લતા મંગેશકરનાં અવસાનના આઘાતમાંથી હજુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી બહાર આવી નથી ત્યાં દિગ્ગજ સંગીતકાર બપ્પી લાહિરીના અવસાનના સમાચાર આવ્યા. ભારતમાં ડિસ્કો અને પૉપ મ્યુઝિકને આગવી ઓળખ આપનાર ગાયક-કમ્પોઝર બપ્પી લાહિરીએ 69 વર્ષની વયે જુહુ સ્થિત ક્રિટી કેર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.
બપ્પી લાહિરી છેલ્લા થોડા દિવસોથી બીમાર હતા અને ડૉક્ટર્સના જણાવ્યા મુજબ તેઓ એકાદ વરસથી ઑબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા (ઓએસએ)થી પીડાતા હતા. ઓએસએ ઉંઘ સંબંધિત એક બ્રીધિંગ ડિસઑર્ડર છે. આને કારણે સૂતી વખતા શ્વાસ અવારનવાર અટકીને ચાલે છે. આ બીમારીને કારણે શ્વાસ ઉંઘમાં જ અટકી જાય છે અને એની જાણ દરદીને પણ થતી નથી.
80-90ના દાયકામાં ભારતમાં ડિસ્કો સંગીતને લોકપ્રિય બનાવનાર ગાયક-સંગીતકાર બપ્પી લાહિરીની એમના ટ્રેડ માર્ક જેવા સોનાના દાગીના અને ખાસ સ્ટાઇલની ચશ્માની ફ્રેમને કારણે પણ આગવી ઓળખ બની હતી. 70-80ના દાયકાના અંતમાં અનેક ફિલ્મો એના સંગીતને કારણે લોકપ્રિય બની હતી. જેમાં ચલતે ચલતે, ડિસ્કો ડાન્સર અને શરાબી સામેલ છે. બપ્પીદાનું છેલ્લું ગીત 2020માં આવેલી બાગી-3નું ભંકસ હતું. બપ્પીદાએ ગૉલ્ડ મેન તરીકે એક કૉલ્ડ ડ્રિન્કની જાહેરાતમાં પણ કામ કર્યું હતું. તો 2014માં તેઓ ભાજપમાં જોડાયા અને શ્રીરામપુર લોકસભા બેઠકથી ચૂંટણી લડ્યા પણ હારી ગયા.
બપ્પીદાએ તેમનો 69મો જન્મ દિવસ નવેમ્બરમાં જ ઉજવ્યો હતો. ત્યારે તેમને શુભેચ્છા આપવામાં લતા મંગેશકર પણ હતાં. તેમણે એક જૂનો ફોટો પોસ્ટ કરી લખ્યું હતું, હેપ્પી બર્થ ડે બપ્પી. ઈશ્વર તમને હંમેશ સ્વસ્થ અને ખુશ રાખે.
6 ફેબ્રુઆરીએ લતા મંગેશકરના અવસાન બાદ બપ્પીદાએ ઇન્સ્ટાગ્રામ પર એક જૂનો પણ યાદગાર ફોટો મુકી લખ્યું હતું,.. મા.
હકીકતમાં લતા મંગેશકરને બપ્પીદાના સપોર્ટ સિસ્ટમ માનવામાં આવતા હતા. લતાએ જ બંગાળી ફિલ્મ દાદુમાં બપ્પીએ સ્વરબદ્ધ કરેલું પહેલું ગીત ગાયું હતું. બૉલિવુડમાં આમિર ખાનના પિતા તાહિર હુસેનની ફિલ્મ જખ્મી બપ્પી લાહિરીની પહેલી હિટ ફિલ્મ હતી. આ ફિલ્મનાં ગીતો અભી-અભીથી દુશ્મની અને આઓ તુમ્હેં ચાંદ પે લે જાઉં આજે પણ એટલાં જ લોકપ્રિય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બપ્પીદાએ એક ગુજરાતી ફિલ્મમાં પણ સંગીત પીરસ્યું હતું. તાહિર હુસેને મેહુલ કુમારના દિગ્દર્શનમાં બનાવેલી જનમ જનમના સાથી ફિલ્મનું સંગીત બપ્પીદાએ આપ્યું હતું. આ અંગે જાણકારી આપતા કે. અમર સોલંકી (ડેની)એ જણાવ્યું કે, ફિલ્મના કલાકારો હતા આદિલ હુસેન અને ભાવના ભટ્ટ. ફિલ્મમાં અમજદ ખાન મુખ્ય ખલનાયક હતા પણ અકસ્માતને કારણે ફિલ્મ કરી શકે એમ ન હોવાથી તેમના રિપ્લેસમેન્ટમાં રમેશ દેવને લેવામાં આવ્યા હતા. હિન્દી અને ગુજરાતીમાં બની હતી બપ્પી લાહિરીએ ગુજરાતી અને હિન્દીમાં ગાયેલાં ગીતના શબ્દો હતા જનમ જનમના સાથી અમે તો મોત અમને આવે તો શું… ફરી જનમ લેશું અમે.. જ્યારે આ ગીતના હિન્દી વર્ઝનના શબ્દો હતા ફિર જનમ લેંગે હમ.
બપ્પીદાને યાદ કરતા બૉલિવુડના વિખ્યાત સર્જક મેહુલ કુમારે જણાવ્યું કે, તેઓ હંમેશ યાદ રાખી. તેઓ તાહિર હુસેન દ્વારા નિર્મિત મારી પહેલી હિન્દી-ગુજરાતી ફિલ્મ ફિર જનમ લેંગે હમ (હિન્દી) અને જનમ જનમના સાથે (ગુજરાતી)ના સંગીતકાર હતા. મ્યુઝિક સુપરહિટ રહ્યું હતું. રફી સાહેબ અને લતા દીદીએ પણ ફિલ્મમાં ગીત ગાયાં હતાં. અમે એક સાથે ચાર હિન્દી ફિલ્મો કરી રહ્યા હતા. મહેબૂબ સ્ટુડિયોમાં થયેલા પહેલા રેકૉર્ડિંગ સમયે આ ફોટો લેવામાં આવ્યો હતો.
બપ્પી લાહિરીને સોનું પહેરવાનો શોખ કેવી રીતે થયો એ અંગે તેમણે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેઓ પૉપ સ્ટાર એલ્વિસ પ્રેસ્લીના ભારે પ્રશંસક હતા અને એલ્વિસ એના પર્ફોર્મન્સ દરમિયાન સોનાની ચેન પહેરી રાખતા. એ સમયે બપ્પીએ નક્કી કર્યું કે જો એ સફળ થશે તો એક અલગ ઓળખ બનાવશે. અને તેમણે એલ્વિસની જેમ સોનાની ચેનો પહેરવાનું શરૂ કર્યું. અને તેમનો આ શોખ તેમની અલગ ઓળખ બની ગયો.
બપ્પી લાહિરીના અવસાનના સમાચાર આવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શોક સંદેશ ટ્વીટ કર્યો હતો. તો બૉલિવુડના અજય દેવગણ, અક્ષય કુમાર સહિત અનેક સેલિબ્રિટીઝે બપ્પીદાને શ્રદ્ધાંજલિ અર્પી હતી.