શૂન્યમાંથી સર્જન કરનાર કોઈ પણ વ્યક્તિનું જીવન ચરિત્ર વાંચશો તો દરેકમાં એક સામ્યતા જોવા મળશે. તેમણે ધારેલાં લક્ષ્યને હાંસલ કરવા જે તપશ્ચર્યા કરી રહ્યા હતા ત્યારે તેમને કોઈ મેનકા (મહેણા-ટોણા, મશ્કરી કે મની ફેક્ટર) તેમના મનને વિચલિત કરી શકી નહોતી. મહાભારતમાં અર્જુને જ્યારે મત્સ્ય વેધ કર્યો ત્યારે એનું લક્ષ્ય માત્ર માછલીની આંખ પર જ કેન્દ્રિત હતું. સ્વયંવરમાં અનેક મહાયોદ્ધા હોવા છતાં કોઈની શેહમાં આવ્યા વિના અર્જુને મત્સ્ય વેધ કર્યો હતો. આ બંને પ્રસંગો આપણને એક નહીં, અનેક બાબતો શીખવી જાય છે. ધ્યેયને હાંસલ કરવા જરૂરી છે મજબૂત મનોબળ. જીવનમાં સફળતા મેળવવા ધન સંપત્તિ, પરિવારજનોનું પ્રોત્સાહન મળે એ જરૂરી છે, પણ એના વગર પણ ઘણા પોતાની મંઝીલે પહોંચ્યા છે અને એક સમયે જેઓ વખોડતા તેઓ આવી સફળ વ્યક્તિને માન-સન્માન આપવા દોડી આવે છે.

મિત્રો, ફિલ્મી ઍક્શનમાં આપણે કોઈ ફિલોસોફીની કોલમ શરૂ નથી કરી પણ, ગુજરાતીમાં પહેલીવાર એક એવી ફિલ્મ આવી રહી છે જે યુવાનોને તેમની પસંદગીની કરિયર બનાવવાની પ્રેરણા આપશે. કરિયર બનાવવી એટલે ડૉક્ટર કે એન્જિનિયર બનવું એવું નથી. આજે એવા અનેક ફિલ્ડ છે જેમાં યુવાનો નામ અને દામ બંને કમાઈ શકે છે. “સફળતા 0 કિમી”માં પણ એક એવા યુવાનની વાત આલેખવામાં આવી છે જે ઘરની સાથે બહારની દુનિયાના તમામ અવરોધો પાર કરી પોતાના લક્ષ્યને હાંસલ કરે છે. અને આવા મહત્ત્વના વિષય પર ફિલ્મ લાવી રહ્યા છે પિનલ પટેલ. વીસ વરસ અમેરિકામાં બિઝનેસ કર્યા બાદ વતન પ્રત્યેની લાગણીને કારણે ભારત પાછા આવેલા ગુજરાતમાં ડેરી ફાર્મિંગમાં આગવું સ્થાન મેળવનાર પિનલ પટેલે મનોરંજક શૈલીમાં યુવાનોને માર્ગદર્શન આપવાનો પ્રયાસ કર્યો છે. ડેરી ઉદ્યોગથી ફિલ્મ ઉદ્યોગમાં કેવી રીતે એન્ટ્રી થઈ સુધીની વાતો ફિલ્મી ઍક્શન સાથે કરી હતી.

પિનલ પટેલ કહે છે કે તેઓ અમેરિકામાં બિઝનેસ કરતા હતા પરંતુ વતન પ્રત્યેના પ્રેમને કારણે પાછા ભારત આવ્યા અને ડેરી ફાર્મિંગનો બિઝનેસ શરૂ કર્યો. જોકે મેં કદી વિચાર્યું નહોતું કે હું ફિલ્મ નિર્માતા બનીશ. હા, ફિલ્મો જોવાનો શોખ ખરો. દરમ્યાન કૉમને ફ્રેન્ડ થકી અક્ષય યાજ્ઞિક સાથે ઓળખાણ થઈ. એની પાસે એક સ્ક્રિપ્ટ હતી જેના પરથી ફિલ્મ બનાવવાની ઘણા સમયથી કોશિશ કરી રહ્યો હતો. વાતચીત દરમ્યાન અક્ષયે મને સ્ક્રિપ્ટ વિશે જણાવ્યું. જસ્ટ કુતુહલવશ મેં ફિલ્મની વાર્તા સાંભળી અને મને એટલી પસંદ પડી કે એના પરથી ફિલ્મ બનાવવાનું મેં નક્કી કર્યું. અક્ષય મને મળ્યો એ અગાઉ એણે અનેક સાથે વાત કરી હતી બધાને સ્ક્રિપ્ટ પસંદ પડતી પરંતુ ફિલ્મનું બજેટ વધારે હોવાથી કોઈ જોખમ લેવા માંગતું નહોતું. અક્ષય મારી પાસે આવ્યો એ અગાઉ એણે ફિલ્મના કલાકારો વગેરેની પસંદગી કરી હતી. ફિલ્મની વાર્તા ડાન્સને જ પોતાની કરિયર બનાવવા માંગતા એક યુવાનની છે જે તમામ અવરોધો પાર કરી પોતાના ધ્યેયને હાંસલ કરે છે. ફિલ્મના હીરો ધર્મેશ યેલાંડેની જીવની પણ કંઇક આ પ્રકારની જ છે. મૂળ વડોદરાના આ ડાન્સરે પણ અનેક મુસીબતોનો સામનો કરી બૉલિવુડમાં આગવું સ્થાન બનાવ્યું છે.

ફિલ્મનું ટાઇટલ સફળતા 0 કિમી રાખવાનું કોઈ ખાસ કારણ?

અમારી ફિલ્મનું ટાઇટલ પરથી જ ખ્યાલ આવે છે કે તમે તમારો ધ્યેય નક્કી કરો અને એ હાંસલ કરવા તમારૂં પૂરૂં ધ્યાન કેન્દ્રિત કરો એ જ તમારા માટે સ્ટાર્ટિંગ પોઇન્ટ છે અને અહીંથી જ તમારી કરિયરને નવો વળાંક આપી શકો છો. હકીકતમાં કરિયર શેમાં બનાવવી એ એક યુનિવર્સલ પ્રશ્ન છે. આ કથા પરથી હિન્દીમાં પણ ફિલ્મ બનાવી શકાય પણ મારે મારી માતૃભાષામાં જ ફિલ્મ બનાવવી હતી.

ફિલ્મ બનાવવી એ એક બ્લાઇન્ડ ગેમ છે, અને તમે તો બિગ બજેટ ફિલ્મ બનાવી છે તો…

તમે શું પૂછવા માંગો છો એ હું સમજી ગયો. પણ અમારી ફિલ્મનું હાર્દ જ છે કે તમારે ચીલો ચાતરી આગળ વધવું હોય તો જોખમ લેવું જ પડે. અને કવિ નર્મદે કહ્યું છે ને કે યા હોમ કરી પડો ફતેહ છે આગે… બસ, અમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જંપલાવ્યું છે અને સફળતા મેળવીને જ રહીશું. “સફળતા 0 કિમી” બનાવવામાં અમે કોઈ કચાશ છોડી નથી. આધુનિક ટેક્નિકનો ઉપયોગ કરી બૉલિવુડ સ્તરની ફિલ્મ બનાવવાનો પ્રયાસ કર્યો છે. અને મને આશા છે કે 14 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહેલી “સફળતા 0 કિમી” માત્ર યુવાનો જ નહીં, પરિવારના તમામ સભ્યોને ગમશે.

14 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહેલી RZ એન્ટરટેઇન્મેન્ટ પ્રા. લિમિટેડ બેનર હેઠળ બનેલી અક્ષય યાજ્ઞિક દિગ્દર્શિત ફિલ્મના મુખ્ય કલાકારો છે ધર્મેશ યેલાંડે, નિકુંજ મોદી, મનીષા ઠક્કર, શિવાની જોશી, તરૂણ નિહિલાની, શિવાની પટેલ, ધર્મેશ વ્યાસ, કુરુષ દેબુ, ઉદય મોદી, પૌરવી જોશી અને શિવમ તિવારી. પંકજ કંસારા લિખિત ફિલ્મનું સંગીત વીરલ-લાવણનું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here