ગાંધીજી, બાપુ, મહાત્મા, રાષ્ટ્રપિતા… જેવા અનેક નામે જાણીતા, દેશને અહિંસક આંદોલનથી આઝાદી અપાવનાર મોહનદાસ કરમચંદ ગાંધી આજે નોટોથી ફોટો સુધી સીમિત રહી ગયા છે. આજની યુવા પેઢીમાં પણ ગાંધીજી વિશે એટલી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે કે તેમને હીરોને બદલે વિલન ગણી રહી છે. પરંતુ હકીકત એ છે કે આજે પણ ગાંધી વિચારધારા દેશને માત્ર તારવાનું જ નહીં, પણ દુનિયાની ટોચે લઈ જવાનું સામર્થ્ય ધરાવે છે. કદાચ ગાંધીજીએ નેહરૂને વડાપ્રધાન બનાવવાની સાથે પાકિસ્તાનને રૂપિયા આપવાની કરેલી જીદ એનું કારણ હોઈ શકે. જોકે આપણે અહીં રાજકારણની નહીં પણ ગાંધી વિચારધારાને આજની યુવા પેઢી કઈ દૃષ્ટીથી નિહાળે છે અને તેમનામાં ફેલાયેલી ગેરસમજ દૂર કરવાનો પ્રયાસ પણ એક યુવાન બકુલ ગાંધી જેમાં કરી રહ્યો છે એ ફિલ્મ બોલ ગાંધી બોલની વાત કરવી છે.

જી, ગાંધીજીની વિચારધારા પર બની રહેલી આ કદાચ પહેલી ગુજરાતી ફિલ્મ હોઈ શકે (જો કોઈ ફિલ્મ બની હોય તો જણાવવા વિનંતી). બોલ ગાંધી બોલ એક એવા યુવાન બકુલ ગાંધી (યતીન પરમાર)ની વાત છે જે ગાંધી વિચારધારાએ રંગાયેલો છે અને ગુજરાત ભ્રમણ કરી ગાંધીજી વિશેની ભ્રામક માન્યતાઓ દૂર કરવાની સાથે ગાંધી વિચારધારાનું માહાત્મ્ય સમજાવે છે.

તમને થશે કે આ તો ઉપદેશાત્મક ફિલ્મ હશે, પણ એવું નથી. ફિલ્મના લેખક-દિગ્દર્શક સંદીપ મનોહર નવરે કહે છે કે આ ફુલલેન્થ મનોરંજક ફિલ્મ છે પણ એના કેન્દ્રમાં ગાંધી વિચારધારા છે. એટલું નહીં, હું પૂરા આત્મવિશ્વાસ સાથે કહીશ કે આજની યુવા પેઢીને આ ફિલ્મ ઘણી પસંદ પડશે.

ફિલ્મના લેખક-દિગ્દર્શક ઉપરાંત નિર્માતા એવા સંદીપ નવરેએ અનેક સુપર હિટ મરાઠી ફિલ્મ-ટીવી સિરિયલ-વેબ સિરીઝ બનાવી છે. તેમની ફિલ્મોને મહારાષ્ટ્ર સરકારના અનેક ઍવોર્ડ પણ મળ્યા છે. તેઓ ગાંધી બોલ ગાંધી પણ મરાઠીમાં બનાવવા માંગતા હતા પરંતુ ગાંધીજી મૂળ ગુજરાતના હોવાથી ફિલ્મ ગુજરાતીમાં બનાવવાનો નિર્ણય લીધો.

એસ. કે. પિક્ચર્સ એન્ડ સ્ટુડિયોઝ બેનર હેઠળ બની રહેલી ગાંધી બોલ ગાંધીના નિર્માતા છે અમિત પંડ્યા અને સંદીપ નવરે. સંગીત ફાલ્ગુન ભટ્ટનું છે તો ગીતો નૈષધ મકવાણા અને ભરત ભટ્ટનાં છે. લેખક-દિગ્દર્શક સંદીપ નવરેની ફિલ્મ ગાંધી બોલ ગાંધીના કલાકારો છે યતીન પરમાર,  જિયા ચૌહાણ, દીપક ઘીવાલા, ઉદય મોદી, જયશ્રી પરીખ, નિકુંજ મોદી. ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન ચાલી રહ્યું છે અને દિવાળીમાં રિલીઝ કરવાની યોજના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here