આપણું દુર્ભાગ્ય છે કે દેશના ઇતિહાસમાં જેમના નામનો ઉલ્લેખ સુવર્ણાક્ષરે થવો જોઇએ તેમના વિશે એક શબ્દનો ઉલ્લેખ જોવા મળતો નથી. દેશનો ઇતિહાસ લખનારાઓએ વિદેશી હુમલાખોરો, જેમણે વરસો સુધી રાજ કર્યું તેમને ન્યાયપ્રિય, દિલેર અને પ્રજાના હિતેચ્છુ તરીકે ખપાવ્યા. બોસ્ટન ટી પાર્ટી, ફ્રાન્સનો બળવો જેવા પ્રસંગોના પ્રકરણો ઇતિહાસમાં સમાવ્યા. પરંતુ દેશના પરાક્રમી રાજા-રાણી કે દેશદાઝથી ભરેલા અને દેશ માટે કુરબાની આપનારા સ્વાતંત્ર સેનાનીઓનો ઉલ્લેખ ભાગ્યે જ જોવા મળે છે.
આવી જ એક મહારાણી છે પાટણના ચાલુક્ય વંશના નાયિકા દેવી. બારમી સદીમાં થઈ ગયેલાં પ્રજાવત્સલ મહારાણી જેટલાં સૌમ્ય હતાં એટલાં યુદ્ધકલામાં પાવરધા. તેમણે માત્ર પાટણ પર રાજ કર્યું નથી પણ તમને જાણીને નવાઈ લાગશે કે નાયિકા દેવીએ દેશને લૂંટવા આવતા લૂટારા મોહમ્મદ ઘોરીને 1178માં ખેલાયેલા યુદ્ધમાં કારમો પરાજય આપ્યો હતો. ઇતિહાસની આ અજાણી બાજુને લોકો સમક્ષ લાવી રહ્યા છે નિર્માતા ઉમેશ શર્મા. જ્યારે મરાઠી ફિલ્મ સાવરકર અને અશ્વમેઘમ (તેલુગુ)ના દિગ્દર્શક નિતિન જી. નાયિકા દેવીના દિગ્દર્શક છે.
અટ્રી એન્ટરટેઇન્મેન્ટ બેનર હેઠળ બની રહેલી મલ્ટીસ્ટારર ગુજરાતી ફિલ્મ નાયિકા દેવીના કલાકારો છે ખુશી શાહ, મનોજ જોશી, રાહુલ દેવ, જયેશ મોરે, ચિરાગ જાની, બિન્દા રાવલ, કૌશંબી ભટ્ટ, મમતા સોની, ચેતન દહિયા, હૅરી રાઠોડ અને આકાશ ઝાલા. ફિલ્મની વાર્તા ઉમેશ શર્માની છે તો પટકથા રામ મોરીએ લખી છે. સંગીત પાર્થ ભરત ઠક્કરનું છે.
અટ્રી પ્રોડક્શને અગાઉ શોર્ટ ફિલ્મ ક્યા ઉખાડ લોગે?, વક્ત કી બાતેં, ઓયે યાર (હિન્દી) જેવી ફિલ્મો બનાવી છે. ઉપરાંત પ્રતિક ગાંધી-બ્રિન્દા ત્રિવેદી અભિનીત ગુજરાતી ફિલ્મ હરણાનો સમાવેશ થાય છે. તથા ખુશી શાહની હિન્દી ફિલ્મ ક્યા મૈં મેન્ટલ હૂં પાઇપલાઇનમાં છે.
ફિલ્મનું મોશન પોસ્ટર જોવા નીચેની લિન્ક પર ક્લિક કરો
https://www.youtube.com/watch?v=KYAyu3WD9w4