૨૫ જૂન ૧૯૭૫ ભારતીય લોકશાહી માટે કાળો દિવસ ગણાય છે. કારણ, આ દિવસે દેશમાં ઇન્દિરા ગાંધી દ્વારા ઇમર્જન્સી ઘોષિત કરાઈ હતી જે ૨૧ માર્ચ ૧૯૭૭ સુધી (૨૧ મહિના) અમલમાં રહી હતી. આમ તો આ દિવસ યાદ કરવા જેવો નથી પણ બૉલિવુડના વર્સટાઇલ કલાકાર કિશોરકુમાર માટે જાણે કાળાપાણીની સજા સાબિત થઈ હતી. ઇન્દિરા ગાંધીના કાળમાં ઘોષિત કરાયેલી ઇમર્જન્સીને ૪૪ વરસ થયા. એ સમયગાળાના અનેક કિસ્સાઓ ઇતિહાસના પાને નોંધાયા છે પણ એવો એક કિસ્સો જેને સાંભળી આજે પણ લોકોને આશ્ચર્ય થાય છે.
બન્યું એવું કે ઇમર્જન્સી દરમ્યાન કિશોરકુમારને ઇન્દિરા ગાંધીના પ્રોપેગેંડા સંભાળતા માહિતી અને પ્રસારણ પ્રધાન વી. સી. શુક્લાની ઑફિસથી કોઈનો ફોન આવ્યો. ફોન કરનાર વ્યક્તિએ કિશોરને ઇન્દિરા ગાંધીના વીસ સૂત્રી કાર્યક્રમના પ્રચાર ગીતને ગાવા માટે જણાવ્યું. એ સાથે ઉમેર્યું કે આ વી સી શુકિલાનો આદેશ છે. કિશોરકુમાર આદેશ સાંભળી ભડકી ગયા અને ફોન કરનારને સંભળાવ્યું, ગાંડો કહીનો… ચાલ ભાગ.
કિશોરકુમારના આવા રવૈયાને કારણે પ્રધાનનો પારો સાતમા આસમાને પહોંચ્યો અને એક ફતવો બહાર પાડી કિશોરકુમારનાં ગીતો ઑલ ઇન્ડિયા રેડિયો પર બૅન કર્યા. આટલું ઓછું હોય તેમ કિશોરની ફિલ્મો દૂરદર્શન પર દર્શાવવા પર પ્રતિબંધ મુકી દીધો. આમ છતાં ગુસ્સો ઓછો ન થતા કિશોરની રેકોર્ડના વેચાણ પર પણ પ્રતિબંધ મુકી દીધો. ઇમર્જન્સી સમયની ઘટના સાંભળી લોકોને આજે પણ ચોંકી ઊઠે છે.