શનિવારે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા દેશભરના મહાનાયકના ચાહકોમાં હાયકારો નીકળી ગયો. હજુ ચાહકોને આ સમાચારની કળ વળી નથી ત્યાં ઐશ્વર્યા રાય-બચ્ચન અને આરાધ્યાના  રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા હોવાનું મહારાષ્ટ્રના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ ટ્વીટ કરીને જણાવ્યું હતું. જોકે જયા બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

શનિવારે રાત્રે અમિતાભ બચ્ચન અને અભિષેકે સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી કે તેમના કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. એ સાથે તેમણે અપીલ કરી હતી કે છેલ્લા દસ દિવસમાં જે કોઈ તેમના સંપર્કમાં આવ્યું હોય તેઓ પણ ટેસ્ટ કરાવે.

અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ હોવાના સમાચાર વાયુ વેગે દુનિયાભરમાં ફેલાઈ ગયા. તો રવિવારે દેશભરના વિખ્યાત મંદિરોમાં તેમના આરોગ્ય માટે સવારથી હોમ હવન થઈ રહ્યા છે. તો હેસ્પિટલમાં ડૉક્ટરની ટીમ તેમની સારવાર કરી રહી છે.

અમિતાભ બચ્ચન પરિવારના કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ મહાપાલિકાના કે-પશ્ચિમ વૉર્ડના આસિસ્ટંટ કમિશનર વિશ્વાસ મોટેએ જણાવ્યું કે, અમિતાભ બચ્ચનના ચારેય બંગલાઓ, જલસા-જનક-પ્રતિક્ષા અને વત્સને સીલ કરવાની સાથે કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે. ઉપરાંત અમે બચ્ચન પરિવારના સંપર્કમાં આવેલાઓને શોધી રહ્યા છીએ. અત્યાર સુધીમાં અમને 30 હાઈ રિસ્ક કોન્ટેક્ટને ઓળખી કાઢ્યા છે.

અત્યાર સુધીમાં બચ્ચન પરિવાર સહિત 16 કર્મચારીઓના ટેસ્ટ કર્યા છે. જેમના રિપોર્ટ બાકી છે એ આવતી કાલે આવશે એમ પાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું.

દરમ્યાન અમિતાભ બચ્ચનનો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ નાણાવટી હોસ્પિટલનો આભાર માનતો જે વિડિયો વાયરલ થઈ રહ્યો છે એ હકીકતમાં જૂનો વિડિયો છે.

અભિષેક બચ્ચનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અમિત સાધ પણ ટેન્શનમાં છે. કારણ બંને તાજેતરમાં રિલીઝ થયેલી વેબ સિરીઝ બ્રીધ ઇન ટુ ધ શેડોઝનું ડબિંગ સાથે કરી રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here