બસો કરોડના હવાલા કૌભાંડના આરોપીએ અભિનેત્રીને ભેટમાં આપ્યો લાખેણો ઘોડો, મોંઘીદાટ બિલાડીઓ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ જેના વિરૂદ્ધ બસો કરોડના હવાલા મામલે સાત હજાર પાનાંની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે એ સુકેશ ચંદ્રશેખર અને એની પત્ની લીના મારિયા હાલ જેલમાં છે. જોકે જેલમાં પણ તમામ સુખસાહ્યબી મેળવવા એ મહિનાના એક કરોડ રૂપિયા ખર્ચતો હોવાનું બહાર આવ્યા બાદ તિહાર જેલ પ્રશાસન ઉપરતળે થઈ ગયું છે. ખેર, આપણે અહીં જેકલીનની વાત કરીએ. હવાલાના આરોપી સુકેશે જેકલીન ફર્નાન્ડીઝ પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા હતા.
મળતી જાણકારી મુજબ સુકેશે જેકલીનને દસ કરોડ રૂપિયાની ગિફ્ટ પણ આપી હતી જેમાં બાવન લાખ રૂપિયાનો ઘોડો, છત્રીસ લાખ રૂપિયાની ચાર પર્શિયન બિલાડી, જ્વેલરી, ડાયમંડનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત જેકલીનના પરિવારજનોને પણ પૈસા મોકલ્યા હોવાનો ચાર્જશીટમાં ઉલ્લેખ કરાયો છે.
સુકેશ જેલમાં હતો ત્યારે પણ જેકલીન સાથે ફોન પર વાત કરતો હતો. સુકેશને જ્યારે જામીન મળ્યા ત્યારે એણે જેકલીન માટે મુંબઈથી દિલ્હીની ફ્લાઇટ બુક કરી, તો દિલ્હીથી ચેન્નઈ જવા ચાર્ટર્ડ ફ્લાઇટ બુક કરી હતી અને બંને ચેન્નઈ ગયા અને એક હોટેલમાં રોકાયા હતા.
હવાલા મામલે ઈડીએ જેકલીનની આઠ કલાક પૂછપરછ કરી હતી. 23 ઓક્ટોબરે સુકેશના વકીલે ખુલાસો કર્યો હતો કે જેલમાં રહેતા સુકેશ સાથે રિલેશનશિપમાં હતી. જોકે અભિનેત્રીએ આ વાત નકારી કાઢી હતી.