લૉકડાઉનને કારણે બધા શૂટિંગ અટકી પડ્યા હોવાથી પ્રસારિત થતી સિરિયલનું પુન:પ્રસારણ થઈ રહ્યું છે કે ચૅનલોએ જૂની પણ અતિ લોકપ્રિય સિરિયલ દર્શાવવાનું શરૂ કર્યું છે. સોની સબ પણ એની લોકપ્રિયતાના શિખરે બિરાજતી અનેક સિરિયલ રિપીટ કરી રહી છે એમાં 2000ની સાલમાં દર્શાવાયેલી અને આજે પણ દર્શકો ભૂલ્યા નથી એ ઑફિસ ઑફિસનું પુન:પ્રસારણ શરૂ કર્યું છે. સોમવારથી શુક્રવારે સાંજે 6 અને રાત્રે 10.30 વાગ્યે પ્રસારિત થઈ રહેલી સિરિયલના તમામ કેરેક્ટર દર્શકોના દિલોદિમાગ પર છવાયેલા છે.

સિરીઝમાં ઉષા મેડમનું પાત્ર ભજવનાર અશાવરી જોશીએ કહ્યું કે, ઑફિસ ઑફિસના રીપિટ ટેલિકાસ્ટને કારણે હું ઘણી રોમાંચિત છું. આજે પણ એના શૂટિંગ દરમ્યાન થયેલા મજેદાર અનુભવો મને યાદ છે.

ઑફિસ ઑફિસના દિવસોને યાદ કરતા અશાવરી જોશી કહે છે કે, હજુ અમે કાલની જ વાત હોય એવું લાગી રહ્યુ છે. શોના બધા કલાકાર થિયેટરના હતા અને અમે જે કંઈ કર્યું, એ દર્શકોને પસંદ પડ્યું. સૌથી મજેદાર વાત એ હતી કે અમારા બધામાં એક સમાનતા હતી, સાત પાનાંનો લાંબો સીન પણ અમે એક જ ટેકમાં ઓકે કરતા હોવાથઈ અમારી શિફ્ટ વહેલી પૂરી થતી. સેટ પર સીન ભજવાતો હોય ત્યારે બધા ગંભીર રહેતા, બાકીનો સમય ધમાલ-મસ્તીમાં વીતતો.

સેટ પર ચાલતી મજાકમસ્તીને યાદ કરતા અશાવરીએ કહ્યું કે, સંજય મિશ્રા સૌથી મજાકિયા હતા. તેઓ બિરબલ જેવા હાજરજવાબી અને રોજ મારા પર જૉક્સ સંભળાવતા. સૌથી વધુ મજાક મારી સાથે જ થતી. એક દિવસ તો બધાએ ભારે કરી. તેમણે કહ્યું કે મારી ખુરસી નીચે ઉંદર છે અને હું ડાયલોગ બોલતા ચીસ પાડી ઊઠી.

અસાવરીએ કહ્યું કે, બધા પુરૂષો વચ્ચે હું એકલી જ મહિલા કલાકાર હતી અને યુનિટના બધા પુરૂષ સભ્યો મને પ્રોડક્શન કા એકમાત્ર જમાઈ કહીને ચીડવતા હતા. કારણ, મારા માટે અલગ રૂમ રહેતો અને પર્સનલ સ્ટાઇલિસ્ટ પણ. મારી આગતાસ્વાગતા એક લાડકા જમાઈની જેમ થતી હતી. સંજય, મનોજ અને હેમંત મારી ઘણી મજાક કરતા હોવા છતાં અમે સારા મિત્રો હતા. જ્યારે દેવેન સેટ પર શાંત રહેતા અને પોતાના કામ માટે ગંભીર હતા. મને લાગે છે કે અમને બધાને પંકજ કપૂર પાસે ઘણું શીખવા મળ્યું. ઑફિસ ઑફિસની પૂરી યાત્રા દરમ્યાન કામ પ્રત્યેની તેમની નિષ્ઠા જોવા જેવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here