૨૫ સપ્ટેમ્બરના દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે મુંબઈ ઍરપોર્ટ પાસે આવેલી સહારા સ્ટાર હોટેલ ખાતે તેમની બાયોપિક દીનદયાળ – એક યુગપુરૂષનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફિલ્મના કલાકારો ઇમરાન હસ્ની, દીપિકા ચિખલિયા, અનિતા રાજ, નિખિલ પિતલે ઉપરાંત ફિલ્મની નિર્માત્રી રેશમ સાહુ, લેખક ધીરજ મિશ્રા, દિગ્દર્શક મનોજ ગિરિ સહિત અન્ય કલાકાર કસબીઓ ઉપિસ્થત રહ્યા હતા.

આરએસએસના ચિંતક અને સંગઠનકર્તા તરીકે સેવા આપ્યા બાદ સક્રિય રાજકારણમાં આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભારતીય જનસંઘના અધ્યક્ષ તરીકે સેવા આપનાર પંડિતજીના જીવનકવન પર બનેલી ફિલ્મ તેમના જીવનના અનેક પહેલુઓને ઉજાગર કરે છે. સ્કૂલ-કૉલેજમાં આવ્યા ત્યાં સુધીમાં પરિવારના તમામ સભ્યોને ગુમાવી ચુક્યા હોવા છતાં અંગત જીવનના બધા ઘાને ભૂલી રાષ્ટ્ર સેવામાં લાગી ગયેલા દીનદયાળનું મૃત્યુ પણ રહસ્યમય હતું. પંડિતજી જનસંઘના અધ્યક્ષ હતા એ સમયગાળા દરમ્યાન જ ટ્રેનમાં જઈ રહ્યા હતા ત્યારે હત્યા કરવામાં આવી હતી. ફિલ્મમાં તેમના મૃત્યુના રહસ્યને પણ ઉજાગર કરવાનો પ્રયાસ કરાયો છે. ક્રાઇમ પેટ્રોલ, સાવધાન ઇન્ડિયા જેવા અનેક ટીવી શોનું દિગ્દર્શન કરી ચુકેલા મનોજ ગિરિએ ફિલ્મ અંગે જણાવતા કહ્યું કે, ફિલ્મ ભલે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની બાયોપિક હોય, પરંતુ તમે એમાં થ્રિલ પણ અનુભવશો.

દીનદયાળ ફિલ્મથી બૉલિવુડની એક સમયની ટોચની હીરોઇન અનિતા રાજ પુનરાગમન કરી રહી છે. ફિલ્મમાં એણે દીનદયાળ ઉપાધ્યાયની માનેલી બહેન લલિતા ખન્નાનું પાત્ર ભજવ્યું છે. તો રામાયણ સિરિયલમાં સીતાની ભૂમિકા ભજવી વિખ્યાત બનેલી દીપિકા ચિખલિયા ફિલ્મમાં પત્રકારની ભૂમિકામાં છે. આ પ્રસંગે દીપિકાએ જણાવ્યું હતું કે એ પહેલીવાર ફિલ્મમાં નેગેટિવ કેરેક્ટર ભજવી રહી છે. દીપિકા લગભગ પચીસેક વરસના ગાળા બાદ ગુજરાતી ફિલ્મ નટસમ્રાટમાં દેખાઈ હતી તો હિન્દીમા દીનદયાળ કમબેક ફિલ્મ ગણી શકાય. જોકે આ ફિલ્મ એટલા માટે ચેલેન્જિંગ છે કેમકે મારી સીતાની ઇમેજ એટલી સજ્જડ છે કે રામાયણ પૂરી થયાને બે-ત્રણ દાયકા થયા હશે તો પણ લોકો મને સીતામાતા તરીકે જ ઓળખે છે.

૧૫ નવેમ્બરે રિલીઝ થઈ રહેલી ફિલ્મમાં દીનદયાળ ઉપાધ્યાયની કેન્દ્રિય ભૂમિકા ઇમરાન હાસ્નીએ ભજવી છે. લાઇમલાઇટથી દૂર રહેતા પણ અભિનયમાં એક્કા એવા ઇમરાને જણાવ્યું કે ફિલ્મની ઑફર આવી ત્યાં સુધી દીનદયાળ વિશે કોઈ જાણકારી નહોતી. પણ ભૂમિકાને ન્યાય આપવા જે સાહિત્ય ઉપલબ્ધ હતું એનો અભ્યાસ કયાર્યો. તેમની બૉડી લેન્ગ્વેજને આત્મસાત કરી. હવે ફિલ્મ રિલીઝ થયા બાદ  ફિલ્મમાં દીનદયાળની ભૂમિકાને કેટલો ન્યાય આપી શક્યો છું એ તમારે નક્કી કરવાનું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here