દેશભરમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે. રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનને લગભગ એક મહિનો થવા આવશે, લોકો હવે ઘર બહાર જતા અચકાઈ રહ્યા છે. જોકે સરકારે લીધેલા સમયસરના પગલાંને કારણે યુરોપ અમેરિકા જેટલો હાહાકાર ભારતમાં મચ્યો નથી. જો લોકો સરકારે આપેલા આદેશોનું યોગ્ય પાલન કરે તો કોરોના સંક્રમિત દરદીઓની સંખ્યામાં ભારે ઘટાડો થઈ શકે છે.

કોવિડ-19મી મહામારી દરમ્યાન દેશવાસીઓને પ્રોત્સાહિત કરવા મહાન ગાયિકા આશા ભોસલેએ કહ્યું હતું કે આમાંથી બાહર આવ્યા બાદ દેશ મજબૂતીથી વિકાસ કરશે. પરંતુ એને માટે લોકોએ પણ સામાજિક દૂરી બનાવવાની સાથે સ્વચ્છતા સંબંધી સરકારે આપેલા આદેશોનું ચુસ્તપણે પાલન કરવું જોઇએ.

86 વર્ષનાં આશા ભોસલેએ તેમના જીવનમાં ટીબી, પ્લેગ, કોલેરા જેવા અનેક રોગચાળાઓ ઉપરાંત બીજા વિશ્વયુદ્ધ સમયની કટોકટી પણ જોઈ-અનુભવી છે.

આશા ભોસલેએ તાજેતરમાં એક એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, હું ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી છું એટલે એની જ વાત કરીશ. આજે ભલે ઇન્ડસ્ટ્રી બંધ પડી હોય પરંતુ કોરોના મહામારીમાંથી બહાર આવ્યા બાદ ફરી ધામાકેદાર એન્ટ્રી કરશે. આજે દરેક ઇન્ડસ્ટ્રી પર કોરોનાની અસર દેખાય છે, પરંતુ મને લાગે છે કે મનોરંજન જગત ઝડપથી એમાંથી બહાર આવશે. લોકોને મનોરંજન પસંદ છે અને આટલો લાંબો સમય ઘરમાં રહ્યા બાદ ફિલ્મ જોવા કે સંગીતના કાર્યક્રમો જોવાની ઇચ્છા થશે જ. આખરે માણસ સામાજિક પ્રાણી છે.

લતા મંગેશકર સાથે આશા ભોસલે

છેલ્લા છ દાયકા કરતા વધુ સમયથી ફિલ્મોમાં ગીતો ગાઈ રહેલાં આશા ભોસલેએ કહ્યું કે, હું 86 વર્ષની છું અને અનેક રોગચાળા જોઈ ચુકી છું. એ સમયે તો આટલી સુવિધાઓ પણ નહોતી. અમે દેશી ઉપચાર પર નિર્ભર રહેતા હતા. પ્લેગમાં તો ગામ આખા સાફ થઈ જતા. મને યાદ છે કે અમને પણ માતાપિતા ત્યાંથી સુરક્ષિત સ્થળે લઈ ગયા હતા. સમજોને એ સમયે પણ અમારે સામાજિક દૂરી રાખવી પડતી હતી. એ સમયે સોશિયલ ડિસ્ટંન્સિંગ કે લૉકડાઉન જેવા ભારે શબ્દોનો ઉપયોગ થતો નહોતો, પણ એને કારણે જ અમે ઉગરી જતા. મેં બીજું વિશ્વયુદ્ધ પણ જોયું છે. ખાવાના સામાનનું રેશનિંગ થતું, હાલત ઘણી કફોડી હતી પણ બધા એમાં પણ એડજસ્ટ થઈ ગયા.

દિનચર્યા અંગે જણાવતા તેમણે કહ્યું કે, દિવસમાં બે વાર મીઠાના પાણીના કોગળા કરૂં છું. યોગ અને ધ્યાન પણ જરૂરી છે જેથી આપણું મગજ સ્વસ્થ રહે. હમણા તો કોઈ રેકોર્ડિંગ કે કોન્સર્ટ નથી, પણ હું ઘણી પોઝિટિવ વ્યક્તિ છું. આપણી સંસ્કૃતિએ દરેક હાલતમાં કેવી રીતે રહેવું એ શીખવ્યું છે. હું આ ઘડીને પણ સકારાત્મક દૃષ્ટીથી જોઉં છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here