ગોળકેરી (અથાણુ) એના નામ પ્રમાણે ખાટા-મીઠા સ્વાદનો આસ્વાદ કરાવે છે એ રીતે જિંદગીની ખાટીમીઠી વાતો માનસી પારેખ, મલ્હાર ઠાકર, વંદના પાઠક અને સચીન ખેડેકર ગોળકેરી નામની મજેદાર ગુજરાતી ફિલ્મમાં લઈને આવી રહ્યા છે. વેબ સિરીઝમાં સાથે કામ કરી ચુકેલા માનસી અને મલ્હાર પહેલીવાર મોટા પરદે સાથે જોવા મળશે. કૉમેડી ડ્રામા ફિલ્મનું દિગ્દર્શન વિરલ શાહનું છે તો એના નિર્માતા છે વિખ્યાત ગાયક પાર્થિવ ગોહિલ અને માનસી પારેખ.

ગોળકેરીની વાત એક રાતની છે જેમાં આ ચારેય પાત્રોની વાત આલેખવામાં આવી છે. સાહિલ (મલ્હાર ઠક્કર) અને હર્ષિતા (માનસી પારેખ-ગોહિલ) રાતોરાત તેમના બે વરસના આત્મીય સંબંધો પર પૂર્ણવિરામ મુકવાનો નિર્ણય લે છે. ગોળકેરીમાંની કેરી બંને વચ્ચે ગમે તેટલી ખટાશ લાવવાનો પ્રયાસ ભલે કરતી હોય પણ ગોળ (વંદના પાઠક-સચીન ખેડેકર) બંને વચ્ચે મીઠાશ ભર્યા સંબંધો રહે એ માટે પ્રયત્નશીલ છે. સાહિલ-હર્ષિતા જેટલા દૂર જવાના પ્રયાસો કરે છે તેટલા બંને વિચિત્ર પરિસ્થિતિમાં અટવાતા જાય છે. અને આવી પરિસ્થિતિ સર્જે છે ખુદ તેમના માતા-પિતા. જોકે તેમનું લક્ષ્ય છે બંનેને ભેગા કરવાનું.

એક નવા અને ફ્રેશ કન્સેપ્ટ લઈને આવેલા દિગ્દર્શક વિરલ શાહ કહે છે કે, આ ફિલ્મ દર્શકોને ફિલ ગુડનો અનુભવ કરાવશે. મારા માટે આનંદની વાત છે કે હિન્દી ફિલ્મ સિરિયલોના દિગ્ગજ કલાકારો સાથે મને કામ કરવાનો અવસર મળ્યો. માનસી અને પાર્થિવ ગોહિલે ફિલ્મનું નિર્માણ કર્યું છે. મને આનંદ એ વાતનો છે કે સંબંધોનો મહિમા દર્શાવતી ગોળકેરી 28 ફેબ્રુઆરીના રિલીઝ થઈ રહી છે.

નિર્માતા તરીકેની પહેલી ફિલ્મના અનુભવો જણાવતા પાર્થિવ કહે છે કે, હું હંમેશ એક મ્યુઝિશિયન અને મ્યુઝિક પ્રોડ્યુસર તરીકે મારા લાઇવ શો કરવામાં વ્યસ્ત રહું છું. નિર્માતા તરીકે આ મારી પહેલી ફિલ્મ છે. મને ખબર છે કે તમે પૂછશો કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની નજીક હોવા છતાં ગુજરાતી ફિલ્મ કેમ બનાવી? સ્વાભાવિક છે આવો પ્રશ્ન ઉદભવે. પણ મને મારી માતૃભાષા પ્રત્યે ખૂબ જ લાગણી છે. અને મારા મોટા ભાગના શો ગુજરાતી ગીત-સંગીત પર આધારિત જ હોય છે. અને જો હું ફિલ્મ બનાવવાનું નક્કી કરૂં તો સ્વાભાવિક છે કે ગુજરાતીમાં જ બનાવું. હા, અમે બધાએ એક સારી ફિલ્મ બનાવવાનો પ્રયાસ કર્યો છે અને મને આશા છે કે અત્યાર સુધી મને જેટલો પ્રેમ આપ્યો છે એટલો મારી ફિલ્મને પણ મળશે. ફિલ્મ નિર્માણનો અનુભવ સુપર્બ રહ્યો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી તમામ વ્યક્તિએ મને ટેકો આપવાની સાતે જબરજસ્ત પ્રોત્સાહન આપ્યું.

જ્યારે હિન્દી સિરિયલો, વેબ સિરીઝમાં અભિનય કરી ચુકેલી માનસીની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે. મજાની વાત એ છે કે માનસી ફિલ્મની નિર્માત્રી પણ છે. એક અભિનેત્રી અને નિર્માત્રી તરીકેની બેવડી જવાબદારીનો અનુભવ કેવો રહ્યો પ્રશ્નના જવાબમાં માનસી કહે છે કે હકીકતમાં બે ઘોડે સવારી કરવા જેવો રસપ્રદ અનુભવ હતો. અભિનેત્રી તરીકે મારે દિગ્દર્શકના આદેશનું પાલન કરવાનું હોય છે. જ્યારે નિર્માત્રી તરીકે મારે શિરે પૂરા યુનિટની જવાબદારીની સાથે ફિલ્મ નિર્માણના તમામ વિભાગો સાથે સમન્વય સાધવાનો હતો. હકીકતમાં ઘણો રોચક અનુભવ. ફિલ્મ થકી અમે દર્શકોને કહેવા માંગીએ છીએ કે સંબંધો ગોળકેરી જેવા ખાટામીઠા હોય છે જે સમય સાથે વધારે ઘનિષ્ઠ થતા જાય છે.

ફિલ્મનું એક ખાસ આકર્ષણ છે સોણી ગુજરાત ની ગીત. આ ગીત બીજા કોઈએ નહીં પણ દેશ-વિદેશમાં પ્રખ્યાત એવા મિકા સિંહે ગાવાની સાથે કમ્પોઝ પણ કર્યું છે. મિકાની સાથે પાર્થિવે પણ પોતાનો કંઠ આપ્યો છે.

સોલ સૂત્ર દ્વારા નિર્મિત ગોળકેરી 28 ફેબ્રુઆરીએ દેશભરમાં રિલીઝ થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here