ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ સર્જક સ્વર્ગસ્થ ગોવિદભાઇ પટેલની સમૃતિમાં તેમના વતન જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે મારા વતનમાં મારી યાદ નામક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત કેશોદના આંબાવાડી વિસ્તારના ચોકને સ્વર્ગસ્થ વિજયાબહેન ગોવિંદભાઇ પટેલ નામ આપવામાં આવ્યું હતું. એ સાથે વિજયાબહેન અને ગોવિંદભાઇ પટેલની પ્રતિમાનું પણ અનાવરણ કરાયું હતું.

ઢોલામારૂથી શરૂ થયેલી ફિલ્મી કરિયર બાદ ગોવિંદભાઇએ પાછા વળીને જોયું નથી. કરિયર દરમ્યાન ગોવિંદભાઇએ બનાવેલી લગભગ તમામ ફિલ્મો સુપરહિટ થઈ હતી. દેશ-વિદેશમાં કેશોદનું નામ રોશન કરનારા ગોવિંદભાઈ પટેલની સ્મૃતિમાં યોજાયેલા કાર્યક્રમને સફળ બનાવવા ગોવિંદભાઇના પુત્ર નિર્માતા-દિગ્દર્શક હરેશ પટેલ, ઇવેન્ટ ડિઝાઇનર અભિલાષ ઘોડા અને અભિનેત્રી પ્રાંજલ ભટ્ટે ભારે જહેમત ઉઠાવી હતી.

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ભીષ્મ પિતામહ ગણાતા ગોવિંદભાઈની સ્મૃતિમાં યોજાયેલા કાર્યક્રમમાં પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, કેશોદના વિધાનસભ્ય દેવાભાઈ, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મિલેનિયમ સ્ટાર નરેશ કનોડિયા, અભિનેતા અને ઇડરના વિધાનસભ્ય હિતુ કનોડિયા, ગોવિંદભાઇના સાથી એવા રાજુભાઇ ભટ્ટ, બાલાભાઇ પટેલ, નિર્માતા-દિગ્દર્શક જીતેન પુરોહિત, મોના થીબા કનોડિયા, ફરીદા મીર, કિરણ આચાર્ય, ભરત બારિયા, અક્ષય પટેલ, રાકેશ પાંડે, નિશાંત પંડ્યા, વૈદેહી પરમાર, મમતા પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે સ્વર્ગસ્થ ગોવિંદભાઇના પુત્ર હરેશ પટેલની પરિકલ્પના સાથે ગોવિંદભાઇની જીવની પર દસ્તાવેજી ફિલ્મ રિલીઝ કરાઈ હતી. જ્યારે મારા વતનમાં મારી યાદ કાર્યક્રમમાં ગોવિદભાઇની ફિલ્મોનાં ગીતો રજૂ કરાયા હતા. ફિલ્મી ગીત પર નરેશ કનોડિયા, હિતુ કનોડિયા અને મોના થીબાએ ધમાકેદાર પફોર્મન્સ આપી ઉપિસ્થત દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમમાં ઉપિસ્થત કલાકારોને સ્મૃતિ ચિન્હ આપી સન્માનવામાં આવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું મેનેજમેન્ટ અભિલાષ ઘોડાની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની તિહાઈ : મ્યુઝિક પીપલ કંપનીની ટીમે કર્યું હતું.