોહિન્દરનો પહેલો કાર્યક્રમ 40ના દાયકાની મધ્યમાં લાહોર રેડિયો પર આપ્યો હતો. આવી જ રીતે મે 1947માં લાહોર રેડિયો પર કાર્યક્રમ સમાપ્ત કર્યા બાદ સ્ટેશને જઈ લૈલપુરની ટિકિટ ખરીદી. એ સમયે પ્લેટફોર્મ પર ઝપાઝપી થઈ રહી હતી. લાંબા સમય સુધી ટ્રેન ન આવી ત્યારે તેમણે કૂલીને પૂછ્યું કે આ મામલો શું છે. કૂલીએ તેમને કહ્યું કે ટ્રેનમાં કત્લેઆમ થઈ રહી છે. એ સાથે કૂલીએ સલાહ આપી કે જો જીવ બચાવવા માંગતો હોય તો ફ્રન્ટિયર મેલ સ્ટેશન પર ઊભી છે એમાં ચડી જા.

ટિકિટ વગર બૉમ્બે પહોંચ્યા. પાસે ફૂટી કોડી ન હોવાથી તેમણે દાદર ખાતે ગુરુદ્વારામાં આશરો લીધો. પરંતુ ગુરૂદ્વારામાં માત્ર એક અઠવાડિયું રોકાવાની પરવાનગી હતી. અઠવાડિયું પૂરૂં થવાને એક દિવસની વાર હતી ત્યારે તેમને જણાવવામાં આવ્યું કે કાલે બીજી જગ્યા ગોતી લેજે. એસ. મોહિન્દરે હિંમત કરી મેનેજમેન્ટને કહ્યું કે એ શબદ ગાઈ શકે છે. મેનેજમેન્ટને તેમની ગાયકી ગમી અને દાદર ગુરૂદ્વારામાં રહેવાની મંજૂરી મળી ગઈ. એટલું જ નહીં તેમને શબદ ગાવા માટે પૈસા પણ મળતા હતા જેનો ઉપયોગ તેઓ કામ શોધવા માટે કરતા હતા. એસ. મોહિન્દરને નસીબ યારી આપી રહ્યું હતું. તેમની મુલાકાત સુરૈયા સાથે થઈ. અણમોલ ઘડીની રિલીઝ સમયે લાહોર ગયેલી સુરૈયાની મુલાકાત એસ. મોહિન્દર સાથે થઈ ત્યારે ગાયિકા-અભિનેત્રીએ મુંબઈ આવે ત્યારે મળવા કહ્યું હતું.

એસ. મોહિન્દરને પહેલો બ્રેક સેહરા (1948) ફિલ્મમાં મળ્યો. ફિલ્મમાં ગોવિંદાના માતા-પિતા અરૂણ આહુજા અને નિર્મલા દેવી મુખ્ય ભૂમિકામાં હતાં. ફિલ્મના મોટાભાગનાં ગીતો અરૂણ આહુજા અને નિર્મલા દેવીએ ગાયાં હતા. જોકે ફિલ્મનું એક ગીત દિલ ઉડા કે લે ચલ તેમણે ગાયું હતું. 1950માં આવેલી શાદી કી રાત ફિલ્મનું લતા મંગેશકરનું ગીત સુપરહિટ થયું હતું. એ સમયે સરદાર તરીકે વિખ્યાત રણજીત મૂવીટોનના ચંદુલાલ શાહ તેમના સંગીતથી ઘણા પ્રભાવિત થયા અને તેમણે દેવ આનંદ-સુરૈયા અભિનીત નીલી ફિલ્મ ઑફર કરી. જોકે તેમણે એક શરત મુકી કે સુરૈયાને તેમનાં ગીતો પસંદ પડવા જોઇએ. સુરૈયાએ ગ્રીન સિગ્નલ આપતા ચંદુલાલ શાહે 10 હજાર રૂપિયામાં એસ. મોહિન્દરને સંગીતકાર તરીકે કરારબદ્ધ કર્યા. ફિલ્મનાં ગીતો ઘણા હિટ થયા પણ બૉક્સ ઑફિસ પર ફિલ્મ પીટાઈ ગઈ. જોકે રણજિત મૂવીટોને આગામી ફિલ્મ બહાદુર અને પાપીમાં રિપીટ કર્યા. ત્યાર બાદ તેમની નાતા (1955) ફિલ્મનાં ગીતોએ પણ ધૂમ મચાવી.

જોકે એસ. મોહિન્દરની 1956માં આવેલી ફિલ્મ શિરીન ફરહાદ ફિલ્મનું ગીત ગુઝરા હુઆ ઝમાના આતા નહીં દુબારા હાફિઝ ખુદા તુમ્હારા અજરામર બની ગયું. આજે પણ આ ગીત બધાને યાદ છે પણ એના ગીતકારનું નામ યાદ નહીં હોય. તેમણે 60ના દાયકાના અંત સુધી સંગીત આપ્યું હતું. ત્યાર બાદ તેઓ અમેરિકા જઈને વસ્યા.

હિન્દી ફિલ્મોની સાથે પંજાબી ફિલ્મોના તેઓ સ્ટાર સંગીતકાર હતા. તેમને નાનક નામ જહાજ હૈ ફિલ્મ માટે નેશનલ અવૉર્ડ મળ્યો હતો. તેમણે સંગીતકાર તરીકેની કરિયરના અંતિમ તબક્કામાં ફિલ્મ નિર્માણ પર પણ હાથ અજમાવ્યો હતો પણ તેમને સફળતા મળી નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here