ગુજરાતની સંસ્કૃતિ, સાહિત્ય પરથી બૉલિવુડમાં અનેક ફિલ્મો બની છે તો ગુજરાતના વિશ્વ વિખ્યાત ગરબાઓ તો અનેક હિન્દી ફિલ્મોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગરબા લોકપ્રિયતા તો હતા પણ હિન્દી ફિલ્મોએ એને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવી. અનેક હિન્દી ફિલ્મોમાં સામેલ કરાયેલા ગુજરાતના પારંપારિક ગરબા કે દાંડિયા રાસ આજે પણ દેશ-વિદેશની નવરાત્રિમાં ગવાતા હોય છે. ચાલો, એક નજર કરીએ લોકપ્રિય ગરબા ગીતો પર.

ઢોલિ તારો ઢોલ બાજે (હમ દિલ દે ચુકે સનમ-૧૯૯૯)

બૉલિવુડના ગરબાની યાદી આ ક્લાસિક ગીત વગર અધૂરી છે. સંજય લીલા ભણશાળીની ફિલ્મમાં ઐશ્વર્યા રાય અને સલમાન ખાન પર ફિલ્માવાયેલો ગરબો ઇસ્માઇલ દરબારની શ્રેષ્ઠ રચનાઓમાંની એક ગણાય છે. નવરાત્રિ ઉત્સવ જાણે આ ગરબા વગર અધૂરો ગણાય છે.

છોગાળા… (લવયાત્રિ-૨૦૧૮)

નવરાત્રિનું લેટેસ્ટ એનર્જેટિક સોંગ છે આયુષ શર્મા અને વરિના હુસેન પર ફિલ્માવાયેલું છોગાળા તારા… છે. ફિલ્મમાં નવરાત્રિ અને એનો ગરબો મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

નગારા સંગ ઢોલ (ગલિયોં કી રાસલીલા રામ-લીલા-૨૦૧૩)

ગુજરાતી સર્જક સંજય લીલા ભણશાળીની ફિલ્મ ગલિયોં કી રાસલીલી રામ-લીલાનો ગરબો નગારા સંગ ઢોલ દીપિકા પદુકોણ અને રણવીર સિંહ પર ફિલ્માવાયો હતો. રાસલીલામાં બંને કલાકારની કેમિસ્ટ્રીની સાથે સંજય લીલા ભણશાળીના ભવ્ય સેટનું ગજબનું કોમ્બિનેશન જોવા મળ્યું હતું.

ઉડી ઉડી જાય (રઇસ-૨૦૧૭)

શાહરૂખ ખાન અને માહિરા ખાન પર ફિલ્માવાયેલા ગરબામાં સ્પિરિટ ઑફ ગુજરાત જોવા મળે છે. રામ સંપતની કર્ણપ્રિય ધૂન અને અફલાતૂન સેટ ગીતની સુંદરતામાં ઓર ઉમેરો કરે છે. યુવા ખેલૈયાઓના ફેવરિટ ગરબાની લોકપ્રિયતાનું એક કારણ શાહરૂખ ખાન પણ હોઈ શકે કારણ એ કદાચ પહેલીવાર ગરબો રમ્યો હશે.

શુભારંભ (કાઇ પો છે-૨૦૧૩)

સંગીતકાર અમિત ત્રિવેદીએ આ મજેદાર ગરબામાં પારંપારિક સંગીતની સાથે વેસ્ટર્ન બીટ્સને સુંદર રીતે વણી લીધા છે. ફિલ્મનું બેકડ્રોપ પણ ગુજરાત હોવાથી ગરબા-રાસને ખૂબ સુંદર રીતે કચકડામાં કંડારાયો છે. એમાંય ગરબાના ગુજરાતી શબ્દો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

ઓ શેરોંવાલી (સુહાગ-૧૯૭૯)

બૉલિવુડના ગરબાઓમાં અમિતાભ બચ્ચન અને રેખા પર ફિલ્માવાયેલો સુહાગ ફિલ્મનો રાસ ઓ શેરોંવાલી તુરંત નજર સમક્ષ આવી જાય. અમિતાભ બચ્ચન અને રેખાના સંબંધોની વાતો જ્યારે પૂરજોશમાં ચાલી રહી હતી ત્યારે આવેલા આ રાસ-ગરબામાં તેમની કેમિસ્ટ્રી ગજબની લાગી રહી હતી. ગીતના શબ્દો, ધૂન, રફી-આશાનો અવાજ અને માતાજીનું ભવ્ય મંદિર… નવરાત્રિનો ગજબનો માહોલ સર્જાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here