રિભુ દાસગુપ્તાની આગામી ફિલ્મ સેક્શન 84માં અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. અમિતાભ બચ્ચનને કેમ લેજન્ડ કહેવામાં આવે છે એનું આ એક કારણ છે. 80 વર્ષની વયે પણ તેઓ વૈવિદ્યસભર ભૂમિકાઓ ભજવવા તત્પર રહે છે. ઊંચાઈની સફળતા બાદ અમિતાભ સેક્શન-84 નામની કોર્ટરૂમ થ્રિલર કરવાની તૈયારી કરી રહ્યા છે. ફિલ્મના લેખક-દિગ્દર્શક રિભુ દાસગુપ્તા છે.
સેક્શન-84 અગાઉ અમિતાભ બચ્ચને રિભુ દાસગુપ્તા દિગ્દર્શિત ફિલ્મ યુદ્ધ (2014) અને ટી3એન (2016)માં કામ કરી ચુયા છે.
સેક્શન-84ની જાહેરાત કરતા અમિતાભ બચ્ચને તેમના અધિકૃત સોશિયલ મીડિયા અકાઉન્ટ પર લખ્યું હતું કે, આ નવા સાહસ માટે પ્રતિષ્ઠિત સર્જનાત્મક લોકોની ફરી થઈ રહેલી સંગતને કારણે આનંદ અનુભવી રહ્યો છું અને આ મારા માટે એક પડકાર સમાન છે.
તો ફિલ્મના દિગ્દર્શક રિભુ દાસગુપ્તાએ જણાવ્યુ કે, ફરી એકવાર અમિતાભ સર સાથે કામ કરવાનો લ્હાવો મળી રહ્યો હોવાથી ધન્યતા અનુભવી રહ્યો છું. ફિલ્મ શરૂ થવાની રાહ જોઈ રહ્યો છું. તો નિર્માતા વિવેક અગ્રવાલ (રિલાયંસ એન્ટરટેઇન્મેન્ટ)એ કહ્યું કે, બચ્ચન સાહેબ અમારી આગામી ફિલ્મ કરી રહ્યા છે એ અમારા માટે સન્માનની વાત છે.
કાયદાની ભાષામાં સેક્શન-84માં જણાવાયું છે કે, એક એવી વ્યક્તિ જે માનસિક રીતે અસ્વસ્થ હોય અને એવી દશામાં કોઈ કામ કરતી વખતે એને ખ્યાલ નથી આવતો કે એ કેવા પ્રકારનું કાર્ય છે, અથવા એ જે કામ કરી રહ્યો છે એ ખોટું છે અને કાયદા વિરુદ્ધનું છે તો એના દ્વારા કરાયેલા સંબંધિત કાર્યને ગુનો ગણવામાં આવતો નથી.
સેક્શન-84 રિલાયંસ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા જિયો સ્ટુડિયોના સહયોગમાં પ્રસ્તુત અને રિલાંસ એન્ટરટેઇન્મેન્ટ, ફિલ્મ હૅંગર અને સરસ્વતી એન્ટરટેઇન્મેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા નિર્માણ થઈ રહ્યું છે.