Table of Contents
રાજ્ય સરકારે લાઇટ્સ… કેમેરા… ઍક્શન… કહેવાની છૂટ આપ્યા બાદ મનોરંજનની દુનિયા ફરી ધમધમાટ કરવા લાગી છે. જોકે નિર્માતાએ સાવચેતીના તમામ પગલાં લેવા ફરજિયાત બનાવાયા છે. સેટ પર પણ મર્યાદિત ક્રુ મેમ્બર, સોશિયલ ડિસ્ટિન્સંગનું પાલન કરવું, માસ્કનો ઉપયોગ કરવો જેવા સુરક્ષાના તમામ પગલાં લેવા અતિઆવશ્યક છે.
અત્યારે લૉકડાઉનને કારણે જે પરિસ્થિતિ ઉદભવી છે એમાં કોઈ નવું સાહસ કરવું એ ઘણું ચેલેન્જિંગ છે. પરંતુ એક નવી મરાઠી ફિલ્મના શૂટિંગની શરૂઆત કરીને મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ આ પડકાર ઝીલી લીધો છે.
દર્શકોને કંઇક અલગ મનોરંજન આપવા માટે મરાઠીમાં પહેલીવાર ઝૉમ-કૉમ ફિલ્મ ઝોંબિવલી આવતા વરસે રિલીઝ થશે. ઍક્શનની સાથે ફિલ્મની વાર્તા થકી દર્શકોને જકડી રાખનારા દિગ્દર્શક આદિત્ય સરપોતદાર ઝોંબિવલીનું દિગ્દર્શન કરી રહ્યા છે. આદિત્ય અગાઉ ક્લાસમેટ્સ, માઉલી, ફાસ્ટર ફેણે જેવી ફિલ્મોનું દિગ્દર્શન કરી ચુક્યા છે. સારેગમ પ્રસ્તુત અને યોડલી ફિલ્મ્સ દ્વારા નિર્મિત ઝોંબિવલી ફિલ્મનું મૂહુર્ત તાજેતરમાં મુંબઈ ખાતે પાર પડ્યું. ફિલ્મના અમુક મહત્ત્વના સીન ટૂંક સમયમાં લાતુર ખાતે ફિલ્માવવામાં આવશે. મુહૂર્તની સાથે ફિલ્મનું પોસ્ટર પણ સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યું.
મરાઠી ફિલ્મના ચાહકોને લાંબા અરસા બાદ હૉરર-કૉમેડી ફિલ્મ જોવા મળશે. અત્યાર સુધી બૉલિવુડ અને હૉલિવુડમાં ઝોંબી પર આધારિત ફિલ્મો જોઇ છે, પણ મરાઠીમાં પહેલીવાર ઝૉંબી પર આધારિત ફિલ્મ બની રહી છે. ફિલ્મનું ટાઇટલ પણ ઘણું ઇન્ટરેસ્ટિંગ છે. ડોંબિવલીમાં ઝૉંબીસનું કનેક્શન હોવાથી ફિલ્મનું નામ ઝોંબિવલી રાખવામાં આવ્યું છે.
યુથ સ્ટાર અમેય વાઘ, લલિત પ્રભાકર અને વૈદેહી પરશુરામીની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ આજની પેઢીને ધ્યાનમાં રાખી બનાવાઈ રહી છે. નિર્માતાના હિસાબે ઝોંબિવલીમાં હૉરર અને કૉમેડીનું સમીકરણ પ્રેક્ષકોને માણવા મળશે.
ફિલ્મના ડીઓપી છે લૉરેન્સ ડિકુન્હા, લેખકો છે સાઈનાથ ગણુવાડ, સિદ્ધેશ પુરકર, મહેશ ઐયર અને યોગેશ જોશી. સંગીતકાર છે એ.વી. પ્રફÙલ ચંદ્રા.
ડોંબિવલીમાં આકાર પામતી ઝોંબિવલીની કથા શું છે એ તો દર્શકોને ૨૦૨૧માં જાણવા મળશે.