અને સલવારનો રંગ જ બદલાઈ ગયો

અકબર-તાનસેનના બગાવતી ફરજંદ સલિમ અને બિલાસ ખાનના તવાયફ સાથેના પ્રેમપ્રકરણ પર આધારિત મ્યુઝિકલ અને કોસ્ચ્યુમ નાટક અભિમાન, રજૂઆત ૧૯૭૭. હું  બિલાસ ખાનનું પાત્ર ભજવતો, ખરા અર્થમાં કૉમેડી કિંગ દીનુ ત્રિવેદી મારી (બિલાસ) તવાયફ સાથેની મુલાકાતમાં મદદગાર રહેતા, એક શોમાં તવાયફને કોઠે મને પહોંચાડી, દીનુમામા મહેલમાં તમારી રાહ જોઉં છું એમ કહી નીકળી ગયા! હવે ભગાની શરૂઆત! તવાયફ સાથેના એ નાટકીય સીનમાં મારા સલવારનું નાડું તૂટ્યું, જેમતેમ સીન પતાવ્યો, બ્લેકઆઉટમાં બેકસ્ટેજમાં ઊભેલા એક કલાકારનું સલવાર ઉતરાવી મહેલના સેટ પર દાખલ થયો, ત્યાં સુધી બરાબર હતું, ત્યાં મારી રાહ જોતા બેઠેલા દીનુ ત્રિવેદી સ્વગત બોલ્યા વાહ મહોબ્બતમાં આવું થાય એ આજે ખબર પડી, ગયા ત્યારે પીળા રંગનું  સલવાર અને આવ્યા ત્યારે લીલું? પ્રેક્ષકના હસવામાં મારી હાલત શું થઈ એ હું જ જાણું છું!!!

  • સનત વ્યાસ

વગર કારણે કમલેશ મોતા સ્ટેજ પર ડાફોળિયાં મારી ગયા

માસ્ટર પ્લાન નાટકના એક દ્રશ્યમાં મહિલા કલાકાર કપડાં બદલવામાં મોડા પડ્યા… સ્ટેજ પર હાજર માત્ર એક કલાકાર સંજય જોગ (રામાયણના ભરત) હવે એને ગુજરાતી ફક્ત ગોખેલું આવડે એટલે આપ મેળે કશું બોલી શકે નહી… 40 સેકડના સન્નાટા પછી નાટકના દિગ્દર્શક કમલેશ મોતા (જેમનો રોલ હતો જ નહી) તે અચાનક સ્ટેજ પર એન્ટ્રી મારે છે… જાણે કે કોઈ ખૂની ડાકુ ચોર કોઈના ઘરમાં અચાનક આવી ચડ્યો હોય… થોડી વાર આમતેમ ડાફોળિયાં મારીને કમલેશ એક્ઝિટ કરે છે. આ બધું સ્ટેજ પર ઊભા ઊભા સંજય જોગ જોયા કરે… કમલેશની એક્ઝિટ પછી સંજય જોગ પણ નેપથ્ય માં આવે છે અને મને પૂછે છે “યે કમલેશ પ્રોપર્ટી ચેક કરને આયા થા? ઉસકો બોલો શો ચાલુ હો ચુકા હૈ” અને હું જે ખડખડાટ હસી પડેલો…

  • વિનોદ સરવૈયા

દિનુ મામા મૂર્તિ સાથે વાતો કરતા પકડાયા

નાટક અગ્નિપથ, મારી સાથે રંગભૂમિના વરિષ્ઠ અને દિગ્ગજ કલાકારો – ચંદ્રિકા શાહ, પદ્મા રાણી, સિધ્ધાર્થ રાંદેરિયા, અમિત દિવેટિયા, દિનુ ત્રિવેદી, મનીષા મહેતા – એમ કહોને એ જમાનાનું મલ્ટી સ્ટાર કાસ્ટ નાટક, 3-4 સેટ અને બેનર INTનું. એક જાજરમાન અને કહેવાની જરૂર નથી કે મેગા હિટ નાટક હતું. એના એક દૃશ્યમાં અમે સૌ સ્ટેજ પર હોઈએ છીએ અને અંધકાર બાદ બીજા દૃશ્યમાં મારા અને પદ્માબેન વચ્ચે અત્યંત સંવેદનશીલ, ગંભીર દૃશ્ય અને ઉગ્ર સંવાદો હોય છે. અંધકારમાં સેટ પણ બદલાતો હોય છે અને બધાં જ વરિષ્ઠ કલાકારો અંધારામાં એક પછી એક નેપથ્યમાં જતા હોય છે અને હું એ બધાની સારથી, મારો હાથ ચંદ્રિકાબેન પકડે, એમનો હાથ મનીષાબેન, મનીષાબેનનો હાથ દીનુમામા, એમનો હાથ અમિતભાઈ અને સૌ છુક છુક ગાડી કરતા અંધારામાં રીતસરની દોટ મુકતા અને મારે કપડાં પણ ઝડપથી બદલવાના હોય છે. અમારો એક પ્રયોગ ચર્ચગેટ પાસે આવેલ પાટકર હોલમાં હતો. આ છુક છુક ગાડી કરી અમે સૌ અંદર ગયા, મેં બીજા દૃશ્યના કપડા પહેર્યાં અને અંધારામાં જ હું અને પદ્માબેન સ્ટેજ પર પહોંચ્યા. પ્રકાશ પથરાયો અને અમારી વચ્ચે સંવાદ શરૂ થાય એ પહેલાં જ હું અને પદ્માબેન અવાક્…!! કારણ? દિનુ મામા સ્ટેજના પડદાની આગળ પ્રેક્ષકો તરફ મુકાયેલી પાટકરની મૂર્તિ પાસે ઊભા હતા, જાણે એમની સાથે વાતો ન કરતા હોય…!!! જેમને પાટકર હૉલની સ્ટેજ રચનાની જાણ છે એ બરાબર સમજી શકે છે કે દિનુ મામા ક્યાં ઊભા હશે. અમે સમજી ગયા કે અમારી છુક છુક ગાડીનો એક ડબ્બો અંધારામાં છુટ્ટો પડી ગયો, દિશાહીન થઈ ગયો અને સ્ટેજની બહાર ચોથી દીવાલ તોડી પાટકરની મૂર્તિ પાસે પહોંચી ગયો છે. પ્રેક્ષકો પણ અવઢવમાં કે દિનુ મામા પડદા આગળ સ્ટેજની બહાર આ મૂર્તિ સાથે શું કરે છે ! એ નાટકમાં પાડોશીની ભૂમિકા ભજવતા. વાત અહીં અટકતી નથી, જેમ તેમ હું અને પદ્માબેન દૃશ્ય શરૂ જ કરી રહ્યા હતા ત્યાં દિનુ મામા મૂર્તિ પાસેથી સીધા સ્ટેજ પર અમારી પાસે આવ્યા અને એસ્ક્યુઝ મી કહી એ સેટના એક દરવાજામાંથી સહજતા સાથે સરકી ગયા. અમે બંને માંડ માંડ હસવું રોકી શક્યા.

———-

આ જણાવતાં અપરા બેન ફોન પર જ એટલું ખડખડાટ હસતાં હતાં જાણે આ વાત ગઇ કાલે રાતનાં જ પ્રયોગમાં ઘડાઈ હોય. અને આઇએનટીની ભાષામાં કહીએ તો આ ઘટના 30 વર્ષ પહેલાં ઘડાઈ હતી –  તમારી જાણ ખાતર .

  • અપરા મહેતા

બાબુલ ભાવસાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here