ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ભલે ગમે તેટલા ઉતાર ચઢાવ જાયા હોય પણ ગુજરાતી રંગભૂમિએ કપરા દિવસો ખાસ જોયા નથી. અનેક નાટકો સુપરહિટ કે હિટ થયા છે. તો ગુજરાતી નાટકો પરથી હિન્દી ફિલ્મો બની છે અને બૉક્સ ઑફિસ પણ છલકાવી છે. પરંતુ એક એવું ગુજરાતી નાટક છે જે ત્રીસ વરસ બાદ ગુજરાતી ફિલ્મ સ્વરૂપે આવી રહ્યું છે. ગુજરાતી નાટક પરથી અનેક હિન્દી ફિલ્મો બની છે અને સુપરહિટ પણ થઈ છે. પરંતુ ગુજરાતી નાટક પરથી ગુજરાતી ફિલ્મ બની હોય એવું જ્વલ્લેજ બન્યું હશે.

૧૯૮૮માં ચીલઝડપ નાટક આવ્યું હતું અને દર્શકોએ એને વધાવી લીધું. નાટકમાં એ સમયના ધુરંધર કલાકારો રીમા લાગુ, સિદ્ધાર્થ રાંદેરિયા, જતીન કાણકિયા અને અમિત દિવેટિયા કામ કરી રહ્યા હતા. વિહંગ મહેતા લિખિત આ નાટકે એ સમયે ધૂમ મચાવી હતી. હવે આટલા વરસો બાદ ચીલઝડપ નાટક પરથી એજ નામે ગુજરાતી ફિલ્મ બની છે જે ૬ સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે.

ગુજરાતી ફિલ્મમાં રીમા લાગુની ભૂમિકા સોનિયા શાહ ભજવી રહ્યાં છે તો સિદ્ધાર્થ રાંદેરિયાનું પાત્ર હિન્દી ફિલ્મ-ટીવીના જાણીતા કલાકાર સુશાંત સિંહે ભજવ્યું છે. જ્યારે જતીન કાણકિયાનું કેરેક્ટર જિમિત ત્રિવેદી અને અમિત દિવેટિયાએ ભજવેલી ડીસીપી ગોહિલની ભૂમિકા દર્શન જરિવાલાએ ભજવી છે.

વિહંગ મહેતા લિખિત આ સુપરડુપર કૉમેડી થ્રિલરમાં બેન્ક લૂટની વાત છે અને શંકાની સોય સુશાંત સિંહ, જિમિત ત્રિવેદી અને સોનિયા શાહ સામે તકાય છે. એમાં એક વ્યક્તિની હત્યા થતાં મામલો ઓર ગંભીર બને છે.

જીટીપીએલ પ્રસ્તુત આ થ્રિલર કૉમેડી ફિલ્મના નિર્માતા છે રાજુ રાયસિંઘાનિયા અને દિગ્દર્શક છે ધર્મેશ મહેતા. વિહંગ મહેતાએ લખેલા નાટકને ફિલ્મી વાઘા પહેરાવવા માટે જરૂરી ફેરફાર કરાયા છે પણ નાટકના હાર્દમાં કોઈ ફેરફાર કરાયો નથી.

આ તો થઈ ગુજરાતી નાટક પરથી બનેલી ગુજરાતી ફિલ્મની વાત. હવે આપણે એક નજર ગુજરાતી નાટક પરથી બનેલી હિન્દી ફિલ્મો પર કરીએ.

૧૦૨ નોટ આઉટ

આજ નામે ગુજરાતીમાં બનેલા નાટકના લેખક-દિગ્દર્શક હતા ઉમેશ શુક્લા. નાટકમાં ૧૦૨ વરસના વયોવૃદ્ધ સૌથી મોટી વયની વ્યક્તિ તરીકેનો વર્લ્ડ રેકોર્ડ બનાવવા માગે છે તો એનો સિત્તેરની વય વટાવી ચુકેલો પુત્ર વિરોધ કરે છે. નાટક પરથી ખુદ ઉમેશ શુક્લાએ અમિતાભ બચ્ચન, રિશી કપૂર અને જિમિત ત્રિવેદીને લઈ ફિલ્મ બનાવી હતી.

સુપર નાની

પદ્મારાણી, સનત વ્યાસ, જગત મુકાતી, જિમિત ત્રિવેદી, લિનેસ ફણસે, સ્નેહલ ત્રિવેદી જેવા કલાકાર સાથેનું નાટક બાએ મારી બાઉન્ડરી પરથી  રેખા, શર્મન જાશી, રણધીર કપૂર, અનુપમ ખેર અને રાજેશકુમાર જેવા કલાકારો સાથે સુપર નાની ફિલ્મ બની હતી. નાટકની વાત એક એવી મહિલાની છે જેણે આખું આયખું એના પરિવાર માટે ખર્ચી નાખ્યું હોવા છતાં એની ઘરમાં કોઈ કિમત નથી.

ઓહ માય ગૉડ (ઓએમજી)

મૂળ ગુજરાતી નાટક કાનજી વિરૂદ્ધ કાનજી પરથી હિન્દીમાં ક્રિશ્ના વર્સસ કનૈયા બન્યું હતું. અને પાછળથી અક્ષયકુમાર અને પરેશ રાવલની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ ઓહ માય ગાડ (ઓએમજી) બની હતી. ધરતીકંપમાં સર્વસ્વ ગુમાવી બેઠેલો કાનજી ભગવાન (ઇશ્વર) પાસેથી નુકસાની વસુલવા કોર્ટમાં કેસ કરે છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની પાતળી રેખાનો ભેદ બતાવતી ફિલ્મ બ્લોકબસ્ટર પુરવાર થઈ હતી.

વક્ત : ધ રેસ અગેઇન્સ્ટ ટાઇમ

આવો વ્હાલા ફરી મળીશું નામના નાટક પરથી વક્ત – ધ રેસ અગેઇન્સ્ટ ટાઇમ નામની ફિલ્મ બની હતી. દેવેન ભોજાણી, વંદના પાઠક, જમનાદાસ મજિઠિયા અને સુચેતા ત્રિવેદી જેવા કલાકાર ધરાવતા નાટકે દર્શકોને આકર્ષ્યા હતા. જોકે વિપુલ એ. શાહે બનાવેલી ફિલ્મમાં અમિતાભ બચ્ચન, અક્ષયકુમાર, પ્રિયંકા ચોપરા અને શેફાલી છાયા જેવી ધરખમ સ્ટારકાસ્ટ હોવા છતાં ફિલ્મે ખાસ દેખાવ કર્યો નહોતો.

આંખે

નિર્માતા-દિગ્દર્શક વિપુલ શાહે બીજા એક નાટક આંધળો પાટો પરથી હિન્દી ફિલ્મ આંખે બનાવી હતી. ફિલ્મે ઠીક  ઠીક કહી શકાય એવો ધંધો કર્યો હતો.

ઇત્તફાક

ગુજરાતી નાટક ધુમ્મસ પર આધારિત બી. આર. ચોપરાની ફિલ્મ ઇત્તફાકમાં રાજેશ ખન્ના, નંદા અને બિન્દુ મુખ્ય ભૂમિકામાં હતા. ઓછા બજેટમાં બનાવેલી એક પણ ગીત વગરની આ ફિલ્મે ધૂમ વકરો કર્યો હતો. ધુમ્મસ નાટકમાં સરિતા જોશી મુખ્ય ભૂમિકામાં હતાં.

આજ કી તાજા ખબર

૧૯૭૩માં રિલીઝ થયેલી કિરણકુમાર અને રાધા સલુજા અભિનીત ફિલ્મ આજ કી તાજા ખબર ગુજરાતી નાટક ચકડોળ પર આધારિત હતી. શંકાશીલ પત્નીને કારણે પતિ કેવી કફોડી હાલતમાં મુકાય છે એની વાત રમૂજી ઢબે આલેખાઈ હતી. જોકે ફિલ્મ ટિકિટબારી પર ખાસ કમાણી કરી શકી નહોતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here