નેશનલ ઍવોર્ડ જીતનાર આયુષ્માન ખુરાનાનું નસીબ આજકાલ સોળે કળાએ ખીલેલું છે. અભિનેતા એની સ્પેશિયલ પ્લૉટ પર બનનારી ફિલ્મો માટે જાણીતો છે. એક પછી એક હિટ ફિલ્મો આપનાર આયુષ્માન ફરી એક વાર બૉક્સ ઑફિસ પર છવાઈ જવા આવી રહ્યો છે. એની આગામી ફિલ્મ બાલાનું ટીઝર લૉન્ચ થવાની સાથે જ લોકો બેવડ વળી ગયા.

તાજેતરમાં આયુષ્માનની ફિલ્મ ડ્રીમ ગર્લનું ટ્રેલર લૉન્ચ થયું તો એ ઇન્ટરનેટ પર જોરદાર વાયરલ થયું. તો હવે આયુષ્માન અને ભૂમિની ફિલ્મ બાલાનું ટ્રેલર આજે રિલીઝ થયું. ટીઝરને જોઈ તમને ખ્યાલ આવી જશે કે આયુષ્માન ફરી આ કૉમેડી ફિલ્મ દ્વારા સમાજની દુખતી રગ પર હાથ મુકી રહ્યો છે.

આયુષ્માને એની આ ફિલ્મના ટીઝરને ઇન્સ્ટાગ્રામ વૉલ પર શેર કર્યું છે. રિલીઝ થયાના થોડા સમયમાં જ બે લાખ કરતા વધુ લોકો એ જોઈ ચુક્યા છે. તો કૉમેન્ટ બૉક્સમાં અભિનેતાની તારીફ કરતા મેસેજના ઢગલા થવા લાગ્યા છે. ટીઝર જોઈને ખ્યાલ આવે છે કે આ ફિલ્મમાં આયુષ્માન ટકલાની ભૂમિકામાં છે. એનો લૂક જોઈ ખ્યાલ આવે છે કે આયુષ્માને એના આ ગેટઅપ માટે ભારે જહેમત ઉઠાવી છે.

થોડી સેકન્ડના આ ટીઝરમાં આયુષ્માન મોટરસાયકલ પર એક ફિલ્મી હીરોના અંદાજમાં શાહરૂખ ખાનનું ગીત કોઈ ના કોઈ ચાહિયે ગાતો જઈ  રહ્યો છે. ત્યારે જોરથી ફૂંકાયેલા પવનમાં એની કેપ ઉડી જાય છે અને એના ચહેરાનો રંગ પણ ઉડી જાય છે.

ઉદાસ થયેલો આયુષ્માન પછી શાહરૂખનું ગીત પડતું મુકી રાજેશ ખન્નાનું ગીત રહેનો દો છોડો જાને ભી દો યાર ગાવા લાગે છે. ટીઝર જોઇને એક વાત સ્પષ્ટ થાય છે કે આપણા સમાજમાં નાની ઉંમરે વાળ ગુમાવી ચુકેલા લોકોની મુશ્કેલીઓને કૉમેડીના તડકા સાથે રજૂ કરાશે. ફિલ્મમાં એની સાથે ભૂમિ પેડણેકર અને યામી ગૌતમ જોવા મળશે. બાલા ૧૨ નવેમ્બરે રિલીઝ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here